નવી દિલ્હી ખાતે વાવ-થરાદની સંસ્કૃતિનું સન્માન, PM મોદીએ શિવનગરના કારીગરોની અદભુત સુફ હસ્તકળાને બિરદાવી
સરહદી થરાદની કળા રાષ્ટ્રીય મંચ પર ઝળકી છે, વડાપ્રધાન મોદીએ પણ શિવનગરના કારીગરોની અદભુત સુફ હસ્તકળાને બિરદાવી છે.

Published : August 26, 2026 at 9:22 AM IST
વાવ-થરાદ: જિલ્લાના સરહદી થરાદ તાલુકા સ્થિત શિવનગર ગામની પેઢીઓ જૂની ઐતિહાસિક હસ્તકળા ‘સુફ કશીદાકારી’ હવે દેશના સર્વોચ્ચ મંચ સુધી પહોંચી છે. નવી દિલ્હી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની સૌજન્ય મુલાકાત દરમિયાન પરંપરાગત રીત-રિવાજ મુજબ શિવનગરની અસલ સુફ કશીદાકારીથી સુશોભિત વિશિષ્ટ ‘શાલ’ અર્પણ કરી વડાપ્રધાનનું સન્માન કર્યું હતું.
સ્થાનિક ગ્રામીણ કારીગરો દ્વારા સોય અને દોરાના અદભુત સંયોજનથી તૈયાર કરાયેલી આ કલાકૃતિને દેશના સર્વોચ્ચ નેતૃત્વ સમક્ષ પ્રસ્તુત કરવાની આ ક્ષણ સમગ્ર વાવ - થરાદ પંથક માટે અતિ ગૌરવશાળી સાબિત થઈ છે. સુફ કશીદાકારીએ કોઈ સામાન્ય ભરતકામ નથી, પરંતુ કાપડ પર કોઈપણ પૂર્વ છાપકામ કે રેખાંકન વગર માત્ર દોરાના તારની ગણતરી (કાઉન્ટિંગ) કરીને ત્રિકોણાકાર અને ભૌમિતિક ભાતો કંડારતી અત્યંત જટિલ અને પ્રાચીન હસ્તકળા છે. વડાપ્રધાનએ આ શાલમાં રહેલી અતિ ઝીણવટભરી કારીગરી, પરંપરાગત રંગોની પસંદગી અને સ્થાનિક મહિલા કારીગરોની અથાક મહેનતને અત્યંત આત્મીયતાપૂર્વક નિહાળી હતી.
गांव, गरीब, युवा तथा किसान हितैषी, प्रजावत्सलय प्रधानमंत्री, आदरणीय श्री @narendramodi जी से आज नई दिल्ली में आत्मीय भेंट का सौभाग्य प्राप्त हुआ।
— Shankar Chaudhary (@ChaudhryShankar) August 25, 2026
प्रधानमंत्री जी ने सदैव अन्नदाता के हितों को सर्वोच्च प्राथमिकता दी है। वैश्विक दबावों के बीच भी दुग्ध आयात पर रोक लगाते हुए… pic.twitter.com/ctS5zK3jSo
વડાપ્રધાને ભારતીય લોકવારસાને જીવંત રાખતા ગ્રામીણ કલાકારોના અપ્રતિમ કૌશલ્ય અને સમર્પણની મુક્તકંઠે સરાહના પણ કરી હતી, જેનાથી શિવનગરના કસબીઓમાં આનંદ અને ગર્વની લાગણી જોવા મળી રહી છે.વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સ્થાનિક હસ્તકળા, ગ્રામીણ રોજગારી અને સરહદી વિસ્તારના સાંસ્કૃતિક વારસાને સતત પ્રોત્સાહન આપવા માટે અગ્રેસર રહ્યા છે. સાથે જ વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ મંત્રને જમીની સ્તરે સાકાર કરતાં, શિવનગર જેવા છેવાડાના વિસ્તારની પરંપરાગત કળાને દેશના વડાપ્રધાન સુધી પહોંચાડી તેમણે સ્થાનિક કારીગરોને રાષ્ટ્રીય સ્તરની ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ સેતુરૂપ ભૂમિકા ભજવી છે.

જનપ્રતિનિધિ તરીકેના તેમના આ નિષ્ઠાવાન પ્રયાસોથી હસ્તકલા ક્ષેત્ર સાથે જોડાયેલા પરિવારોમાં નવી આશા, ઉત્સાહ અને આત્મનિર્ભરતાનો સંચાર થયો છે. વડાપ્રધાન દ્વારા મળેલી આ સર્વોચ્ચ સ્વીકૃતિ માત્ર એક ગામ કે કારીગર પૂરતી સીમિત ન રહેતાં, સમગ્ર થરાદ અને ગુજરાતના સમૃદ્ધ વારસાનું બહુમાન બની રહી છે. દેશના સર્વોચ્ચ નેતૃત્વનું ધ્યાન આ લુપ્તપ્રાય કળા તરફ આકર્ષિત થવાથી આગામી સમયમાં શિવનગરની સુફ કશીદાકારીને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન મંચો, ઈ-કોમર્સ માર્કેટ અને સરકારી પ્રોત્સાહક યોજનાઓ થકી વિશાળ આર્થિક તકો ઉપલબ્ધ બનવાની આશા જાગી છે. બીજીતરફ આ ઐતિહાસિક સન્માનથી થરાદની કળાને નવી ઓળખ મળશે અને નવી પેઢી પણ આ પારંપરિક વારસાને આગળ ધપાવવા પ્રેરિત થશે.
આ પણ વાંચો
- રાજકોટના મુકેશભાઈ લુહારે 300 કિલો ભંગારમાંથી 200 મિનિએચર બનાવ્યા, કળા પહોંચી લંડન-જર્મની, હવે બોલિવૂડમાં ચમકશે
- 700 વર્ષ જૂની ટાંગલિયા કળાને જીવંત રાખનારા સુરેન્દ્રનગરના લવજીભાઈ પરમાર, વિશ્વ સ્તરે કળાને પ્રસિદ્ધ બનાવી
- પાટણને પાછળ મુકીને સુરેન્દ્રનગર બન્યુ પટોળાનું હબ, રાજ્યમાં સૌથી વધુ પટોળાનું ઉત્પાદન કરતો જિલ્લો બન્યો

