ETV Bharat / state

PUBGની લત અને સસ્તાની લાલચે એન્જિનિયરને બનાવ્યો ગુનેગાર: સુરત સાયબર સેલે વલસાડ-દિલ્હીથી બે ને ઝડપ્યા

મહિલાએ પુત્રની ફી માટે પેટે પાટા બાંધી ભેગા કરેલા 10 લાખ સુરક્ષિત, પોલીસે 100% રકમ રિકવર કરી

PUBGની લત અને સસ્તાની લાલચે એન્જિનિયરને બનાવ્યો ગુનેગાર: સુરત સાયબર સેલે વલસાડ-દિલ્હીથી બે ને ઝડપ્યા
PUBGની લત અને સસ્તાની લાલચે એન્જિનિયરને બનાવ્યો ગુનેગાર: સુરત સાયબર સેલે વલસાડ-દિલ્હીથી બે ને ઝડપ્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 5, 2026 at 7:47 PM IST

1 Min Read
Choose ETV Bharat

સુરત: ઓનલાઇન ગેમ PUBGની લત અને ઝડપથી પૈસા કમાવવાની ઘેલછામાં ભણેલા-ગણેલા યુવાનો પણ હવે સાયબર અપરાધના માર્ગે વળ્યા છે. સુરત સાયબર સેલે વલસાડ અને દિલ્હીથી બે હાઇ-પ્રોફાઇલ યુવાનોની ધરપકડ કરી છે, જેઓ સાયબર ઠગો પાસેથી ડિસ્કાઉન્ટમાં ગિફ્ટ વાઉચર ખરીદી, તેને સોનામાં ફેરવવાનું નેટવર્ક ચલાવતા હતા. પોલીસે આ કેસમાં ભોગ બનનાર મહિલાના રૂ. 10 લાખની પૂરેપૂરી રકમ રિકવર કરવામાં સફળતા મેળવી છે.

10 મિનિટમાં ખેલ ખલાસ: દર મિનિટે 10 હજાર સાફ

અઠવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એક મધ્યમવર્ગીય મહિલાએ પોતાના પુત્રના અભ્યાસ માટે મહેનતની કમાણીના 10 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવ્યા હતા. સાયબર ઠગોએ મહિલાનો ફોન હેક કરી નેટ બેંકિંગનો એક્સેસ મેળવ્યો હતો. માત્ર 10 મિનિટના ગાળામાં, દર મિનિટે 10 હજારના ટ્રાન્ઝેક્શન કરી એક લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. મેસેજ આવતા જ મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

PUBGની લત અને સસ્તાની લાલચે એન્જિનિયરને બનાવ્યો ગુનેગાર: સુરત સાયબર સેલે વલસાડ-દિલ્હીથી બે ને ઝડપ્યા (ETV Bharat Gujarat)

સ્વિગી વાઉચર અને ક્રિપ્ટોનું રહસ્યમય કનેક્શન

તપાસમાં બહાર આવ્યું કે ઠગોએ પૈસા સીધા ખાતામાં ટ્રાન્સફર કરવાને બદલે તેમાંથી 'સ્વિગી વાઉચર' ખરીદ્યા હતા જેથી પોલીસ પકડાઈ ન શકે. આ વાઉચર્સ ટેલિગ્રામ પર વેચવા મૂકાયા હતા. વલસાડના મિકેનિકલ એન્જિનિયર મિત ભંડારીએ ક્રિપ્ટોકરન્સી (USDT) થી 20% ડિસ્કાઉન્ટમાં આ વાઉચર્સ ખરીદ્યા હતા. તેણે આ વાઉચર્સ દિલ્હીના ગ્રાફિક ડિઝાઇનર નરેન્દ્રસિંહ બિષ્ટને આપ્યા હતા, જેણે કલ્યાણ જ્વેલર્સમાંથી સોનાના સિક્કા ખરીદી કાળા નાણાંને વ્હાઇટમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો.

PUBG પર મુલાકાત અને ગુનાની શરૂઆત

ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, બંને આરોપીઓ PUBG ગેમ રમતા હતા અને ત્યાં જ એકબીજાના તથા સાયબર ઠગોના સંપર્કમાં આવ્યા હતા. ગેમિંગ કમ્યુનિટીમાં સક્રિય આ યુવાનો સસ્તા વાઉચરની લાલચમાં મોટા સાયબર નેટવર્કનો હિસ્સો બની ગયા હતા. સાયબર સેલની ટીમે દિલ્હી અને વલસાડમાં દરોડા પાડી બંનેની ધરપકડ કરી છે અને આ નેટવર્કના અન્ય તાર શોધવા તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: