25 વર્ષ પહેલા નવસારી સબજેલમાંથી ફરાર થયો હતો લૂંટનો આરોપી, પોલીસે વેશપલટો કરી હરિયાણાથી ઝડપ્યો
જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા પીન્ટુસિંગ અને તેના સાથીઓએ જેલમાંથી ભાગી છૂટવાનો પ્લાન ઘડ્યો હતો.

Published : January 2, 2026 at 11:13 AM IST
નવસારી: 25 વર્ષ અગાઉ નવસારી સબજેલમાંથી ફિલ્મી ઢબે ફરાર થયેલા લૂંટ અને આર્મ્સ એક્ટના રીઢા આરોપીને અંતે નવસારી એલસીબી પોલીસે પકડી પાડ્યો છે.
આરોપી હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના પલ્લા વિસ્તારમાં શની માર્કેટમાંથી વેશપલટો કરીને ઝડપાયો હતો. આરોપી સામે વલસાડ અને નવસારી જિલ્લામાં કુલ ચાર ગુનાઓ નોંધાયેલા હતા.
પકડાયેલા આરોપીનું નામ શશીભૂષણ ઉર્ફે સતભૂષણ ઉર્ફે પીન્ટુસિંગ તપેબહાદૂર રાજપૂત છે, જે ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના પૈકોલી ગામનો રહેવાસી છે. વર્ષ 1999 દરમિયાન તેણે પોતાના સાથીઓ સાથે વલસાડ જિલ્લાના પારડી, ઉમરગામ, વલસાડ ગ્રામ્ય વિસ્તાર તેમજ નવસારી ટાઉન પોલીસ મથક વિસ્તારમાં લૂટ અને આર્મ્સ એક્ટ હેઠળના ગંભીર ગુનાઓને અંજામ આપ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે પીન્ટુસિંગ સહિત તેના ત્રણ સાથીઓને ધરપકડ કરી નવસારી સબજેલમાં મોકલ્યા હતા.
જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા પીન્ટુસિંગ અને તેના સાથીઓએ જેલમાંથી ભાગી છૂટવાનો પ્લાન ઘડ્યો હતો. સબજેલના બાથરૂમની બારીના સળિયા હેક્સો બ્લેડથી કાપી, બહાર નીકળી જેલની ઊંચી દિવાલ પર ઇલેક્ટ્રિક ફેન્સિંગ ઉપર ચાદર નાખી દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા. જેલમાંથી ભાગ્યા બાદ આરોપીઓ કોઈ વાહનનો ઉપયોગ કર્યા વિના અંદાજે 350 કિમી દૂર ભુસાવળ સુધી પગપાળા પહોંચ્યા હતા અને ત્યાંથી ટ્રેન મારફતે મધ્યપ્રદેશ ભાગી ગયા હતા.
પછી પીન્ટુસિંગ પોતાના સાથીઓથી અલગ થઈ પહેલા બેંગલોર અને ત્યારબાદ કેરાલા પહોંચ્યો હતો. થોડા વર્ષો ત્યાં રહ્યા બાદ તે દિલ્હી ગયો અને અંતે હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના પલ્લા વિસ્તારમાં રંગકામ કરીને જીવન પસાર કરતો હતો.
દરમિયાન નવસારી એલસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીનું પગેરું શોધી કાઢ્યું. 25 વર્ષ બાદ ઓળખ મુશ્કેલ હોવા છતાં નવસારી એલસીબીના સબ ઇન્સ્પેક્ટર બી.સી. ગઢવી અને તેમની ટીમ ફરીદાબાદ પહોંચી હતી. પોલીસે સ્વેટર વેચનાર, રિક્ષાચાલક, ફ્રૂટ લારીવાળા અને મુસાફર બની શની માર્કેટમાં ફિલ્ડિંગ ગોઠવી હતી. અંતે આરોપી પીન્ટુસિંગ માર્કેટમાં આવતા જ તેને ઘેરીને દબોચી લેવાયો હતો. બાદમાં આરોપીને ફરીદાબાદથી નવસારી લાવી વધુ તપાસ માટે નવસારી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો:

