ધો.6-8ના સંસ્કૃતના પુસ્તકોમાં 150થી વધુ ભૂલો, રાજકોટમાં કોંગ્રેસના શિક્ષણ વિભાગ પર આકરા પ્રહાર
ધોરણ 6માં 52 અને ધોરણ 8માં 100થી વધુ ગંભીર ભૂલો મળી આવતાં કોંગ્રેસ દ્વારા શિક્ષણ વિભાગ પર આકરા પ્રહાર

Published : August 22, 2026 at 9:03 PM IST
રાજકોટ: કોંગ્રેસે શિક્ષણ વિભાગ પર ભારે પ્રહાર કર્યો છે. ધોરણ 6 અને 8ના સંસ્કૃત પાઠ્યપુસ્તકોમાં 150થી વધુ ગંભીર ભૂલો મળી આવી છે. સરકારે સુધારા કરવાના બદલે જૂના પુસ્તકો પર 2026નું સ્ટીકર લગાવીને વિદ્યાર્થીઓને વહેંચ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેર કોંગ્રેસે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. શહેર પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા અને શિક્ષણવિદ્ ડૉ. ભરતભાઈ કોયાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની શાળાઓમાં ભણાવાતા ધોરણ 6 અને 8ના સંસ્કૃત પાઠ્યપુસ્તકોમાં અક્ષમ્ય ક્ષતિઓ છે.
“15 એપ્રિલ 2025ના રોજ સૌપ્રથમ વખત ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળને ધોરણ 8ના પુસ્તકની ભૂલો અંગે પત્ર લખવામાં આવ્યો હતો. કોઈ જવાબ ન મળતાં 17 સપ્ટેમ્બર 2025ના રોજ આરટીઆઈ કરવી પડી હતી. 24 સપ્ટેમ્બરના જવાબમાં તંત્રએ ક્ષતિઓનો સ્વીકાર કર્યો હતો અને સુધારાઓ gsstb.gujarat.gov.in પર અપલોડ કર્યા હતા, પરંતુ પુસ્તકમાં સુધારો કર્યો ન હતો.” - ડૉ. ભરત કોયાણી, પેથોલોજીસ્ટ
તેમના જણાવ્યા મુજબ ધોરણ 6ના પુસ્તકમાં 52થી વધુ અને ધોરણ 8ના પુસ્તકમાં 100થી વધુ ગંભીર ભૂલો પુરાવા સાથે સામે આવી છે. સરકારે આ ક્ષતિઓ સુધારવાના બદલે જૂના પુસ્તકને જ નવું દર્શાવી તેના પર 2026નું સ્ટીકર લગાવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. આ કરોડો રૂપિયાનું કૌભાંડ હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે.
જણાવી દઈએ કે, ડૉ. ભરતભાઈ કોયાણીએ આ મામલે એક વર્ષથી વધુ સમય સુધી તંત્ર સામે લડત આપી છે. 15 એપ્રિલ 2025ના રોજ સૌપ્રથમ વખત ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળને ધોરણ 8ના પુસ્તકની ભૂલો અંગે પત્ર લખવામાં આવ્યો હતો. કોઈ જવાબ ન મળતાં 17 સપ્ટેમ્બર 2025ના રોજ આરટીઆઈ કરવી પડી હતી. 24 સપ્ટેમ્બરના જવાબમાં તંત્રએ ક્ષતિઓનો સ્વીકાર કર્યો હતો અને સુધારાઓ gsstb.gujarat.gov.in પર અપલોડ કર્યા હતા, પરંતુ પુસ્તકમાં સુધારો કર્યો ન હતો.
“સરકારે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. એક તરફ 150થી વધુ ભૂલોવાળા પુસ્તકો છાપ્યા અને બીજી તરફ જૂના પુસ્તકો પર 2026નું સ્ટીકર લગાવીને સ્કૂલ નંબર 93 જેવી શાળાઓમાં વહેંચી દીધા. આ શિક્ષણમાં ભ્રષ્ટાચાર છે. અમે માંગ કરીએ છીએ કે 20 દિવસમાં તમામ પુસ્તકો બદલવામાં આવે અને શિક્ષણમંત્રી રાજીનામું આપે.” - રાજદીપસિંહ જાડેજા, પ્રમુખ, રાજકોટ શહેર કોંગ્રેસ
ત્યારબાદ 7 નવેમ્બર 2025ના રોજ ફરીથી ધોરણ 6 અને 8 બંને પુસ્તકોની ભૂલો અંગે પાઠ્યપુસ્તક મંડળ અને શિક્ષણમંત્રી રિવાબા જાડેજાને પત્ર લખવામાં આવ્યો હતો. છતાં તંત્ર બહેરા કાને રહ્યું હતું. છેવટે 5 ફેબ્રુઆરી 2026ના રોજ ફરીથી આરટીઆઈ અને 18 ફેબ્રુઆરીના જવાબ બાદ ૫ માર્ચ ૨૦૨૬ના રોજ મંડળે સુધારેલા પુસ્તકોની ફોટોકોપીઓ મોકલી હતી. આ સમગ્ર લડતમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ સતત સાથ આપ્યો હતો.
કોંગ્રેસનો સૌથી મોટો આરોપ સ્ટીકર કૌભાંડને લઈને છે. 13 જુલાઈ 2026ના રોજ બજારમાં નવા સુધારેલા પુસ્તકો મળી રહ્યા હતા, ત્યારે જ જૂના ભૂલવાળા પુસ્તકો પણ વેચાણમાં હતા. 12 જુલાઈ અને 12 ઓગસ્ટ 2026ના રોજ કોંગ્રેસની ટીમે રાજકોટની સરકારી સ્કૂલ નંબર 93 વિનોબા ભાવે અને રૈયા ગ્રામ-ઝાંઝરડા ગામની સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી. ત્યાં ખુલાસો થયો હતો કે બાળકોના હાથમાં ૨૦૨૫ના જૂના અને ક્ષતિગ્રસ્ત પુસ્તકો જ છે, પરંતુ તેના ઉપર ૨૦૨૬નું સ્ટીકર લગાવીને તેને નવા પુસ્તકો તરીકે વહેંચવામાં આવ્યા છે. આ વાલીઓ સાથે સીધી છેતરપિંડી છે.
આ છેતરપિંડી સામે ડૉ. કોયાણીએ 19 જુલાઈ 2026ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે અને 23 જુલાઈએ મોટા મવા પોલીસ ચોકીમાં નિવેદન નોંધાવ્યું છે. 27 જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખ્યો છે.
ત્યારબાદ પણ છેતરપિંડી ચાલુ રહેતાં 10 ઓગસ્ટે ફરીથી આરટીઆઈ અને 12 ઓગસ્ટે પાઠ્યપુસ્તક મંડળ અને પોલીસ કમિશનરને પુસ્તકો બદલવા અને તપાસ કરવા માંગ કરી છે.
આ તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર કોંગ્રેસે કડક શબ્દોમાં માંગ કરી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવા બદલ શિક્ષણમંત્રી રિવાબા જાડેજા તાત્કાલિક રાજીનામું આપે. જો જવાબદારી ન સ્વીકારાય તો તેમને પદભ્રષ્ટ કરવામાં આવે.
કોંગ્રેસે 20 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો સરકારી અને ખાનગી શાળાઓમાંથી ભૂલવાળા અને સ્ટીકરવાળા તમામ પુસ્તકો પાછા ખેંચીને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાચા પુસ્તકો નહીં અપાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચો...

