'મારોય એક જમાનો હતો કોણ માનશે' ?, જુનાગઢની ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે લોકોએ ઉઠાવ્યો અવાજ
જુનાગઢના ઐતિહાસિક સ્મારકો અને ઈમારતોનું જતન થાય, જાળવણી થાય અને નવી પેઢી જૂનાગઢના ગૌરવશાળી ઈતિહાસને જાણી અને માણી શકે તે માટે આગળ આવ્યા છે.

Published : July 4, 2026 at 1:28 PM IST
જૂનાગઢ: એક સમયે જુનાગઢ જીવંત પ્રાચીન વારસાના શહેર તરીકે સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતું હતું. સોલંકી અને ચુડાસમા વંશજોના શાસનથી લઈને અંગ્રેજોના સમયથી માંડી નવાબી કાળ સુધીના ઇતિહાસમાં અનેક પ્રાચીન ઈમારતો જે આજે એક સદી કરતા પણ વધારે સમય વિતાવી ચૂકી છે, તેવી ઈમારતોને બચાવવા માટે હવે જુનાગઢના સ્થાનિક લોકો આગળ આવ્યા છે.
ઈમારતનો એક એક પથ્થર ઇતિહાસ અને સંસ્કૃતિને આજે પણ મજબૂત રીતે પકડીને અડીખમ ઊભો છે. આવા સ્મારકો અને ઇતિહાસનું જતન થાય, જાળવણી થાય અને નવી પેઢી જૂનાગઢની સાથે ભારતના પ્રાચીનતમ ઇતિહાસને હજારો વર્ષ પછી પણ જાણી અને માણી શકે તે માટેની વ્યવસ્થા થાય તેવી માંગ જૂનાગઢવાસીઓ કરી રહ્યાં છે.
જૂનાગઢનો ઐતિહાસિક પ્રાચીન વારસો જર્જરીત
જુનાગઢ સોલંકી અને ચુડાસમા વંશજોના શાસનનું સાક્ષી બનેલું, ત્યારબાદ અંગ્રેજો અને અંતિમ નવાબી શાસનનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસા તરીકે આજે પણ જુનાગઢ શહેરમાં જ્યાં નજર કરો ત્યાં જોવા મળી જાય છે. પંરતુ દુઃખની વાત એ છે કે આ પ્રાચીનતમ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો આજે જર્જરીત અને જીર્ણ બની રહ્યો છે. તેની પાછળ સરકારની ઉદાસીન નીતિ અને લોકોમાં વારસાની જાળવણી અને આગળ વધારવાની મરી પરવારેલી ઈચ્છા શક્તિ છે. જેના કારણે જૂનાગઢની સાથે સમગ્ર ભારતના ઇતિહાસને એક-એક પથ્થરોમાં સમેટીને ઉભેલો 100 વર્ષ પૂર્વેનો વારસો આજે ખૂબ જ જર્જરીત અને જીર્ણ બની ગયો છે.

શહેરમાં 100 વર્ષ કરતા પણ પહેલા બનેલી ઈમારતો
100 વર્ષ કરતા પણ પહેલા બનેલી અને જેનું ઐતિહાસિક મૂલ્ય હજારો વર્ષ પૂર્વેનું છે, આવી તમામ ઈમારતોને ફરીથી નવ પલ્લિત કરવામાં આવે તેવી માંગ જૂનાગઢના સ્થાનિક લોકો કરી રહ્યા છે. કોઈ પણ દેશના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તેનો પ્રાચીનતમ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો આટલો જ મહત્વનો માનવામાં આવે છે, જે દેશોએ તેમના ઐતિહાસિક સાંસ્કૃતિક અને પ્રાચીન વારસાને ભૂલીને આગળ વધવાનો પ્રયાસ કર્યો છે, તેવા અનેક રાષ્ટ્રોનું અસ્તિત્વ આજે જોવા મળતું નથી.

જૂનાગઢના પ્રાચીન વારસાને બચાવવા લોકો આગળ આવ્યા
જુનાગઢનો પ્રાચીન વારસો આજે હજારો વર્ષે પૂર્વેના જૂનાગઢના ઇતિહાસ અને શાસકોની યાદ અપાવે છે. જૂનાગઢમાં અંતિમ શાસક તરીકે નવાબનો ઉલ્લેખ થયો છે. સોલંકી અને ચુડાસમા વંશથી લઈને અંગ્રેજો અને અંતિમ શાસક એટલે કે નવાબ સુધીના સમયમાં બનેલા અને આજે પણ જેનું ઐતિહાસિક સાંસ્કૃતિક અને પ્રાચીન મહત્વ છે, તેવા અતુલ્ય વારસાના અનેક સ્થાપત્યો આજે જૂનાગઢમાં જ્યાં નજર કરો ત્યાં જોવા મળી જાય છે.

ભવ્ય ઈમારતો થઈ જર્જરીત અને બિસ્માર
રંગમહેલ, આઈના મહેલ, તાજ મંજિલ, મહાબત મકબરો, બહાઉદ્દીન કોલેજ, દિવાન ચોકમાં આવેલી ઐતિહાસિક ઈમારતો, સરદાર પટેલ દરવાજા રેલવે સ્ટેશન, મનોરંજન સર્કિટ હાઉસ આ બધા એવા સ્થળો છે કે જે એક સમયે જુનાગઢ રાજ્યની સત્તા કેન્દ્રના ખૂબ જ મહત્વના સ્થાનો ગણાતા હતા, જેને પ્રાચીનતમ વારસા તરીકે આજે પણ લોકો ઓળખે છે, પછી ભલે અહીં આજના સમય કોઈ અન્ય વ્યવસાય અથવા તો સરકારી કચેરીનું કામ શરૂ હોય પરંતુ આવી તમામ ઇમારતોમાં પ્રવેશતાની સાથે જ હજારો વર્ષ પૂર્વેનો જુનાગઢ અને ભારતનો જાજરમાન ઇતિહાસ નજર સમક્ષ આવી જાય છે. જેને બચાવવા માટે હવે જૂનાગઢના સ્થાનિક લોકોએ મુહિમ શરૂ કરી છે.

અનેક સ્થાપત્યો ઉદાસીનતાની કારમી થપાટે નષ્ટ કર્યા
જૂનાગઢમાં આવેલા અનેક સ્થાપત્યો કે, જેને ઉદાસીનતાની કાયમી થપાટે નષ્ટ કર્યા છે, જેમાં આજથી કેટલાક વર્ષ પૂર્વે લીમડા ચોકમાં આવેલી અને જે તે સમયે જુનાગઢ, પોરબંદર અને સોમનાથ સંયુક્ત જિલ્લાનો રાજ્ય વહીવટ થતો હતો, તેવી જિલ્લા કલેકટર કચેરી અસ્તિત્વ ધરાવતી હતી. આ કચેરી રાજાશાહી સમયમાં બનેલી અને તેનું બાંધકામ એકદમ બેનમુન હતું. જેમાં અચાનક આગ લાગતા સમગ્ર ઈમારત આગમાં ઇતિહાસને લઈને હવામાં ધુમાડો થઈ ગઈ. દિવાન ચોકમાં આવેલી રંગમહેલની ઈમારત એ.જી સ્કુલ જુની સિવિલ હોસ્પિટલ આવી તો અનેક ઈમારતો છે કે, જે આજે ઇતિહાસમાં પોતાને શોધી રહી છે. જેનો એક સમયે ભવ્ય અને જાજરમાન ઇતિહાસ જૂનાગઢ સાથે જોડાયેલો હતો.

સર્કલ ચોકમાં આવેલો આઈના મહેલ અને અન્ય ઇમારતો
સર્કલ ચોકમાં આવેલો અને નવાબના સમયમાં બનેલો આઈના મહેલ બેલ્જિયમના કાચ અને અરીસા માટે ખૂબ જ પ્રાચીન અને જાણીતો હતો. નવાબના સમય બાદ આઈના મહેલની સ્થિતિ શું છે ? તે આજે કોઈ જાણતું નથી. ચાંદની ચોક આ એવો વિસ્તાર હતો કે, જ્યાં જયપુર, દિલ્હી, મથુરા અને આગરા જેવા સ્થાપત્યનો સમન્વય કરીને નવાબ મહોબતખાન બીજાએ મહોબત સર્કલના રૂપમાં ચાંદની ચોક જેવી ઈમારત બનાવી હતી. જે ખરા અર્થમાં જૂનાગઢમાં દિવસે પણ ચાંદની પાથરતી હતી, પણ આજે કાળક્રમે નષ્ટ થવાને આરે છે.

તાજ મંજિલમાં આજે સરકારી ઓફિસ
સરદાર બાગની અંદર આવેલી રાજમહેલ જેવી જ તાજ મંજિલ ઈમારત પણ બનાવવામાં આવી હતી. જેમાં આજે મોટા ભાગની સરકારી કચેરીઓ કામકાજ કરી રહી છે. નવાબના સમયમાં તાજમંજિલ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને પ્રવેશ કરવો વર્જીત માનવામાં આવતો હતો. તાજ મંજિલની અંદર જ મોટી અને ભવ્ય નાટ્ય શાળા પણ અસ્તિત્વ ધરાવે છે. જેમા નવાબે સ્વયમ નાટકના કલાકાર તરીકે કામ કર્યું છે. જેમાં આજે વર્ષ દરમિયાન એકલદોકલ સરકારી કાર્યક્રમો થઈ રહ્યા છે. મજેવડી દરવાજો, સરદાર પટેલ ગેટ, ઉપરકોટનો કિલ્લો, મહોબત મકબરો, રેલવે સ્ટેશન, બહાઉદ્દીન કોલેજ, ગર્લ્સ સ્કૂલ, મહિલા અધ્યાપન મંદિર, મનોરંજન સર્કિટ હાઉસ સાથે શશીકૂંજ વન વિભાગની કચેરી જેવા મહત્વના બિલ્ડીંગોમાં આજે પણ સરકારી કામકાજ થઈ રહ્યું છે.

