નવસારીમાં જળબંબાકાર: 16 ઇંચ વરસાદથી શહેર જળમગ્ન, 1700થી વધુ લોકોનું સ્થળાંતર; ETV ભારતનો ગ્રાઉન્ડ રિપોર્ટ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં સુરત અને નવસારી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે

Published : July 8, 2026 at 11:09 AM IST
|Updated : July 8, 2026 at 12:42 PM IST
નવસારી: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં સુરત અને નવસારી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. છેલ્લા 24 કલાકમાં નવસારીમાં 16 ઈંચ જેટલો વરસાદ ખાબકતા પૂર્ણા નદીએ ભયજનક સપાટી વધાવી દીધી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં 6થી 7 ફૂટ જેટલા પાણી ભરાઇ જતા પૂર જેવી ગંભીર સ્થિતિ ઉભી થઇ છે. તંત્ર દ્વારા 1700થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારીની વર્તમાન સ્થિતિ કેવી છે? તેના પર ETV ભારતનો ગ્રાઉન્ડ રિપોર્ટ...
નવસારીમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
નવસારી જિલ્લામાં મંગળવારે પડેલા સાંબેલાધાર વરસાદે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધું છે. માત્ર 24 કલાકમાં નવસારી તાલુકામાં 388 મિમી એટલે કે 16.16 ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીનું જળસ્તર સતત વધીને ભયજનક સપાટીથી ઉપર પહોંચી જતાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.
પૂર્ણા નદીના વધેલા જળસ્તરની અસર શહેરના ગધેવાન મહોલ્લા, કમેલા દરવાજા, ભેંસત ખાડા, કાશીવાડી અને શાંતાદેવી રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં છથી સાત ફૂટ સુધી પાણી ભરાઈ જતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. ભેંસત ખાડા વિસ્તારમાં જ 100થી વધુ મકાનોમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
1700થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાત્રિ દરમિયાન આશરે 1,770થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા. સ્થળાંતરિત પરિવારો માટે નજીકના આશ્રયસ્થાનો અને ધીમ્મર સમાજની વાડીમાં રહેવા તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભારે વરસાદની આગાહી બાદ લોકોએ અગાઉથી જ સાવચેતી રાખી ઘરવખરી, ઇલેક્ટ્રોનિક સાધનો અને અન્ય કિંમતી સામાનને સુરક્ષિત સ્થળે અથવા મકાનના ઉપરના માળે ખસેડી દીધો હતો. તેમ છતાં અનેક પરિવારોને કપડા, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ઘરવખરીમાં મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

નવસારીના કાશીવાડીમાં હજુ પણ પાણીનો કહેર
નવસારી જિલ્લામાં પડેલા સાંબેલાધાર વરસાદે સમગ્ર શહેરને જળબંબાકાર બનાવી દીધું છે.ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીની જળસપાટી ભયજનક સપાટીથી ઉપર જઈ 27 ફૂટ સુધી પહોંચી હતી, જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરવખરી, અનાજ અને રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં હજુ સુધી પૂરતી રાહત સામગ્રી કે ફૂડ પેકેટ પહોંચ્યા નથી, જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે બુધવાર સવારથી પૂર્ણા નદીની જળસપાટીમાં ઘટાડો નોંધાતા લોકોને થોડી રાહત મળી છે અને કેટલાક પરિવારો પોતાના ઘરોમાં પરત ફરી રહ્યા છે.
હવામાન વિભાગે આજે પણ નવસારી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરવાસના વિસ્તારોમાં વધુ વરસાદ વરસે તો ફરી પૂરની સ્થિતિ ગંભીર બની શકે છે. હાલ જિલ્લા તંત્ર અને મહાનગરપાલિકા એલર્ટ મોડ પર રહી રાહત અને બચાવ કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો:

