ETV Bharat / state

સરકારી શાળામાં શિક્ષણનો ચમત્કાર: અમદાવાદના પોશ વિસ્તારમાં ખાનગી શાળા છોડીને સરકારીમાં કેમ એડમિશન લઈ રહ્યા છે વિદ્યાર્થીઓ?

ગુણવત્તાસભર શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને સતત સારા પરિણામોના કારણે અનેક વાલીઓ ખાનગી શાળાઓમાંથી બાળકોના એડમિશન રદ કરાવી આ સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે.

સરકારી શાળામાં શિક્ષણનો ચમત્કાર
સરકારી શાળામાં શિક્ષણનો ચમત્કાર (ETV Bharat Graphics Team)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 6, 2026 at 3:20 PM IST

3 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદના થલતેજ જેવા પોશ વિસ્તારમાં આવેલી અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અનુપમ પ્રાથમિક શાળા નં. 2 આજે સરકારી શિક્ષણનું સફળ મોડેલ બની રહી છે. એક સમય હતો જ્યારે આ વિસ્તારના મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં જ ભણાવવાનું પસંદ કરતા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. ગુણવત્તાસભર શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને સતત સારા પરિણામોના કારણે અનેક વાલીઓ ખાનગી શાળાઓમાંથી બાળકોના એડમિશન રદ કરાવી આ સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે.

અમદાવાદમાં AMC સ્કૂલ બોર્ડની હાલમાં 462 શાળાઓ આવેલી છે. સ્કૂલ બોર્ડની વેબસાઈટ પર 453 શાળાના ડેટા મુજબ, આમાં ગુજરાતી માધ્યમની 295, અંગ્રેજી માધ્યમની 55, હિન્દી માધ્યમની 61, ઉર્દુ માધ્યમની 37 શાળા કાર્યરત છે.

સરકારી શાળામાં શિક્ષણનો ચમત્કાર (ETV Bharat Gujarat)

સરકારી શાળામાં ખાનગી શાળા જેવી સુવિધા
શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. દરેક વર્ગખંડ સ્માર્ટ ક્લાસરૂમથી સજ્જ છે. ટેક્નોલોજી આધારિત શિક્ષણ, સીસીટીવી સુરક્ષા વ્યવસ્થા, ગુણવત્તાયુક્ત મધ્યાહન ભોજન, અત્યાધુનિક સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, મેથ્સ લેબ તેમજ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી સુવિધાઓના કારણે વિદ્યાર્થીઓને ખાનગી શાળા જેવી જ શૈક્ષણિક વ્યવસ્થા મળી રહી છે.

વાલી રાયમલભાઈ રબારીએ જણાવ્યું હતું કે, શાળામાં શિક્ષણની ગુણવત્તા, શિક્ષકોની મહેનત અને બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તેમણે પોતાના બાળકને ખાનગી શાળામાંથી કાઢીને અહીં પ્રવેશ અપાવ્યો છે. તેમને વિશ્વાસ છે કે સરકારી શાળામાં પણ ઉત્તમ શિક્ષણ મળી શકે છે.

સરકારી શાળામાં કેવી કેવી સુવિધાઓ મળે છે?
સરકારી શાળામાં કેવી કેવી સુવિધાઓ મળે છે? (ETV Bharat Graphics Team)

ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં આવ્યા વિદ્યાર્થીઓ
શૈક્ષણિક પરિણામોની વાત કરીએ તો અનુપમ પ્રાથમિક શાળા નં. 2એ સતત ઉત્કૃષ્ટ પરિણામો આપ્યા છે. વર્ષ 2025-26 દરમિયાન જ્ઞાનસેતુ સ્કોલરશિપ પરીક્ષા (CET)માં 29, NMMSમાં 16 અને CGMSમાં 17 વિદ્યાર્થીઓ સફળ થયા છે. છેલ્લા ચાર વર્ષથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સતત મેરિટમાં સ્થાન મેળવી રહ્યા છે. રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, યોગ, કલા અને અન્ય સહ-પાઠ્ય પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓ તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ નોંધાવી રહ્યા છે. આ શાળાની સૌથી મોટી ઉપલબ્ધિ વાલીઓનો વધતો વિશ્વાસ છે.

વર્ષ 2023-24 દરમિયાન 78 વિદ્યાર્થીઓ, વર્ષ 2024-25માં 59 વિદ્યાર્થીઓ, વર્ષ 2025-26માં 22 વિદ્યાર્થીઓ અને ચાલુ વર્ષ 2026માં અત્યાર સુધી 18 વિદ્યાર્થીઓ એવા છે, જેમણે ખાનગી શાળાઓમાંથી નામ કઢાવી અનુપમ પ્રાથમિક શાળા નં. 2માં પ્રવેશ લીધો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે હવે ગુણવત્તાના આધારે સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે.

ખાનગી છોડીને સરકારી શાળામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓ
ખાનગી છોડીને સરકારી શાળામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓ (ETV Bharat Graphics Team)

અન્ય વાલી એકતાબેને જણાવ્યું હતું કે, શાળાની સુવિધાઓ, શિક્ષકોનો વ્યક્તિગત અભિગમ અને બાળકોને મળતું માર્ગદર્શન જોઈને તેમણે સરકારી શાળાની પસંદગી કરી છે. તેમના જણાવ્યા મુજબ અહીં શિક્ષણની સાથે બાળકોના સંસ્કાર અને સર્વાંગી વિકાસ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઈએ ETV ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં અંદાજે 56 હજાર વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. હાલમાં સમિતિ હેઠળ 462 શાળાઓ કાર્યરત છે, જેમાં લગભગ 1 લાખ 76 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

અમદાવાદના કયા કયા વિસ્તારમાં આવેલી છે AMC શાળા
અમદાવાદના કયા કયા વિસ્તારમાં આવેલી છે AMC શાળા (ETV Bharat Graphics Team)

ડૉ. એલ.ડી દેસાઈએ જણાવ્યું કે, શહેરના સાબરમતી, ઘાટલોડિયા, જોધપુર, મકરબા, એલિસબ્રિજ, ચાંદખેડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, નરોડા, મણિનગર અને થલતેજ જેવા વિસ્તારોની અનેક સરકારી શાળાઓમાં પ્રવેશ માટે વાલીઓની લાંબી રાહ જોવી પડે છે. કેટલીક માધ્યમિક શાળાઓમાં તો વેઇટિંગ લિસ્ટની સ્થિતિ સર્જાઈ છે, જે સરકારી શિક્ષણ પ્રત્યે વધી રહેલા વિશ્વાસનો પુરાવો છે.

થલતેજની અનુપમ પ્રાથમિક શાળા નં. 2 આજે માત્ર એક સરકારી શાળા નથી, પરંતુ સરકારી શિક્ષણમાં આવેલા પરિવર્તનનું જીવંત ઉદાહરણ બની છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુણવત્તાસભર શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સતત સફળતા અને શિક્ષકોની નિષ્ઠાના કારણે આ શાળા અન્ય સરકારી શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. હવે વાલીઓ માટે સરકારી શાળા માત્ર વિકલ્પ નહીં, પરંતુ વિશ્વાસ અને ગુણવત્તાનું પ્રતીક બની રહી છે.

આ પણ વાંચો:

  1. જામનગરમાં 90 વર્ષથી ચાલતી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ, ખાનગી શાળા છોડીને પ્રવેશ માટે રહે છે વિદ્યાર્થિનીઓનો ધસારો
  2. ગુજરાતની પ્રથમ સોલાર સંચાલિત સરકારી એસી પ્રાથમિક શાળા, શિક્ષણ અને સુવિધા એવી કે ખાનગી શાળાઓને આપે છે માત