ETV Bharat / state

પાટણ જિલ્લાના 150 પેટ્રોલ પંપો પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ, પુરવઠા તંત્રએ 7 દિવસમાં સુધારાનો આપ્યો આદેશ

24 કલાક મફત હવા, પીવાનું પાણી, સ્વચ્છ શૌચાલય અને ઇમરજન્સી નંબર સહિતની તમામ સુવિધાઓ ફરજિયાત રાખવાનો આદેશ

પાટણ જિલ્લાના પેટ્રોલ પંપ પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ, પુરવઠા તંત્રએ 7 દિવસમાં સુધારાનો આપ્યો આદેશ
પાટણ જિલ્લાના પેટ્રોલ પંપ પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ, પુરવઠા તંત્રએ 7 દિવસમાં સુધારાનો આપ્યો આદેશ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 31, 2026 at 5:39 PM IST

2 Min Read
Choose ETV Bharat

પાટણ: જિલ્લામાં કાર્યરત તમામ 150 જેટલા પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પંપ પર ગ્રાહકોને મળતી પ્રાથમિક સુવિધાઓમાં ગંભીર ખામીઓ સામે આવી છે. મોટાભાગના પંપ પર હવા પુરવાનું મશીન બંધ હોવું, સ્વચ્છ શૌચાલય ન હોવું, પીવાના શુદ્ધ પાણીનો અભાવ અને હેલ્પ ડેસ્ક તથા ઇમરજન્સી નંબર જેવી સેવાઓ ન મળતી હોવાની અનેક લેખિત અને મૌખિક ફરિયાદો જિલ્લા પુરવઠા વિભાગને મળી હતી.

સતત ફરિયાદો બાદ આખરે પાટણ જિલ્લા પુરવઠા તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તમામ પંપ પર મફત હવા, શુદ્ધ પીવાનું પાણી અને સ્વચ્છ શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ ફરજિયાત રીતે કાર્યરત રાખવા આદેશ આપવામાં આવ્યો છે. સાત દિવસમાં સુવિધા નહીં સુધારનાર પંપ સંચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

પુરવઠા તંત્રએ 7 દિવસમાં સુધારાનો આપ્યો આદેશ (Etv Bharat Gujarat)

ETV Bharat ની ટીમે પાટણ-સિદ્ધપુર હાઇવે પર આવેલા પેટ્રોલ પંપનું રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં અનેક ખામીઓ જોવા મળી હતી.

ફરિયાદો શું હતી?

પાટણ જિલ્લા પુરવઠા કચેરીને ગ્રાહકો તરફથી મુખ્યત્વે ત્રણ પ્રકારની ફરિયાદો મળી હતી. પહેલી, મોટાભાગના પંપ પર હવા ભરવાના મશીન બંધ હાલતમાં છે. બીજી, શૌચાલય ગંદા છે અથવા તાળા મારેલા જોવા મળે છે. ત્રીજી, પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી.

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ તમામ સુવિધાઓ આપવી એ પેટ્રોલ પંપ સંચાલકોની કાયદેસરની ફરજ છે, કોઈ ઉપકાર નથી. પરિપત્રમાં જણાવ્યા મુજબ દરેક પેટ્રોલ પંપ પર 24 કલાક મફત હવા ભરવાની સુવિધા હોવી જોઈએ. ગ્રાહકે પેટ્રોલ કે ડીઝલ લીધું હોય કે ન લીધું હોય, તો પણ તેને મફત હવા આપવી ફરજિયાત છે. હવાનું દબાણ માપવાનું પ્રેશર ગેજ પ્રમાણિત હોવું જોઈએ અને "મફત હવા સુવિધા" નું બોર્ડ સ્પષ્ટ દેખાય તે રીતે લગાવવું પડશે.

પાટણ જિલ્લાના પેટ્રોલ પંપ પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ
પાટણ જિલ્લાના પેટ્રોલ પંપ પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ (Etv Bharat Gujarat)

આ ઉપરાંત શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, મહિલા અને પુરુષો માટે અલગ-અલગ શૌચાલય, શૌચાલયમાં પાણી અને સાબુની વ્યવસ્થા ફરજિયાત છે. ધંધાના સમય દરમિયાન શૌચાલયને તાળું મારી શકાશે નહીં.

સુરક્ષા માટે ફર્સ્ટ એઇડ બોક્સ, અગ્નિશામક સાધનો, ઇમરજન્સી ટેલિફોન નંબર, ફરિયાદ બુક, ઇંધણના ભાવ અને સ્ટોકનું બોર્ડ, ડેન્સિટી ચેક, ફિલ્ટર પેપર ટેસ્ટ અને હેલ્પલાઇન નંબર પણ સ્પષ્ટ રીતે દર્શાવવા પડશે. તપાસમાં આમાંના મોટાભાગના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે.

શહેર અને હાઇવેના પંપમાં ફરક જોવા મળ્યો

ETV Bharat ના રિયાલિટી ચેક દરમિયાન બે અલગ ચિત્રો જોવા મળ્યા.

પાટણ શહેરના પંપ પર સુવિધાઓ સંતોષકારક છે. ગ્રાહક હરિભાઈ પટેલે જણાવ્યું કે શહેરના પંપ પર તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. સીએનજી ભરાવવા આવેલા કલ્પેશભાઈએ પણ કર્મચારીઓ અને માલિકની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

પાટણ જિલ્લાના પેટ્રોલ પંપ પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ
પાટણ જિલ્લાના પેટ્રોલ પંપ પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ (Etv Bharat Gujarat)

જ્યારે હાઇવે પર સ્થિતિ તદ્દન અલગ છે. પાટણ-સિદ્ધપુર હાઇવે પરના ઘણા પંપ પર હવાના મશીન બંધ હતા, ઇમરજન્સી નંબરના બોર્ડ ગાયબ હતા અને ગ્રાહકોને લગતી કોઈ માહિતી દર્શાવવામાં આવી નહોતી.

7 દિવસનું અલ્ટિમેટમ, પછી કડક કાર્યવાહી

આ સમગ્ર મામલે ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી બી. જે. દરજીએ જણાવ્યું હતું કે જિલ્લાના તમામ ડીલરોને 7 દિવસની આખરી મુદત આપવામાં આવી છે. આ સમયમાં તમામ ફરજિયાત સુવિધાઓ સંપૂર્ણપણે કાર્યરત કરવી પડશે.

મુદત પૂરી થયા બાદ પુરવઠા નિરીક્ષકો, મામલતદારો અને તોલમાપ નિરીક્ષકોની સંયુક્ત ટીમ દ્વારા જિલ્લાભરના પેટ્રોલ પંપ પર અચાનક તપાસ હાથ ધરવામાં આવશે. જો તપાસમાં નિયમોનું ઉલ્લંઘન અથવા કોઈ પણ ફરજિયાત સેવાનો અભાવ જણાશે, તો સંબંધિત પંપ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો...

  1. પાટણ જિલ્લામાં વરસાદ માપવાની જૂની પદ્ધતિ હજુ કાર્યરત; આધુનિક સાધનો હજુ કાગળ પર જ
  2. પાટણ: સરસ્વતીના કોઇટા ગામ નજીક છોટા હાથી ટેમ્પો ઝાડ સાથે અથડાતાં બે મિત્રોનાં કરુણ મોત