અમદાવાદ: નવરાત્રીમાં 6 વાગ્યા પછી બદલાશે પોલીસનો મોડ! 300 SHE ટીમની નજર, CCTVથી લઈને 112 સુધી
પોલીસ માત્ર ગરબા સ્થળે ઊભી નહીં રહે, પરંતુ ગરબા પહેલાંથી લઈને મોડી રાતે ઘરે પહોંચવા સુધીના સમગ્ર રૂટ પર નજર રાખશે.

Published : October 8, 2026 at 9:40 AM IST
અમદાવાદ: નવરાત્રીની રાતે અમદાવાદના રસ્તાઓ પર સામાન્ય દિવસો કરતાં અલગ જ દૃશ્ય જોવા મળશે. સાંજ પડતાં ગરબા ક્લાસિસ, પાર્ટી પ્લોટ, ક્લબ અને જાહેર સ્થળોએ ભીડ વધશે અને રાત મોડી થતાં ખેલૈયાઓ ઘરે પરત ફરશે. આ આખી મૂવમેન્ટ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસે પણ પોતાનો પ્લાન તૈયાર કર્યો છે. ખાસ વાત એ છે કે પોલીસ માત્ર ગરબા સ્થળે ઊભી નહીં રહે, પરંતુ ગરબા પહેલાંથી લઈને મોડી રાતે ઘરે પહોંચવા સુધીના સમગ્ર રૂટ પર નજર રાખશે.
સાંજે 6 વાગ્યા પછી SHE ટીમનો ‘એક્ટિવ મોડ’
એસીપી વુમન સેલ, ક્રાઈમ બ્રાન્ચ હિમાલા જોશીએ જણાવ્યું હતું કે, સાંજે 6 વાગ્યા બાદ મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળે છે. આ સમયથી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મહિલા સુરક્ષા, બાળકોની સુરક્ષા અને સામાન્ય નાગરિકોની સલામતી અંગે ખાસ ધ્યાન આપવામાં આવશે.
SHE ટીમ દ્વારા માત્ર કાર્યવાહી નહીં, પરંતુ લોકોને જાગૃત કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. ગરબા ક્લાસિસ, શાળાઓ અને કોલેજોમાં જઈને યુવતીઓ અને યુવાનોને સુરક્ષા અંગે જરૂરી માહિતી આપવામાં આવી રહી છે.
ગરબા ક્લાસમાં જે શીખવાય છે, ત્યાં પોલીસ પણ પહોંચે છે
નવરાત્રી શરૂ થાય તે પહેલાં જ અમદાવાદ પોલીસની SHE ટીમોએ શહેરના વિવિધ ગરબા ક્લાસિસમાં જવાનું શરૂ કર્યું છે. અહીં મહિલાઓ અને યુવતીઓને કોઈ અસામાન્ય પરિસ્થિતિ સર્જાય તો શું કરવું, મદદ માટે ક્યાં સંપર્ક કરવો અને સાયબર ગુનાઓથી કેવી રીતે સાવચેત રહેવું તે અંગે સમજાવવામાં આવી રહ્યું છે. આ જ રીતે શાળાઓ અને કોલેજોમાં પણ બાળકો તથા યુવાનો માટે જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
ગરબા સ્થળે મહિલાનું ચેકિંગ હશે, પણ નિયમ સાથે
મોટા પાર્ટી પ્લોટ અને ગરબા વેન્યુ માટે પોલીસની સૌથી મહત્વની સૂચનાઓમાંની એક મહિલાઓના ચેકિંગ અંગે છે. મહિલાઓનું ફ્રિસ્કિંગ માત્ર મહિલા સુરક્ષા ગાર્ડ દ્વારા જ કરવાનું રહેશે. આ માટે અલગ એન્ક્લોઝર બનાવવાનું રહેશે, જેથી ચેકિંગ દરમિયાન મહિલાઓની ગોપનીયતા જળવાઈ રહે. એટલે સુરક્ષાના નામે ગોપનીયતા સાથે બાંધછોડ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
CCTV માત્ર કેમેરો નહીં, તપાસની કડી પણ
દરેક ગરબા સ્થળે પૂરતા CCTV કેમેરા લગાવવાના રહેશે. લોકોની અવરજવર પર નજર રાખવા ઉપરાંત જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો પોલીસને તપાસ દરમિયાન CCTV ફૂટેજ મહત્વના પુરાવા તરીકે મળી શકે તે હેતુથી આ વ્યવસ્થા રાખવામાં આવી છે. ગરબા આયોજકો સાથેની બેઠકમાં પોલીસ દ્વારા CCTVની વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત રાખવા અંગે પણ સૂચના આપવામાં આવી છે.
SHE ટીમ સામાન્ય ખેલૈયાઓ વચ્ચે પણ રહેશે
નવરાત્રી દરમિયાન સુરક્ષાની એક મહત્વની કડી હશે SHE ટીમની મેદાની હાજરી. મહિલા સુરક્ષા સંબંધિત સંવેદનશીલ સ્થળો પર પોલીસની નજર રહેશે અને જરૂરી હોય ત્યાં ટીમો સીધી હાજર રહેશે. ગરબા સ્થળ ઉપરાંત મહિલાઓની વધુ અવરજવર હોય તેવા શોપિંગ કોમ્પ્લેક્સ, ઓફિસ, બગીચા અને જાહેર સ્થળો પર પણ જાગૃતિ તથા પેટ્રોલિંગ રહેશે.
ગરબા પછીની સૌથી મહત્વની ઘડી
પાર્ટી પ્લોટમાં ગરબા પૂરા થયા બાદ મોટી સંખ્યામાં લોકો એકસાથે બહાર નીકળે છે. ખાસ કરીને મોડી રાત્રે મહિલાઓ અને યુવતીઓ પોતાના ઘરે પરત ફરે છે ત્યારે રસ્તા પર સુરક્ષા મહત્વની બની જાય છે. આથી SHE ટીમનું પેટ્રોલિંગ મોડી રાત સુધી ચાલુ રહેશે. પોલીસનો હેતુ માત્ર ગરબા સ્થળે ભીડને સુરક્ષિત રાખવાનો નહીં, પરંતુ મહિલાઓ સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચે ત્યાં સુધી નજર રાખવાનો છે.
300 જેટલા પોલીસકર્મીઓ સતત મેદાનમાં
અમદાવાદ શહેર પોલીસની SHE ટીમના આશરે 300 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ નવરાત્રી દરમિયાન પેટ્રોલિંગ અને ચેકિંગ કરશે. મોડી રાત સુધી ટીમો સક્રિય રહેશે. આ ઉપરાંત પેટ્રોલિંગ દરમિયાન મહિલા સુરક્ષા સાથે બાળકોની સુરક્ષા અને નશીલા પદાર્થો અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવશે.
‘પીઅર પ્રેશર’ સામે પણ પોલીસનો મેસેજ
નવરાત્રી દરમિયાન યુવાનોમાં પીઅર પ્રેશર અથવા અન્ય કારણોસર નશીલા પદાર્થોના ઉપયોગની શક્યતાને ધ્યાનમાં રાખીને SHE ટીમ દ્વારા NDPS અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. યુવાનોને નશીલા પદાર્થો રાખવા કે તેનો ઉપયોગ કરવા અંગેના કાયદાકીય પરિણામો સમજાવવામાં આવી રહ્યા છે. પોલીસનો પ્રયાસ એ છે કે કોઈ યુવાન માત્ર મિત્રોના દબાણમાં આવીને એવી પરિસ્થિતિમાં ન ફસાય જ્યાંથી કાયદાકીય મુશ્કેલી ઊભી થાય.
ગરબાની સાથે સાયબર ક્રાઈમનો પણ ‘રાસ’
નવરાત્રી દરમિયાન સુરક્ષા માત્ર રસ્તા કે ગરબા ગ્રાઉન્ડ પૂરતી મર્યાદિત નથી. સોશિયલ મીડિયા અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા સાયબર ગુનાઓથી બચવા માટે પણ લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. SHE ટીમ મહિલાઓ અને સામાન્ય નાગરિકોને સાયબર ક્રાઈમ અંગે માહિતી આપી રહી છે અને જરૂર પડે ત્યારે 1930 પર સંપર્ક કરવાની માહિતી આપી રહી છે.
મદદ જોઈતી હોય તો નંબર યાદ રાખજો
અમદાવાદ પોલીસ દ્વારા મહિલાઓ અને સામાન્ય નાગરિકોને ત્રણ મહત્વના નંબર યાદ રાખવા માટે કહેવામાં આવી રહ્યા છે.
- 181 — અભયમ મહિલા હેલ્પલાઈન
- 112 — પોલીસ ઇમર્જન્સી હેલ્પલાઈન
- 1930 — સાયબર ક્રાઈમ હેલ્પલાઈન
કોઈ મહિલા અસુરક્ષિત અનુભવે, કોઈ તાત્કાલિક પોલીસ મદદની જરૂર હોય અથવા સાયબર ફ્રોડનો ભોગ બને તો આ નંબરનો ઉપયોગ કરી શકાય છે.
આ વખતે પોલીસનો પ્લાન માત્ર ‘ગરબા સ્થળ’ પૂરતો નથી
એસીપી હિમાલા જોશીના જણાવ્યા મુજબ, નવરાત્રી દરમિયાન અમદાવાદ પોલીસનું ફોકસ મહિલા સુરક્ષા, બાળકોની સુરક્ષા, સિનિયર સિટીઝન્સ અને સામાન્ય નાગરિકોની સલામતી પર રહેશે. આ માટે આયોજકો સાથે બેઠકથી લઈને ગરબા ક્લાસિસ અને શાળા-કોલેજમાં જાગૃતિ સુધીની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અર્થાત્, આ નવરાત્રીમાં પોલીસની નજર માત્ર સ્ટેજ કે ગરબા ગ્રાઉન્ડ પર નહીં રહે—ગરબા શીખવાના સ્થળથી લઈને ગરબા રમવા પહોંચવા, ત્યાંની ભીડ અને આખરે મોડી રાત્રે ઘરે પરત ફરવાના રસ્તા સુધી સુરક્ષાની કડી જાળવવાનો પ્રયાસ રહેશે.
આ પણ વાંચો:

