ETV Bharat / state

સાણંદથી ભારતની ટેક-ક્રાંતિના નવા અધ્યાયનો પ્રારંભ, PM મોદીએ માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનો શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાત પ્રવાસે સાણંદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે માઇક્રોન કંપનીની સેમિકન્ડક્ટર ATMP ફેસિલિટીનું લોકાર્પણ કર્યું.

PM મોદી
PM મોદી (X@CMOGujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 28, 2026 at 8:14 PM IST

|

Updated : February 28, 2026 at 8:31 PM IST

4 Min Read
Choose ETV Bharat

સાણંદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાત પ્રવાસે સાણંદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે માઇક્રોન કંપનીની સેમિકન્ડક્ટર ATMP (Assembly, Testing, Marking and Packaging) ફેસિલિટીનું લોકાર્પણ કર્યું. આ સાથે દેશને પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપ ગુજરાતથી મળશે તેવી ઐતિહાસિક શરૂઆત થઈ છે. હેલિપેડથી માઇક્રોન કંપની સુધી પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શો યોજાયો, જેમાં અંદાજે 15,000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ બાદ માઇક્રોન યુનિટ ખાતે અધ્યતન એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાણંદ ખાતે માઇક્રોન સેમિકંડક્ટર ફેસિલિટીનો શુભારંભ કરાવતાં કહ્યું કે, 20મી સદીનું રેગ્યુલેટર ઓઇલ હતું, જ્યારે 21મી સદીનું રેગ્યુલેટર માઇક્રોચિપ બનશે. તેમણે કહ્યું કે, આ AI રિવોલ્યુશનની સદી છે. સમગ્ર વિશ્વમાં ભારત આજે કેપેબલ, કોમ્પિટિટિવ અને કમિટેડ મિત્ર અને ભાગીદાર તરીકે ઊભરી રહ્યું છે. આશરે ₹22,516 કરોડના આ પ્રોજેક્ટ સાથે ગુજરાત હવે દેશના 'સેમિકન્ડક્ટર હબ' તરીકેની ઓળખને પ્રસ્થાપિત કરશે.

તેમણે આગળ કહ્યું, સૉફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેર ક્ષેત્રે પણ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. ભારત અત્યંત ઝડપથી વૈશ્વિક સેમિકંડક્ટર વેલ્યૂ ચેઇનનો હિસ્સો બની રહ્યું છે. PM મોદીએ સમગ્ર વિશ્વને વિશ્વાસ અપાવતાં કહ્યું કે, ઇન્ડિયા ઇઝ રેડી, ઇન્ડિયા ઇઝ રિલાયેબલ ઍન્ડ ઇન્ડિયા ડિલિવર્સ.

વડાપ્રધાને જણાવ્યું કે, વિશ્વની સૌથી મોટી અને સફળ AI સમિટ બાદ આજે આપણે ટેકનોલોજી લીડરશીપ ક્ષેત્રે ભારતની કટિબદ્ધતાના એક ઐતિહાસિક પડાવના સાક્ષી બન્યા છીએ. 10-11 વર્ષ પહેલાં સુધી ભારતમાં ડેટા અને ચિપની ચર્ચા માત્ર મર્યાદિત વર્તુળોમાં જ થતી હતી અને ટેકનોલોજીના નામે આપણે માત્ર આઈટી સર્વિસીસ પૂરતા સીમિત હતા, પરંતુ આજે સોફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેરના ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ સશક્ત કરી રહ્યું છે.

વડાપ્રધાને કહ્યું, જૂન-2023માં આ સુવિધા માટે MoU થયા, સપ્ટેમ્બરમાં ખાતમુહૂર્ત થયું અને આજે ફેબ્રુઆરી-2026માં કોમર્શિયલ પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે. વિશ્વના વિકસિત દેશોમાં પણ આવી મંજૂરીઓ અને પ્રક્રિયાઓમાં વર્ષો નીકળી જતા હોય છે, પરંતુ ભારતે આ અશક્ય કામ માત્ર 900 દિવસમાં પૂર્ણ કરીને બતાવ્યું છે. જ્યારે નિયત સાફ હોય અને નિષ્ઠા દેશના તે જ વિકાસ પ્રત્યે હોય, ત્યારે નીતિ સ્પષ્ટ બને છે અને નિર્ણયોમાં પણ ગતિ આપોઆપ આવી જતી હોય છે.

વડાપ્રધાનએ સેમિકન્ડક્ટરને ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન અને AI રિવોલ્યુશનને જોડતો સૌથી મોટો સેતુ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભારત હવે આ વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનનો ખૂબ જ મહત્વનો હિસ્સો બની રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, કોવિડના મુશ્કેલ સમયમાં વાવેલા બીજ આજે વટવૃક્ષ બનીને ફળ આપી રહ્યા છે અને અત્યાર સુધીમાં સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ 10 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.

વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે, અમારું લક્ષ્ય માત્ર એક ફેક્ટરી સ્થાપવા પૂરતું સીમિત નથી, પરંતુ સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનું છે. ભારત હવે સેમિકન્ડક્ટરની આખી વેલ્યૂ ચેઇન પર ફોકસ કરી રહ્યું છે, જેમાં ડિઝાઇન એન્જિનિયરથી લઈને મશીન નિર્માતા અને લોજિસ્ટિક્સ સુધીનાં તમામ સ્તરો સામેલ છે. 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0' ની જાહેરાત આ જ દિશામાં લેવાયેલું મોટું પગલું છે. જેમ-જેમ ઉત્પાદન વધશે તેમ ભારતની અંદર જ મટિરિયલ અને કોમ્પોનન્ટ્સની માંગ વધશે, જે સ્થાનિક ઉદ્યોગો માટે સૌથી મોટી તક બની રહેશે.

ભારતના વધતા જતા માર્કેટ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે ભારતની માંગ સતત વધી રહી છે, તેથી 'મેક ઇન ઇન્ડિયા' હવે ફુલ સ્વિંગમાં આગળ વધી રહ્યું છે. છેલ્લા 11 વર્ષોમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદન અને તેની નિકાસમાં અનેકગણો વધારો થયો છે. ભારત હવે કોમ્પોનન્ટથી લઈને ફિનિશ્ડ પ્રોડક્ટ સુધી બધું જ દેશમાં બનાવવા માટે સજ્જ છે, જે વૈશ્વિક રોકાણકારો માટે ઘરેલું બજાર અને વૈશ્વિક તકો બંને પૂરી પાડે છે.

સાણંદ સાથેના અંગત સંસ્મરણો વાગોળતા વડાપ્રધાને કહ્યું કે, સાણંદ તો એવી ધરતી છે જે માટીને પણ સોનું બનાવી દે છે. તેમણે યાદ કર્યું કે, કેવી રીતે એક સમયે તેઓ અહીં સાયકલ પર ફરતા હતા અને એક રૂપિયાના SMSથી અહીં રતન ટાટાના પ્લાન્ટ સાથે ઓટોમોબાઈલ ક્રાંતિની શરૂઆત થઈ હતી. આજે તે જ સાણંદ ગ્લોબલ મેપ પર સેમિકન્ડક્ટર હબ તરીકે ઊભરી રહ્યું છે. વડાપ્રધાને અહીં કામ કરવા આવતા દેશ-વિદેશના ટેકનિશિયનોને ખાતરી આપી હતી કે ગુજરાત સરકાર તેમને શ્રેષ્ઠ જીવનશૈલી અને સુવિધાઓ પૂરી પાડવામાં કોઈ કમી રાખશે નહીં.

પર્યાવરણ અને ટેકનોલોજીના સમન્વય વિશે વાત કરતા તેમણે માઇક્રોનના પ્લાન્ટની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે અહીં બનાવવામાં આવેલો 'ક્લીન રૂમ સ્પેસ' વિશ્વના સૌથી મોટા સ્પેસમાંનો એક છે. સાથે જ પ્લાન્ટમાં પાણીના ઓછામાં ઓછા વપરાશ અને રિસાયક્લિંગ માટે જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે પ્રગતિ અને પ્રકૃતિના તાલમેલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે ગુજરાત સરકારની પ્રો-એક્ટિવ નીતિઓની પણ સરાહના કરી હતી, જેના કારણે રોકાણકારોનો ભરોસો મજબૂત થયો છે.

સંબોધનના અંતે વડાપ્રધાને વિશ્વને મજબૂત સંદેશ આપતા કહ્યું કે, જ્યારે ભાવિ પેઢીઓ આ દશકને પાછળ વળીને જોશે, ત્યારે તેઓ ગૌરવ સાથે કહેશે કે આ દશકમાં ભારતે કેટલી ઊંચી છલાંગ લગાવી હતી. આ દશક ભારતના ટેક-ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. વડાપ્રધાનશ્રીએ ગ્લોબલ ઇન્વેસ્ટર્સને ખાતરી આપી હતી કે ભારત સરકાર અને રાજ્ય સરકારો તેમની સાથે ખભેખભો મિલાવીને ઊભી છે.

આ પણ વાંચો:

  1. જુનાગઢ જિલ્લા ભાજપ સંગઠનની પુનઃરચના, વિવિધ મોરચા અને વિભાગોમાં નવી નિમણૂંકો કરાઈ
  2. 29 વર્ષનો સંઘર્ષ, અંતે ન્યાય: પત્નીનું 2025માં મૃત્યુ, પણ ઘરેલુ હિંસા કેસમાં પતિ-નણંદોને 3 વર્ષની કેદ
Last Updated : February 28, 2026 at 8:31 PM IST