પદ્મ શ્રી પરેશ રાઠવાનું રાષ્ટ્રપતિના હસ્તે બીજી વાર સન્માન કરાયું, પીઠોરા કલા દ્વારા આદિવાસી સંસ્કૃતિનું વધાર્યું ગૌરવ
દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ 'રેસીડેન્સી કલા વર્કશોપ'માં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે બીજી વખત સન્માન કરવામાં આવ્યું.

Published : May 3, 2026 at 2:15 PM IST
છોટા ઉદેપુર: છોટા ઉદેપુરની ઓળખ સમાન પીઠોરા ચિત્રકળા હવે સાત સમુદ્ર પાર વિશ્વના દેશોમાં ગુંજી રહી છે. ક્વાંટના પીઠોરા લખારા પદ્મ શ્રી પરેશ રાઠવાએ ફરી એકવાર આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ 'રેસીડેન્સી કલા વર્કશોપ'માં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ફરી સન્માનિત કરવામાં આવ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે ભારતના પરંપરાગત પીઠોરાના ચિત્રકાર પરેશ રાઠવાને 2023માં પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો હતો.
પદ્મ શ્રી પરેશ રાઠવા રાષ્ટ્રપતિના હસ્તે ફરી સન્માનિત થયા
પીઠોરા એ માત્ર ચિત્રો નથી, પરંતુ હજારો વર્ષ જૂની એક લિપિ છે, જેને વાંચી શકાય છે અને એટલે જ આ કળાના સર્જકો 'લખારા' તરીકે ઓળખાય છે. છોટા ઉદેપુરના આવા જ એક સમર્પિત કલાકાર પદ્મ શ્રી પરેશ રાઠવાએ આદિવાસી સંસ્કૃતિના ઇષ્ટદેવ બાબા પીઠોરાની ગાથાને ગુંજતી કરી છે.
પરેશ રાઠવાના હસ્તે લખાયેલા છોટા ઉદેપુરની ઓળખ સમા પીઠોરાના ચિત્રો વિશ્વના સાત દેશોના મ્યુઝિયમમાં મુકવામાં આવ્યા છે.
પદ્મ શ્રી પરેશ રાઠવાએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ 'રેસીડેન્સી કલા વર્કશોપ'માં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે બીજી વખત સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન પરેશ રાઠવાનું નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું સન્માન છે.'
પદ્મ શ્રી પરેશ રાઠવાએ વધુમાં જણાવ્યું કે, 'બાબા પીઠોરા દેવ એ આદિવાસી સમાજના દેવ છે, હું તો માત્ર પીઠોરાના ચિત્રો લખનારો લખારો છું.'

પીઠોરાના ચિત્રો દોરનારાને લખારા તરીકે કેમ ઓળખવામાં આવે છે તેમ જણાવતા પદ્મ શ્રી પરેશ રાઠવાએ જણાવ્યું કે, 'પીઠોરાના ચિત્રો હજારો સમય પહેલાં એક લિપિ સ્વરૂપે જોવા મળતા હતા. પીઠોરાના જાણકાર માણસો પીઠોરાના ચિત્રો જોતાં નથી પણ વાંચે છે અને તેથી પીઠોરાના ચિત્રો દોરવામાં આવે તેમ નહીં પણ લખવામાં આવે છે તેવી માન્યતાના આધારે પીઠોરો લખ્યો તેમ કહેવામાં આવતું હોવાના લીધે પીઠોરાના ચિત્રો દોરનારને લખારા તરીકે ઓળખવામાં આવે છે.'

આ પણ વાંચો:

