પંચમહાલ: કોગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’નું ગોધરામા આગમન, અમિત ચાવડાએ સરકાર પર કર્યા આક્ષેપ
કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડા અને તુષાર ચૌધરી સહિત નેતાઓનું પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું.

Published : January 1, 2026 at 4:07 PM IST
પંચમહાલ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત ફાગવેલથી કંબોઈ સુધી શરૂ થયેલી ‘જન આક્રોશ યાત્રા’ આજે ગોધરા ખાતે આવી પહોંચી હતી. કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડા અને તુષાર ચૌધરી સહિત નેતાઓનું પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું.
ફાગવેલથી કંબોઈ સૂધીની 20 ડિસેમ્બરથી શરૂ થયેલી ‘જન આક્રોશ યાત્રા’ પંચમહાલ જિલ્લામાં પ્રવેશી છે. પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરા ખાતે જન આક્રોશ યાત્રા આવી પહોંચતા કોંગ્રેસના અગ્રણીઓ અને નેતાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ગોધરા શહેરના આરટીઓ રોડ પાસે ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને ફુલહાર પહેરાવવામાં આવ્યા હતા. સિવિલ લાઇન રોડ પર આવેલી સરદાર પટેલની પ્રતિમાને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે પંચમહાલ જિલ્લામાંથી આવેલા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ મોટી સંખ્યામાં આ જન આક્રોશ અધિકાર યાત્રામાં જોડાયા હતા ત્યારે ગોધરાના વેપારીઓએ પોતાના પ્રશ્નોને લઈને અમિત ચાવડાને લેખિતમાં પણ રજૂઆત કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે "ગોધરા ખાતે પહોંચેલી આ યાત્રામાં લોકો જોડાઈ રહ્યા છે અને યાત્રાને સમર્થન કરી રહ્યા છે. પોતાના પ્રશ્નો માટે, ફરિયાદ, અન્યાય અને સરકારનો અત્યાચાર અને ભેદભાવ ભ્રષ્ટાચારની સામે ખુલીને બોલી રહ્યા છે. ગોધરા નગરના વેપારીઓ અન્યાયની રજુઆત કરી રહ્યા છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી છે. દારૂ અને ડ્રગ્સના કારણે જિલ્લાની યુવા પેઢી બરબાદ થઈ રહી છે. કાલોલથી વેજલપુર વિસ્તારના ખેડૂતો ફરિયાદ કરે છે કે તેઓ આર્થિક રીતે પાયમાલ છે. યુવાઓને રોજગાર મળતો નથી. નગરપાલિકામાં ભાજપના નેતાઓની મીલીભગતથી ભ્રષ્ટાચાર ચાલે છે. પ્રજાના પૈસાની લૂટ ચાલે છે તેઓ આક્ષેપ કર્યો હતો.


વધુમાં જણાવ્યું હતું કે, જનઆક્રોશ યાત્રાના સમર્થન સાથે લોકો પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. હું માનું છું કે 2027માં પરિવર્તનના શંખનાદ રૂપે જનઆક્રોશ યાત્રામા લોકો મંચ પર આવીને પોતાના અધિકાર માટે લડવાનો સંકલ્પ કરી રહ્યા છે.

આ પણ વાંચો:

