થરાદમાં પિતાએ માત્ર 13 વર્ષની દીકરીને પરણાવી દીધી, પતિ સંબંધ બાંધવા દબાણ કરતો, પિતા-પતિ સામે ફરિયાદ
વાવ-થરાદ જિલ્લામાં બાળ લગ્નનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પિતાએ માત્ર 13 વર્ષની પોતાની દીકરીના લગ્ન કરાવી તેને સાસરે મોકલી દીધી.

Published : August 23, 2026 at 7:45 AM IST
વાવ-થરાદ: બાળ લગ્ન કરવાએ ભારતમાં ગુનો છે, પરંતુ આજેય ઘણા એવા મા બાપ છે, જેો પોતાના સંતાનોના નાનપણમાં જ લગ્ન કરાવીને કાયદાના ધજાગરા ઉડાવતા હોય છે, જોકે, બાળલગ્નને લઈને કાયદાના કડક વલણને લઈને ઘણી વખત આવા માતા-પિતા અને પરિવારજનો સામે કડક કાર્યવાહી કરાતી હોય છ.
કંઈક એક આવી જ ઘટના વાવ થરાદ જિલ્લામાંથી સામે આવી છે, જ્યાં એક પિતાએ પોતાની 13 વર્ષની દીકરીના લગ્ન કરાવી દીધા. ત્યાર બાદ દીકરીએ કૌટુંબિક બહેનને જાણ કરતા આખરે સમગ્ર કિસ્સો પ્રકાશમા આવ્યો છે. અને આખરે પિતા અને પતિ બંને સામે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

થરાદ તાલુકાના એક ગામે રહેતા એક પિતાએ માત્ર 13 વર્ષની પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા અને પતિ સાથે સાસરે પણ મોકલી દીધી. જોકે પતિ સાત દિવસ સુધી આ દીકરીને પત્ની બનાવીને પોતાના ઘરમાં રાખી અને તેને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો અને શારીરિક અડપલા કરતો. જોકે નાની ઉંમરમાં દીકરી કંઈ પણ સમજી ના શકી અને આખરે તેને કંટાળીને પોતાની કૌટુંબિક બહેનને સમગ્ર ઘટનાની વાત કરી. ત્યાર બાદ બહેનને દીકરીના સાસરે પહોંચીને તેને પરત લાવીને કાયદાકીય કાર્યવાહી કરી છે.
આ સમગ્ર ઘટનામાં થરાદ પોલીસ મથકે પિતા અશ્વિન સોની અને પતિ રાજેશ સોની બંને સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પિતાએ નાની વયની દીકરીના બાળ લગ્ન કરાવ્યા અને પતિએ સગીરા સાથે લગ્ન કરીને તેને ઘરમાં રાખી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું અને શારીરિક અડપલા કરી માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસે બંને સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ આ કિસ્સો સમગ્ર પંથક અને સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે કે આવા પણ પિતા હોય છે જે પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા કર્યા વિના તેના લગ્ન કરાવી દીધા અને દીકરીને જાણે બોઝ સમજી તેમાંથી છુટકારો મેળવવા આ પ્રકારે નાની ઉંમરમાં જ પરણાવી દીધી.
આ પણ વાંચો

