ભાવનગરમાં ક્રિકેટ ટુર્નામેન્ટ: 'ગાંધીનગરની ટીમનો વાપસ જાઓ'ના નારા લાગ્યા, કોર્પોરેટર-પદાધિકારીઓને કેમ થયો વિરોધ?
ભાવનગરના યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થતો હતો.

Published : January 6, 2026 at 8:52 PM IST
ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાના યજમાન પદે રાજ્યની આઠ મહાનગરપાલિકાની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થવા પામ્યો છે. ત્યારે ભાવનગર યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટના પ્રારંભ સમયે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગરની ટીમને પગલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેને લઇને કોંગ્રેસના કાર્યકરો અને પ્રમુખની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. શા માટે ગાંધીનગરની ટીમને લઈને વિરોધ થયો જાણો.
વિપક્ષે કર્યા આકરા પ્રહાર
ભાવનગરના યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થતો હતો. તે સમયે શહેર કોંગ્રેસ દ્વારા ગ્રાઉન્ડની બહાર ગાંધીનગરની ટીમને પગલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. એક તરફ ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભનો કાર્યક્રમ ચાલુ હતો ત્યારે બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરો દ્વારા 'ગાંધીનગરની ટીમ વાપસ જાઓ' તેવા નારા લગાવવામાં આવતા હતા. જો કે ત્યારબાદ પોલીસે તમામને અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શા માટે કરાયો વિરોધ ટીમનો?
શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે જણાવ્યું હતું કે, પહેલા તો ભાવનગરમાં દરેક ટીમ મહેમાન બની હોય, ત્યારે કોંગ્રેસ પ્રમુખ તરીકે અમે તમામનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. માત્ર ગાંધીનગરની ટીમ અહીંથી રવાના થાય તેવી વાત છે. ગાંધીનગરની અંદર ભયંકર પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. 250 થી 300 લોકો એડમિટ છે અને બે થી ત્રણ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને જો જવાબદાર કોર્પોરેટર અને જવાબદાર પદાધિકારીઓ અહીં જલસા કરવા પધારે તો તેમની નૈતિકતા છે. તેમની જવાબદારી ગાંધીનગરમાં હોવી જોઈએ. એટલે અમે વિપક્ષ તરીકે તેમની પોતાની જવાબદારીનું ભાન કરાવા ગયા હતા અને અમારો એક જ નારો હતો કે ગાંધીનગરની ટીમ વાપસ જાઓ.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું - તંત્ર કરશે કાર્યવાહી
કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સ્થળ ઉપર હાજર હોય ત્યારે તેમને આ મુદ્દે સવાલ થતાં તેમને જણાવ્યું હતું કે, ઘણા સમયથી મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાતના જુદા જુદા સ્થળો પર મહાનગરપાલિકાઓ દ્વારા યોજાતું હોય છે. તેના ભાગરૂપે આજે તમામ મહાનગરપાલિકાના લોકો ક્રિકેટ રમવા આવ્યા છે. ત્યારે જે પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની હશે તેના આદેશ આપી દેશું. આમ વાતને છેદ ઉડાડયો હતો અને ગાંધીનગરની ટીમને કોંગ્રેસનો વિરોધને જેલવાની ફરજ પડી હતી. જો કે નિમુબેન રવાના થતા હોય ત્યારે કેટલાક લોકો તીખી ભાષામાં ચર્ચા કરતા હોવાને પગલે તે ચર્ચાની ચર્ચા જાગી હતી.

આ પણ વાંચો:

