ETV Bharat / state

VIP દર્શનના નામે ઓનલાઈન ઠગાઈ !સોમનાથ ટ્રસ્ટની ભક્તોને ચેતવણી, “મંદિરમાં VIP દર્શનની કોઈ પ્રથા નથી”

કોઈપણ વ્યક્તિ, એજન્ટ અથવા થર્ડ પાર્ટી વેબસાઈટ દ્વારા VIP પાસના નામે રૂપિયા માંગવામાં આવે તો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવાનું ટ્રસ્ટે જણાવ્યું છે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 26, 2026 at 5:22 PM IST

1 Min Read
Choose ETV Bharat

ગીર સોમનાથ: દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે VIP દર્શનના નામે ઓનલાઈન ઠગાઈના બનાવો સામે આવતા શ્રી સોમનાથ ટ્રસ્ટ હરકતમાં આવ્યું છે. સોશિયલ મીડિયા, નકલી વેબસાઈટો અને ઓનલાઈન સર્ચ પ્લેટફોર્મ મારફતે કેટલાક ફ્રોડ તત્વો યાત્રાળુઓને VIP દર્શન અને સ્પેશિયલ એન્ટ્રી અપાવવાના બહાને છેતરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. જેને પગલે ટ્રસ્ટ દ્વારા ભક્તોને સતર્ક રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સોમનાથ મંદિરમાં કોઈપણ પ્રકારના VIP દર્શન, સ્પેશિયલ પાસ કે પૈસા લઈને વિશેષ પ્રવેશ આપવાની કોઈ વ્યવસ્થા નથી. મંદિરમાં તમામ ભક્તો માટે સમાન દર્શન વ્યવસ્થા છે. કોઈપણ વ્યક્તિ, એજન્ટ અથવા થર્ડ પાર્ટી વેબસાઈટ દ્વારા VIP પાસના નામે રૂપિયા માંગવામાં આવે તો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવાનું ટ્રસ્ટે જણાવ્યું છે.

VIP દર્શનના નામે ઓનલાઈન ઠગાઈ !સોમનાથ ટ્રસ્ટની ભક્તોને ચેતવણી, “મંદિરમાં VIP દર્શનની કોઈ પ્રથા નથી” (ETV Bharat Gujarat)

ટ્રસ્ટની આઈટી અને સિક્યોરિટી ટીમના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ફ્રોડ તત્વો ઓનલાઈન સર્ચ એન્જિન પર નકલી જાહેરાતો અને લિંક્સ મૂકી VIP ટિકિટ ઉપલબ્ધ હોવાનો ભ્રામક દાવો કરી રહ્યા છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવી ભક્તોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં ભક્તોને સીધા ફોન કરીને અથવા ઓનલાઈન પેમેન્ટ લિંક મોકલી રૂપિયા ટ્રાન્સફર કરાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ટ્રસ્ટ દ્વારા ભક્તોને અપીલ કરવામાં આવી છે કે પૂજા, રૂમ બુકિંગ અને પ્રસાદ જેવી તમામ સેવાઓ માટે માત્ર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ https://somnath.org/નો જ ઉપયોગ કરવો. અજાણી વેબસાઈટ, મોબાઈલ એપ અથવા એજન્ટ દ્વારા અપાતી ઓફરો પર વિશ્વાસ ન કરવા સૂચના આપવામાં આવી છે.

આ પ્રકારની ઓનલાઈન ઠગાઈ રોકવા ટ્રસ્ટ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નકલી વેબસાઈટો અને ભ્રામક ઓનલાઈન માહિતી દૂર કરવા માટે ગૂગલને સત્તાવાર જાણ કરવામાં આવી છે. ઉપરાંત આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા અજાણ્યા તત્વો સામે FIR નોંધાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

સોમનાથ ટ્રસ્ટે તમામ ભક્તોને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ લિંક અથવા VIP દર્શનની ઓફર સામે તાત્કાલિક પોલીસ અથવા ટ્રસ્ટની હેલ્પલાઈન પર જાણ કરવા અનુરોધ કર્યો છે.