અમદાવાદના ફૂટપાથ પર દબાણ સામે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી, હવે રાહદારીઓના ‘રાઈટ ટુ વોક’નો સવાલ
અરજી પ્રમાણે, ફૂટપાથ પર પાર્કિંગ, વેપાર, બાંધકામ સામગ્રી સહિતના અવરોધોને કારણે રાહદારીઓ રસ્તા પર ચાલવા મજબૂર બને છે અને અકસ્માતનું જોખમ વધી રહ્યું છે

Published : September 2, 2026 at 7:28 PM IST
અમદાવાદ: શહેરમાં ફૂટપાથ પરના ગેરકાયદે દબાણનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. અરજદાર દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરીને સમગ્ર અમદાવાદમાં ફૂટપાથનો સર્વે કરાવવા, તેનું યોગ્ય ડિમાર્કેશન કરવા અને ગેરકાયદે દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ફૂટપાથ પર પાર્કિંગ, વ્યવસાયિક પ્રવૃત્તિ, બાંધકામ સામગ્રી સહિતના અવરોધોને કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવાની ફરજ પડે છે અને અકસ્માતનું જોખમ વધી રહ્યું છે.
અરજદારનો દાવો છે કે, આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ તંત્ર, સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યો સમક્ષ અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. જોકે અસરકારક કાર્યવાહી ન થતાં હવે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે. ખાસ કરીને સલાટવાડા વિસ્તારમાં જંબુજી વાલી મસ્જિદની સામેના જાહેર રસ્તા અને ફૂટપાથ પરના કથિત દબાણનો પણ જાહેર હિતની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ફૂટપાથ પર ચાલવું શું માત્ર સુવિધા છે કે પછી નાગરિકનો કાયદેસર અધિકાર?
આ સમગ્ર મામલામાં સૌથી મહત્વનો સવાલ એ છે કે ફૂટપાથ પર ચાલવું શું માત્ર સુવિધા છે કે પછી નાગરિકનો કાયદેસર અધિકાર? આ સવાલનો જવાબ 19 જૂન 2026ના સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાથી મળે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષિત અને ડિમાર્કેટેડ ફૂટપાથ પર ચાલવાનો અધિકાર બંધારણના આર્ટિકલ 19(1)(d) હેઠળના અવરજવરના અધિકારનો ભાગ છે અને તેનો સંબંધ આર્ટિકલ 21 સાથે પણ છે. કોર્ટે એ પણ કહ્યું કે, રાહદારીઓના આ અધિકારને મોટર વાહનોની અવરજવર કરતાં પ્રાથમિકતા છે. સુપ્રીમ કોર્ટે માત્ર અધિકારની વાત જ નથી કરી, પરંતુ તેની સાથે સ્થાનિક સત્તાધીશોની જવાબદારી પણ નક્કી કરી છે. અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અને પંચાયત જેવી સંસ્થાઓએ ફૂટપાથનું ડિમાર્કેશન, નિર્માણ, જાળવણી અને રક્ષણ કરવું જોઈએ. એટલે ફૂટપાથ બનાવીને તેને દબાણ માટે ખુલ્લો છોડી દેવો પૂરતો નથી; તેને રાહદારીઓ માટે વાપરી શકાય તેવી સ્થિતિમાં રાખવાની પણ સત્તાધીશોની ફરજ છે.
હવે સવાલ એ પણ છે કે ફૂટપાથ માટે ભારતમાં કોઈ એક અલગ કાયદો છે કે નહીં? ભારતમાં ફૂટપાથના તમામ પાસાઓને આવરી લેતો એક જ અલગ કેન્દ્રીય ‘ફૂટપાથ એક્ટ’ હાલ નથી. ફૂટપાથ અને જાહેર રસ્તા સંબંધિત નિયમો વિવિધ ટ્રાફિક કાયદા, મ્યુનિસિપલ કાયદા, સ્થાનિક બાયલૉઝ અને ન્યાયિક ચુકાદાઓના આધારે અમલમાં આવે છે. મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે જૂન 2026ના ચુકાદામાં પણ આ અધિકારને અસરકારક રીતે સુરક્ષિત કરવા માટે યોગ્ય કાયદાકીય માળખાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે.
ફૂટપાથ પર દબાણ અંગે સુપ્રીમ કોર્ટનો અગાઉનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ નવાબ ખાન ગુલાબ ખાનનો ચુકાદો પણ અત્યંત મહત્વનો છે. આ કેસમાં અમદાવાદના રખિયાલ રોડના ફૂટપાથ પર થયેલા કબજાનો મુદ્દો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ફૂટપાથ અને જાહેર રસ્તાઓ સામાન્ય જનતાની સુવિધા અને અવરજવર માટે હોય છે અને કોઈ વ્યક્તિને તેના પર કાયમી દબાણ કરવાનો અધિકાર નથી. સાથે જ, દબાણ હટાવવાની કાર્યવાહી કરતી વખતે કાયદાકીય પ્રક્રિયા અને યોગ્ય તક જેવા મુદ્દાઓનું પણ પાલન જરૂરી છે. એટલે કાયદાની દૃષ્ટિએ અહીં બે બાબતો વચ્ચે સંતુલન મહત્વનું બને છે. એક તરફ રાહદારીઓનો સલામત રીતે ચાલવાનો અધિકાર, અને બીજી તરફ દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન લાગુ પડતી કાયદાકીય પ્રક્રિયા. પરંતુ જાહેર ફૂટપાથને વ્યક્તિગત ઉપયોગ માટે કાયમી રીતે રોકી રાખવાનો કોઈ સામાન્ય અધિકાર નથી.
એડવોકેટ ધર્મેશ ગુર્જર એ જણાવ્યું હતું કે, આ જાહેરહિત ની અરજી માં અરજદાર દ્વારા સમગ્ર અમદાવાદનો કોમ્પ્રિહેન્સિવ સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે. કયા વિસ્તારમાં ફૂટપાથ છે, તેની પહોળાઈ કેટલી છે, ક્યાં દબાણ છે અને ક્યાં ફૂટપાથ સંપૂર્ણપણે અવરોધિત છે - તેની વોર્ડવાઈઝ માહિતી તૈયાર કરવાની માંગ છે. સાથે જ દબાણ દૂર કર્યા બાદ તંત્રએ શું કાર્યવાહી કરી તેનો વોર્ડવાઈઝ એક્શન રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. દિવ્યાંગ વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરિકો અને અન્ય સંવેદનશીલ રાહદારીઓ માટે પણ અવરોધમુક્ત અને સુલભ ફૂટપાથ બનાવવાની માંગ કરવામાં આવી છે. એટલે આ મુદ્દો માત્ર દબાણ હટાવવાનો નથી, પરંતુ શહેરની પેડેસ્ટ્રિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્બન પ્લાનિંગ સાથે પણ જોડાયેલો છે. ફૂટપાથ કોઈની ખાનગી મિલકત નથી અને તે માત્ર રસ્તાની બાજુનો ખાલી ભાગ પણ નથી. તે રાહદારીઓ માટેની જાહેર સુવિધા છે અને હવે સુપ્રીમ કોર્ટના 19 જૂન 2026ના ચુકાદા બાદ સુરક્ષિત, ડિમાર્કેટેડ ફૂટપાથ પર ચાલવાનો અધિકાર બંધારણીય અધિકારના સ્તરે પહોંચ્યો છે. હવે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચેલી અમદાવાદની આ અરજીમાં મુખ્ય સવાલ એ રહેશે કે શહેરના ફૂટપાથનું વાસ્તવિક ડિમાર્કેશન કેવી રીતે થશે, ગેરકાયદે દબાણો સામે તંત્ર કઈ કાર્યવાહી કરશે અને સૌથી મહત્વનું અમદાવાદના ફૂટપાથ ખરેખર રાહદારીઓને પાછા કેવી રીતે મળશે તે આવનાર સમય બતાવશે.
આ પણ વાંચો:

