ETV Bharat / state

લિવ-ઈનમાં રહેતા આંતરધર્મીય કપલને પોલીસે જુદા કર્યા, હાઇકોર્ટે કરાવ્યું બંનેનું મિલન

પ્રસ્તુત કેસમાં યુવતીના પરિવારજનોએ બંને ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બંનેનો સંપર્ક કર્યો અને તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 25, 2026 at 9:32 PM IST

3 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: પોલીસે અલગ કરેલા આંતરધર્મીય લિવ-ઈન કપલને ગુજરાત હાઈકોર્ટે ફરી સાથે રહેવાની મંજૂરી આપી છે. કચ્છમાં પાડોશી તરીકે રહેતા 21 વર્ષીય યુવતી અને 23 વર્ષીય યુવક વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને અલગ-અલગ ધર્મના હોવાથી પરિવારજનોને તેમનો સંબંધ મંજૂર નહોતો. પરિવારના વિરોધ વચ્ચે બંને ઘરેથી નીકળી ગયા અને લગ્ન કર્યા વગર સાથે રહેવા માટે ‘મૈત્રી કરાર’ કર્યો હતો. ત્યારબાદ બંને બનાસકાંઠા ગયા અને સાથે રહેવા લાગ્યા હતા.

પ્રસ્તુત કેસમાં યુવતીના પરિવારજનોએ બંને ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બંનેનો સંપર્ક કર્યો અને તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. ત્યારબાદ યુવતીને તેના પાર્ટનરથી અલગ કરીને કચ્છના મહિલા કલ્યાણ કેન્દ્રમાં રાખવામાં આવી હતી. યુવકે યુવતીને પોતાની સાથે પરત મોકલવા માટે પોલીસ અને જિલ્લા પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આખરે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી.

આ કેસમાં સૌથી મહત્વની બાબત એ હતી કે યુવતી 8 મહિનાની ગર્ભવતી હતી. 17 ઓગસ્ટે મામલો હાઈકોર્ટમાં આવ્યો ત્યારે યુવતીની તબિયત નબળી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તબીબોએ મુસાફરી તેના સ્વાસ્થ્ય માટે જોખમી હોવાની સલાહ આપી હતી. તેથી હાઈકોર્ટે યુવતીને રૂબરૂ હાજર કરાવવાને બદલે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે તેની સાથે વાત કરવાનો નિર્ણય કર્યો હતો.

આજે યુવતી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે હાઈકોર્ટ સમક્ષ હાજર થઈ હતી. તેની સાથે પોલીસ અધિકારી અને મહિલા કલ્યાણ કેન્દ્રના મેનેજર પણ હાજર રહ્યા હતા. કોર્ટે યુવતી સાથે સીધી વાત કરીને તેની ઈચ્છા જાણી હતી. યુવતીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે પોતાની મરજીથી અને કોઈપણ પ્રકારના દબાણ કે બળજબરી વગર પોતાના પાર્ટનર સાથે પરત જવા માંગે છે. યુવતીની આ સ્વતંત્ર ઈચ્છાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે તેને પોતાના પાર્ટનર સાથે જોડાવાની મંજૂરી આપી હતી. અરજદાર યુવક તરફથી એડવોકેટ કેવલ બ્રહ્મભટ્ટે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, બંને એક જ સોસાયટીમાં પાડોશી તરીકે રહેતા હતા અને બંને પુખ્ત વયના હોવાથી પરસ્પર સંમતિથી સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. પરિવારના વિરોધને કારણે બંને ઘરેથી નીકળી ગયા હતા અને જૂન મહિનામાં બનાસકાંઠા ગયા બાદ સાથે રહેવા લાગ્યા હતા.

એડવોકેટ કેવલ બ્રહ્મભટ્ટે વધુમાં રજૂઆત કરી હતી કે, બંનેએ લગ્ન કર્યા વગર સાથે રહેવા માટે ‘મૈત્રી કરાર’ એટલે કે લિવ-ઈન રિલેશનશિપ એગ્રીમેન્ટ કર્યો હતો. બંનેએ પોતાની ઉંમર સાબિત કરવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. જોકે, મૈત્રી કરારને લગ્ન જેટલી કાનૂની માન્યતા મળતી નથી, પરંતુ બે પુખ્ત વ્યક્તિઓ પોતાની સંમતિથી સાથે રહેવા માંગે છે કે નહીં તે અલગ કાનૂની મુદ્દો છે.

આ મામલે હેબિયસ કોર્પસ અરજી પણ મહત્વની બની હતી. કોઈ વ્યક્તિને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવી હોવાની ફરિયાદ હોય ત્યારે તેને કોર્ટ સમક્ષ રજૂ કરાવી તેની કસ્ટડી કાયદેસર છે કે નહીં તેની તપાસ કરાવવા માટે હેબિયસ કોર્પસનો ઉપાય કરવામાં આવે છે. આ કેસમાં યુવકનો દાવો હતો કે, યુવતીને તેની ઈચ્છા વિરુદ્ધ અલગ જગ્યાએ રાખવામાં આવી છે, જ્યારે યુવતી પોતે તેની સાથે પરત જવા માંગે છે.

કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે યુવતી સાથે વાત કરી તેની સ્વતંત્ર ઈચ્છા જાણી હતી. યુવતીએ કોઈપણ દબાણ કે બળજબરી વગર પોતાના પાર્ટનર સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરતાં કોર્ટે તેને અરજદાર સાથે જોડાવાની મંજૂરી આપી હતી. સાથે જ પોલીસે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને યુવતીને તેના પાર્ટનર સાથે જોડવામાં કોઈ મુશ્કેલી ન થાય તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો હતો.

આ કેસ માત્ર એક કપલને ફરી સાથે લાવવાનો નથી, પરંતુ પુખ્ત વ્યક્તિની પોતાની પસંદગી, સંમતિ અને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે જોડાયેલો મહત્વનો કાનૂની મુદ્દો પણ સામે લાવે છે. ખાસ કરીને આ કેસમાં બંને પુખ્ત વયના છે, બંને અલગ ધર્મના છે અને યુવતી 8 મહિનાની ગર્ભવતી છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટે યુવતીની પોતાની ઈચ્છાને કેન્દ્રમાં રાખીને નિર્ણય કર્યો છે.આમ, પરિવારની ફરિયાદ બાદ પોલીસ કાર્યવાહીથી અલગ થયેલા આ આંતરધર્મીય લિવ-ઈન કપલને આખરે ગુજરાત હાઈકોર્ટના હસ્તક્ષેપથી ફરી સાથે રહેવાનો માર્ગ મળ્યો છે. યુવતીની પોતાની પસંદગી અને સંમતિને કોર્ટ સમક્ષ મહત્વ મળ્યું અને અંતે બંનેને ફરી એકસાથે રહેવાની મંજૂરી મળી છે.

આ પણ વાંચો:

  1. જૂનાગઢના ચકચારી કેસમાં મોટો ચુકાદો: રાજુ સોલંકીના પુત્રને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલ સહિત 11 આરોપી દોષમુક્ત
  2. ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ, મૃતક 16 કલાકમાં 51 કિમી ચાલ્યો હોવાનો ખુલાસો