ETV Bharat / state

દારૂબંધી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટની ભરમાર, બે વર્ષમાં 7 હજારથી વધુ અરજીઓ મંજૂર!

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરેરિયાએ સત્તાવાર આંકડા રજૂ કર્યા હતા, જેમાં છેલ્લા બે વર્ષના લિકર પરમિટ સંબંધિત તમામ વિગતો સામેલ હતી.

દારૂબંધી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટની ભરમાર, બે વર્ષમાં 7 હજારથી વધુ અરજીઓ મંજૂર!
દારૂબંધી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટની ભરમાર, બે વર્ષમાં 7 હજારથી વધુ અરજીઓ મંજૂર! (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 23, 2026 at 5:33 PM IST

1 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લિકર પરમિટ માટે અરજીઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો, જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ સરકાર પાસે વિગતવાર માહિતી માગી હતી.

આ પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરેરિયાએ સત્તાવાર આંકડા રજૂ કર્યા હતા, જેમાં છેલ્લા બે વર્ષના લિકર પરમિટ સંબંધિત તમામ વિગતો સામેલ હતી.

મંત્રીએ જણાવ્યું કે 21 જાન્યુઆરી 2024થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કુલ 1248 નવી લિકર પરમિટ માટે અરજીઓ મળી હતી. આ જ સમયગાળા દરમિયાન 5922 અરજીઓ પરમિટના રિન્યુઅલ માટે પ્રાપ્ત થઈ હતી. એટલે કે બે વર્ષમાં કુલ 7170 અરજીઓ સરકાર સમક્ષ આવી હતી.

આમાંથી 7045 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જ્યારે 29 અરજીઓ વિવિધ કારણોસર નકારી કાઢવામાં આવી હતી. કેટલાક કેસોમાં દસ્તાવેજોની અપૂર્ણતા, તબીબી માપદંડ પૂર્ણ ન થવા અથવા અન્ય વહીવટી કારણોસર મંજૂરી આપવામાં આવી નહોતી.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ચોક્કસ તબીબી પરિસ્થિતિઓમાં લિકર પરમિટ આપવામાં આવે છે. પરમિટ માટે અરજદારે સત્તાવાર ડૉક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે. ત્યારબાદ મેડિકલ બોર્ડ દ્વારા કેસની સમીક્ષા થાય છે. યોગ્ય જણાય તો નિર્ધારિત માત્રામાં દારૂ ખરીદવાની મર્યાદિત મંજૂરી આપવામાં આવે છે. પરમિટ સમયબદ્ધ હોય છે અને તેનું નિયમિત રિન્યુ કરાવવું ફરજિયાત છે.

આ આંકડાઓ સામે આવ્યા બાદ દારૂબંધીની અસરકારકતા અને તેની અમલવારી અંગે રાજકીય ચર્ચા ફરી તેજ બની છે. વિપક્ષનો આક્ષેપ છે કે પરમિટની વધતી સંખ્યા દારૂબંધીની નીતિ પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. જ્યારે સરકારનો દાવો છે કે તમામ પરમિટ કડક તબીબી માપદંડ અને કાયદાકીય પ્રક્રિયા અનુસાર જ આપવામાં આવે છે.

દારૂબંધી અને લિકર પરમિટની વ્યવસ્થા વચ્ચેનું સંતુલન હવે ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. આગામી સમયમાં સરકાર આ પ્રણાલી વધુ પારદર્શક બનાવે છે કે નહીં, તે પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: