'મેળે મેળે આવે અને મેળે મેળે જાય એનું નામ તરણેતરનો મેળો', પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડની તરણેતરના મેળા પર ખાસ વાતચીત
36 વર્ષ પહેલા તરણેતરનો મેળો અલગ પ્રકારે યોજાતો હતો. આજુબાજુના સંતો-મહંતો પોતાની રાવટીઓ લઈને મહિના પહેલાથી બળદ ગાડા, ભજન મંડળી લઈને તાણેતર તરફ નીકળી જતા.

Published : August 23, 2026 at 4:27 PM IST
|Updated : August 24, 2026 at 1:28 PM IST
ફઝલ ચૌહાણ, સુરેન્દ્રનગર: સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી પ્રાચીન ગણાતો મેળો એટલે તરણેતરનો લોકમેળો. એવી માન્યતાઓ છે કે ઋષિઓ વખતમાં પણ આ મેળાનું આયોજન કરવામાં આવતું. ત્યારે થાનગઢ તાલુકાના આશરે સાત કિલોમીટર દૂર આવેલા તરણેતરમાં આવેલા ત્રીનેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં ભાદરવા સુદ ત્રીજ ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને વર્ષોથી આ ભાતીગળ લોક મેળામાં વિદેશી લોકો પણ મહેમાન બનતા હોય છે. સંસ્કૃતિ અને ઇતિહાસની સાક્ષી પૂરતો આ મેળો માણવા માટે ગુજરાતભર તેમજ દેશમાંથી અને વિદેશના લોકો પણ આવે છે અને સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જિલ્લાની સંસ્કૃતિને નજીકથી માણે છે.
ત્યારે પ્રશાસન વિભાગ દ્વારા આ તરણેતરના લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને સપ્ટેમ્બર મહિનામાં આ મેળો યોજાવા જઈ રહ્યો છે. આ અંગે પદ્મશ્રી અને હાસ્ય કલાકાર અને થાનગઢ પંથકના જ રહેવાસી અને તરણેતરના મેળા કમિટીના છેલ્લા 36 વર્ષથી સભ્ય રહેલા શાહબુદ્દીનભાઈ રાઠોડ સાથે ETV ભારત દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીત દરમિયાન પદ્મશ્રી સાબુદ્દીન રાઠોડ દ્વારા જૂની પરંપરા અને અત્યાધુનિક પરંપરા બંને વચ્ચે મેળાનો તફાવત શું રહ્યો છે તે અંગેના કેટલીક રસપ્રદ વાતો ETV ભારતના માધ્યમ દ્વારા રજૂ કરવામાં આવી હતી.
શાહબુદ્દીનભાઈ રાઠોડે જૂની વાતો વાગોળતા જણાવ્યું કે, અત્યાધુનિક સંસાધનો અને ફાસ્ટ યુગમાં મેળાના મહત્વ ઘટ્યા છે. ધાર્મિક અને પૌરાણિક મેળામાં ખાવા-પીવાના સ્ટોલ અને માત્ર અલગ અલગ પ્રકારની રાઈડની મજા માણવા માટે લોકો આવતા હોય છે. હાલના યુગમાં આ પ્રકારની પદ્ધતિ ચાલી રહી છે, પણ 36 વર્ષ પહેલા તરણેતરનો મેળો અલગ પ્રકારે યોજાતો હતો. આજુબાજુના સંતો-મહંતો પોતાની રાવટીઓ લઈને એક મહિના પહેલાથી જ પોતાના ગામોમાંથી બળદ ગાડા લઈને, પોતાની ભજન મંડળીને સાથે રાખીને, ચાલીને તાણેતર તરફ નીકળી જતા. તઓ જ્યાં રસ્તામાં ગામ આવે ત્યાં રોકાઈ જતા અને રાત્રી રોકાણ દરમિયાન ત્યાં ભજન, ભોજન અને ભક્તિનો અનોખો સંગમ લાગતો.
એક મહિના બાદ અલગ અલગ મંદિરના સંતો-મહંતો તરણેતર ખાતે એકત્રિત થતા અને ત્યાં રાવટીઓ ચાલતી અને મંદિરે આવતા તમામ ભક્તો માટે પ્રસાદનું આયોજન પણ આ રાવટીયો મારફતે કરવામાં આવતું. રાત્રિ દરમિયાન પણ સંતવાણી, ભવ્ય લોક ડાયરાઓ અને સંતો મહંતો અને સ્થાનિક કલાકારો પણ આ લોક ડાયરાઓમાં જોડાતા.
શાહબુદ્દીનભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ વિસ્તારમાં રહેતા લોકો અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોના બાળ વિવાહ થતાં જેને લઈને બાળ વિવાહ થયા બાદ વર અને કન્યા યુવા થાય ત્યારે આ મેળામાં આવતા અને ત્યારબાદ બંનેનો મુલાકાત થતી અને એકબીજાની નજીક પણ આવતા. એટલે જીવનસાથીને જોવા અને પસંદગીનો મેળો પણ તરણેતરનો મેળો ગણવામાં આવતો. પણ હવે ધીરે ધીરે આ તમામ પરંપરાઓ ભુલાતી જાય છે અને અત્યાધુનિક યુગમાં તરણેતરના મેળામાં લોકો આવે છે અને પરંપરા પણ જાળવે છે. પરંતુ જૂની જે મજા હતી તે હવે આધુનિક મેળામાં આવતી નથી. સ્થાનિક કલાકારોને સ્ટેજ મળતા રાત્રે ભજન, ભોજન અને ભક્તિનો સંગમ જોવા મળતો. ત્રણ દિવસ અનોખો ઉત્સાહ આનંદ અને ઉમંગ સાથે લાખો લોકો મેળો માણતા. પણ હવે પ્રવાસન વિભાગ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત ટુરીઝમ, પશુપાલન વિભાગ, સ્થાનિક વહીવટી તંત્ર, માહિતી ખાતુ, રમતગમત વિભાગ સહિતના વિભાગો દ્વારા મેળામાં સ્ટોલ ઉભા કરી અને મેળાનું આયોજન થતું હોય છે. ત્યારે પૌરાણિક અને આધુનિક કરણના કારણે મેળામાં ઘણો ફેરફાર આવ્યા હોવાનું શાહબુદીનભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું છે.
EVT ભારત સાથે શાહબુદ્દીન રાઠોડની ખાસ વિશેષ વાતચીત
તરણેતરના મેળાની જૂની યાદો જણાવતા શાહબુદ્દીન રાઠોડે કહ્યું કે, પહેલા બળદ ગાડાઓ શણગારવામાં આવતા હવે તે પરંપરા ભુલાઈ છે. સૌરાષ્ટ્ર પ્રદેશ ઘોડાઓ માટે જાણીતો છે. ત્યારે ઘોડાઓને પણ અશ્વસવારો શણગારીને લાવતા અને તે એક પ્રદર્શનનું કેન્દ્ર બનતું તે અત્યારના આધુનિક યુગમાં ભુલાયું છે. જીવનસાથીની પસંદગી પણ તરણેતરના મેળામાં થતી અને બાળ લગ્ન થયા હોય તો યુવા વર્ગ પતિ પત્નીને મળવા પણ તરણેતરના મેળાનું રાહ જોતા. પણ હવે તે પણ પરંપરા ભુલાઈ છે. પહેલા કોઈ કલાકારનું અવસાન થતું તો તરણેતરના મેળામાં હાજર ન હોય ત્યારે તેની જાણ થતી. પણ હવે આધુનિક યુગમાં કલાકારનું અવસાન થાય તો તરત જાણ થાય છે. પહેલા તરણેતરના મેળામાં કલાકારો દુનિયામાં નથી તેની જાણ તે સમયે થતી જે સમય રાત્રે ભજન મંડળીઓ જામતી અને તેની ખોટ વર્તાતી.
તેમણે આગળ કહ્યું કે, સ્થાનિક કલાકારોને સ્ટેજ આપવામાં આવતું જેથી તેમનો પણ વિકાસ થતો. રાવટીઓની સંખ્યા સૌથી વધુ હતી પરંતુ હવે આધુનિક યુગમાં રાવટીઓ ગણીગાંઠી નીકળે છે. તરણેતરના મેળામાં રાસ મંડળી અને પરંપરાગત નૃત્ય થતાં. પરંતુ હવે તેના કપડા અને પોશાક મોંઘો બન્યો છે એટલે તેનું પણ મહત્વ ભુલાયું છે. તરણેતરમાં છત્રીઓનું મહત્વ હોય છે ત્યારે છત્રીઓ તૈયાર કરવા માટેના કારીગરોની પણ આજના યુગમાં અછત છે પહેલા જેવી છત્રી પણ નથી બનતી.
આધુનિક તરણેતરના મેળાના ફરક પર શાહબુદ્દીન રાઠોડે કહ્યું કે, સાચી સંસ્કૃતિ આ વિસ્તારના લોકોએ જાળવી રાખી છે. ભલે પોશાક મોંઘા થયા છે તે છતાં પણ આજની તારીખે પણ હુડો રાસ, જીજીયા અને ઢોલના તાલે નૃત્ય રમાય છે. સંખ્યા થોડી ઘટી છે. રસ્તાઓ અને કનેક્ટિવિટી આજના મેળાને મળી છે અને મેળામાં આવનજાવક માટે એસ.ટી વિભાગ દ્વારા આયોજન કરાય છે. પહેલા બળદગાડાઓમાં જવું પડતું હતું. પહેલા તરણેતરના મેળામાં અલગ અલગ પ્રકારના પૌરાણિક પોશાકો અને ધાર્મિક વસ્તુઓના સ્ટોલ લાગતા હવે ખાણીપીણીના સ્ટોલ વધ્યા છે. બળદ ગાડાના શણગાર અને અશ્વના શણગાર ભુલાયા છે પણ તેની સામે પશુ હરીફાઈ સ્પર્ધા કરાય છે. લાડવા ખાવાની પરંપરા અને ગ્રામીણ વિસ્તારમાં રમાતી રમતો આજે પણ યથાવત છે અને તંત્રએ આ બદલ ખેલાડીઓને ઇનામો પણ આપી રહી છે. મુખ્યમંત્રીથી લઇ અને સમગ્ર તંત્ર મેળામાં જોડાઈ છે જેને લઈને મેળો વૈશ્વિક રીતે પણ ખૂબ પ્રચલિત બન્યો છે. વિદેશી લોકોને રોકાવા અને રહેવા માટે અને મેળાની મજા માણવા માટે ગુજરાત ટુરીઝમ વિભાગ ઉપલબ્ધ કરાયું છે. આજે પણ આકર્ષણના કેન્દ્રમાં ભરત ભરેલી છત્રીઓ દેખાય છે પણ તે ગણીગાંઠી છે. આજે પણ આકર્ષણના કેન્દ્રમાં ભરત ભરેલી છત્રીઓ દેખાય છે પણ તે ગણીગાંઠી છે. ઇતિહાસ અને પૌરાણિકતા જાળવી રાખવાના પ્રયત્ન કરાય છે પણ દર વર્ષે નજીવા ફેરફાર થતા હોય છે.
'મેળે મેળે આવે અને મેળે મેળે જાય એ તરણેતરનો મેળો' પણ હવે તો આમંત્રણ આપવા પડે છે: શાહબુદ્દીન રાઠોડ
તરણેતરના મેળાને સૌથી વધુ મહત્વ તત્કાલીન મુખ્યમંત્રી સનતભાઈ મહેતા હતા તે દરમિયાન મળ્યું છે તેવું શાહબુદ્દીન રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું છે. મેળે મેળે આવે અને મેળે મેળે જાય એ તરણેતરનો મેળો. પરંતુ આજે આ કહેવત ખોટી પડે છે. મેળામાં નેતાઓ અને આગેવાનોને લાવવા માટે અને વિશેષ લોકોને લાવવા માટે આમંત્રણ કાર્ડ છપાવવા પડે છે તે પણ એક પૌરાણિક પરંપરા ભુલાઈ છે. એક સમયે સંતો, મહંતો અને ભક્તોનો આ મેળો ગણાતો અને હવે નેતાઓ અને તંત્રનો મેળો આ ગણાય છે. ત્યારે હવે આમંત્રણ કાર્ડ છપાવવાનો ક્રેઝ પણ વધ્યો છે અને આમંત્રણ આપવામાં પણ આવી રહ્યા છે. નેતાઓ અને લોકો મેળામાં હાજર રહે છે એટલે સૌથી મોટી પરંપરાતો મેળે મેળે આવે અને મેળે મેળે જાય તે ભુલાય છે.
આ પણ વાંચો:
- Exclusive: સાંભળીને 5000થી વધુ શ્લોક મોઢે! બે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવનાર અમદાવાદના ઓમ વ્યાસની અદ્ભુત કહાની
- 'નથી પીવાના પાણીની સુવિધા કે શૌચાલયની સુવિધા', ગિરનાર પર પ્રાથમિક સુવિધાના અભાવથી પર્યટકો-શ્રદ્ધાળુઓ નારાજ
- ગીર જંગલની મધ્યમા બિરાજમાન મથુરેશ્વર મહાદેવ, નરસિંહ મહેતાની માંગ બાદ અહીં ભગવાન શ્રીકૃષ્ણએ રાસલીલા કરી હોવાની લોકવાયકા

