ETV Bharat / state

‘રામ મંદિર નિર્માણનો શ્રેય લેનાર PM લૂંટની જવાબદારી પણ લે’: રાજકોટમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકના આકરા પ્રહાર

પત્રકારે પૂછ્યું કે “શું ચંપત રાયને બચાવવામાં આવી રહ્યા છે?”, વાસનિકે કટાક્ષ કરતાં કહ્યું, “આ બાબત મારા કરતાં વધુ સારી રીતે તમે (મીડિયા) જાણો છો.”

રાજકોટમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકના આકરા પ્રહાર
રાજકોટમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકના આકરા પ્રહાર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 8, 2026 at 6:55 PM IST

2 Min Read
Choose ETV Bharat

રાજકોટ: ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશ આગેવાનોએ કેન્દ્રની મોદી સરકાર તેમજ રાજ્યની ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો છે.

રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકએ રામ મંદિર અને ખેડૂતોના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા. બીજી તરફ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સુરતમાં પૂરની સ્થિતિને લઈને શાસકો પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે.

રાજકોટમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકના આકરા પ્રહાર (ETV Bharat Gujarat)

રાજકોટમાં મીડિયા સાથેની વાતચીતમાં રામ મંદિર અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મુકુલ વાસનિકે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, “રામ મંદિરનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને નિર્માણ — આ તમામ બાબતોનું પૂરું શ્રેય જો વડાપ્રધાન પોતે લેતા હોય, તો ત્યાં (બાંધકામ કે જમીન વ્યવહારોમાં) જો કોઈ લૂંટ થઈ હોય તો તેની જવાબદારી પણ વડાપ્રધાનની જ બને છે. તે જવાબદારી અન્ય કોઈના પર નાખવી શું યોગ્ય ગણાશે?”

તેમણે વડાપ્રધાન પાસે માંગ કરી છે કે તેઓ દેશની જનતાને સ્પષ્ટતા કરે કે રામ મંદિરમાં આ પ્રકારની લૂંટ કેવી રીતે થઈ? આ સાથે તેમણે ઉમેર્યું કે સરકારે માત્ર નાના કર્મચારીઓ સામે નહીં, પરંતુ ‘મોટી માછલીઓ’ (મુખ્ય સૂત્રધારો) પર હાથ નાખવાની હિંમત બતાવવી જોઈએ.

જ્યારે પત્રકારે પૂછ્યું કે “શું ચંપત રાયને બચાવવામાં આવી રહ્યા છે?”, ત્યારે વાસનિકે કટાક્ષ કરતાં કહ્યું, “આ બાબત મારા કરતાં વધુ સારી રીતે તમે (મીડિયા) જાણો છો.”

‘રામ મંદિર નિર્માણનો શ્રેય લેનાર PM લૂંટની જવાબદારી પણ લે’: રાજકોટમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકના આકરા પ્રહાર
‘રામ મંદિર નિર્માણનો શ્રેય લેનાર PM લૂંટની જવાબદારી પણ લે’: રાજકોટમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકના આકરા પ્રહાર (ETV Bharat Gujarat)

ખેડૂતોના મુદ્દે ભાજપ સરકારની નીતિઓ સામે ગંભીર સવાલો ઉઠાવતા કોંગ્રેસ પ્રભારીએ કહ્યું કે વડાપ્રધાનથી લઈને તેમના તમામ સાથીઓ સતત ખેડૂતોની આંખોમાં ધૂળ ઝોંકવાનું કામ કરી રહ્યા છે. લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે વડાપ્રધાન ખેડૂતોને MSP અંગે મોટા-મોટા વચનો આપે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ તેઓ બધું ભૂલી જાય છે.

‘રામ મંદિર નિર્માણનો શ્રેય લેનાર PM લૂંટની જવાબદારી પણ લે’: રાજકોટમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકના આકરા પ્રહાર
‘રામ મંદિર નિર્માણનો શ્રેય લેનાર PM લૂંટની જવાબદારી પણ લે’: રાજકોટમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકના આકરા પ્રહાર (ETV Bharat Gujarat)

તેમણે વધુમાં જણાવ્યું, “કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથનને ભારતરત્નથી સન્માનિત તો કરવામાં આવ્યા, પરંતુ ખેડૂતોના પાકના યોગ્ય ભાવ માટે તેમણે જે ફોર્મ્યુલા ભારત સરકાર સમક્ષ રજૂ કરી હતી, તેને મોદી સરકારે સંપૂર્ણપણે અવગણી દીધી છે. આજે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતનો ખેડૂત દેવાના બોજ તળે પરેશાન છે. જો ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બનતા હોય, તો પરિસ્થિતિ કેટલી ભયંકર છે તે સરકારે સમજી લેવું જોઈએ.”

બીજી તરફ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સુરતમાં પૂરની ગંભીર પરિસ્થિતિને લઈને ભાજપ સરકાર તેમજ સ્થાનિક વહીવટી તંત્રને આડે હાથ લીધા. તેમણે આક્ષેપ કર્યો કે, “ગુજરાતના દરેક શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરીના નામે ભાજપના શાસકો અને આગેવાનોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે. સુરતમાં હાલ જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે તેના માટે ભાજપના નેતાઓ ઉપરાંત સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી જવાબદાર છે. પૂરના કારણે થયેલા અનેક નિર્દોષ લોકોના મોત પાછળ પણ આ શાસકો જ પાપના ભાગીદાર છે.”

આ પણ વાંચો: