ETV Bharat / state

અમદાવાદનો ચોંકાવનારો પોક્સો કેસ: અપહરણ બાદ વારંવાર દુષ્કર્મ, આરોપીને આજીવન જેલ

વર્ષ 2023માં અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી 26 વર્ષીય ભોલા જાટવ અને તેની પત્ની રાની સામે ગુનો નોંધાયો હતો.

અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 16, 2026 at 6:18 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદમાં પોક્સો કોર્ટ દ્વારા એક ચોંકાવનારા અને માનવતાને શરમાવે એવા કેસમાં આરોપી ભોલા જાટવને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 13 વર્ષ અને 8 મહિનાની સગીરા સાથે દુષ્કર્મ, અપહરણ અને ખંડણી માંગવાના ગંભીર ગુનામાં કોર્ટે આ કડક ચુકાદો આપ્યો છે. સાથે જ પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

વર્ષ 2023માં અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી 26 વર્ષીય ભોલા જાટવ અને તેની પત્ની રાની સામે IPC તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસની સુનાવણી અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ પોક્સો અદાલતમાં ચાલી હતી.

કેસ દરમિયાન 11 સાક્ષીઓ અને 17 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ દેવેન્દ્ર પી. પઢિયારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપીએ માત્ર સગીરાનું અપહરણ જ નહીં પરંતુ લગ્નની લાલચ આપી તેને ઉત્તર પ્રદેશ અને દિલ્હી સુધી લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાને છોડવા બદલ તેના પિતા પાસેથી ખંડણી પણ માંગી હતી.

તપાસમાં વધુ ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. પીડિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપીની પત્ની રાની તેને ઘેનની ગોળીઓ આપતી હતી અને દુષ્કર્મ દરમિયાન તેના હાથ પકડી રાખતી હતી. ત્યારબાદ ભોલા જાટવ શરાબના નશામાં તેની સાથે દુષ્કર્મ આચરતો હતો.આટલું જ નહીં, ભોલાએ પોતાની પત્ની રાનીને પોતાની ભાભી તરીકે ઓળખાવી હતી. જોકે સગીરાના જણાવ્યા મુજબ તેની હાજરીમાં જ બંને શરીર સંબંધ બાંધતા હતા. રાની સતત જાનથી મારી નાખવાની ધમકીઓ આપતી હતી અને સગીર છોકરીઓના વેપાર સાથે સંકળાયેલી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

પોલીસે ઉત્તર પ્રદેશમાંથી સગીરા અને આરોપીની શોધખોળ કરી બંનેને ટ્રેસ કર્યા હતા. આરોપી દંપતિના ત્રાસ અને શારીરિક-માનસિક યાતનાના કારણે પીડિતાને પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. ડોક્ટરના રિપોર્ટમાં પણ સગીરા માનસિક રીતે નબળી હોવાનું સામે આવ્યું હતું.

સરકારી વકીલ દેવેન્દ્ર પી. પઢિયારે જણાવ્યું હતું કે, પીડિતાના નિવેદન, મેડિકલ પુરાવા, જન્મતારીખના દસ્તાવેજો અને તપાસ દરમિયાન એકત્ર થયેલા પુરાવાઓના આધારે કોર્ટે આરોપી સામેનો ગુનો નિઃસંદેહ સાબિત માન્યો છે. પોક્સો કાયદા હેઠળ સગીરાઓ વિરુદ્ધ થતા ગંભીર ગુનાઓમાં કડક સજા થવી જરૂરી છે અને આ ચુકાદો સમાજમાં એવો સંદેશ આપશે કે બાળકો સામેના અત્યાચારને કાયદો કોઈપણ સંજોગોમાં સહન કરશે નહીં.

હાલ આરોપીની પત્ની રાની ફરાર છે અને તેની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, કોર્ટે ભોલા જાટવને આજીવન કેદ ઉપરાંત કુલ 1.20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.