એક દિવસ રસોડામાં સુગંધ, બીજા દિવસે ચૂલો ઠંડો, જાણો શીતળા સાતમની અનોખી પરંપરા
રાંધણ છઠ અને શીતળા સાતમનું વિશેષ મહત્વ છે, છઠના દિવસે અનેક વાનગીઓ બનાવી સાતમના દિવસે ચૂલો સળગાવ્યા વગર આખો પરિવાર ઠંડું ભોજન આરોગે છે.

Published : September 2, 2026 at 9:10 PM IST
ભૂમિકા પરમાર, અમદાવાદ : ગુજરાતની ધરતી પર તહેવારો માત્ર ઉજવણી નથી, પરંતુ દરેક પર્વ સાથે એક પરંપરા, એક માન્યતા અને વડીલો પાસેથી મળેલી સંસ્કૃતિ જોડાયેલી છે. આવો જ એક અનોખો અને શ્રદ્ધાભર્યો પર્વ છે રાંધણ છઠ અને શીતળા સાતમ.
રાંધણ છઠના દિવસે ઘરની મહિલાઓ વહેલી સવારથી રસોડામાં વાનગીઓ બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે. પૂરી, વડા, ઢેબરા, સુખડી, પાત્રા, ભજીયા, શક્કરપારા, મોહનથાળ સહિતની અનેક વાનગીઓ તૈયાર થાય છે. પરંતુ બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે આ જ રસોડામાં ચૂલો સળગતો નથી. ગેસ બંધ રહે છે અને પરિવાર આખો દિવસ ઠંડું ભોજન જ આરોગે છે.
આ પરંપરા પાછળ શીતળા માતા પ્રત્યેની શ્રદ્ધા અને લોકમાન્યતાઓ જોડાયેલી છે. આજે પણ અનેક પરિવારોમાં વડીલો પાસેથી મળેલી આ પરંપરા નવી પેઢી સુધી પહોંચાડવામાં આવી રહી છે.
‘રાંધણ છઠે રસોઈ નહીં, જાણે ઘરમાં ભક્તિ રંધાય છે’ — ભાવનાબેન પરમાર
રાંધણ છઠની ઉજવણી અંગે ETV સાથેની વાતચીતમાં સ્થાનિક ગૃહિણી ભાવનાબેન જયેશભાઈ પરમારે જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે પરિવાર સાથે મળીને ઉત્સાહભેર આ તહેવાર ઉજવે છે.

તેમણે જણાવ્યું હતું કે રાંધણ છઠના દિવસે મેથીની પૂરી, વડા, શક્કરપારા, ચૂરમાના લાડુ અને મોહનથાળ જેવી વિવિધ પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવે છે. ખાસ કરીને તેમના પરિવારમાં મેંદાની ફણસી પૂરીની વિશેષ માંગ હોવાથી તે પણ ખાસ બનાવવામાં આવે છે. રાંધણ છઠના દિવસે બનાવેલું તમામ ભોજન બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે આખો પરિવાર શ્રદ્ધાપૂર્વક ઠંડું જ આરોગે છે.
‘જેઠાણી-દેરાણી સાથે મળીને બને વાનગીઓ, સાતમે ઘરમાં ચૂલો પણ ન સળગે’ — આરતીબેન પરમાર
શીતળા સાતમની પરંપરા અંગે આરતીબેન પરમારે જણાવ્યું હતું કે તેમના સંયુક્ત પરિવારમાં જેઠાણી, દેરાણી સહિત પરિવારના તમામ સભ્યો ભેગા મળીને રાંધણ છઠની વાનગીઓ બનાવે છે. આસપાસના પરિવારોમાં પણ વાનગીઓની આપ-લે કરવામાં આવે છે.

શીતળા સાતમના દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી અને બાળકોથી લઈને મોટેરાઓ સુધી બધા સભ્યો બંને સમય ઠંડું ભોજન જ જમે છે. અહીં સુધી કે ચા પણ ગરમ કરવાને બદલે ઠંડી જ પીવાની વર્ષો જૂની ધાર્મિક પરંપરા તેમના પરિવારમાં આજે પણ જળવાઈ રહી છે.
દાદી-નાની પાસેથી સાંભળેલી શીતળા માતાની લોકવાત આજે પણ યાદ
આરતીબેન પરમારે શીતળા માતા સાથે જોડાયેલી બાળપણમાં સાંભળેલી લોકવાત પણ સંભળાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની નાની અને દાદી શીતળા માતાની અનેક વાર્તાઓ કહેતા હતા. તેમાંથી એક વાર્તા તેમને આજે પણ યાદ છે.

એક ગામમાં દેરાણી-જેઠાણી અને સાસુ-સસરા સાથે રહેતા હતા. રાંધણ છઠ અને સાતમના દિવસોમાં ઘરમાં રસોઈ બનાવવામાં આવતી હતી. એક વખત બાળક રડતું હોવાથી તેની માતા બાળકને લઈને સૂઈ ગઈ અને ચૂલો ઠંડો કરવાનું ભૂલી ગઈ. જેઠાણીને પણ આ વાત યાદ હોવા છતાં તેણે તેને યાદ કરાવ્યું નહીં. લોકમાન્યતા મુજબ રાત્રે શીતળા મા આવે છે અને ગરમ ચૂલાના કારણે માતાજીને દાઝ લાગે છે. ત્યારબાદ માતાજી ક્રોધિત થાય છે અને દેરાણીના બાળકને પણ દાઝ લાગ્યાની વાત આ લોકવાતામાં કહેવાય છે.
સવારે બાળકને જોઈ દેરાણી ખૂબ દુઃખી થાય છે અને શીતળા માતાને પ્રાર્થના કરે છે. ત્યારબાદ તેને રસ્તામાં એક ડોશીમા મળે છે. ડોશીમા પોતાનું માથું સાફ કરી આપવા કહે છે. દેરાણી તેમનું માથું સાફ કરે છે. ડોશીમાને ઠંડક મળતાં તેઓ આશીર્વાદ આપે છે કે, ‘મારું માથું ઠંડું થયું એમ તારું પેટ પણ ઠંડું થશે.’ લોકવાતામાં અંતે ડોશીમા સાક્ષાત શીતળા મા હોવાનું માનવામાં આવે છે અને બાળક સાજો થઈ જાય છે. આરતીબેને જણાવ્યું હતું કે આવી અનેક લોકવાતો તેમણે પોતાના નાની, દાદી અને સાસુ પાસેથી સાંભળી છે અને આ જ વાતો આજે પણ તેમની શ્રદ્ધાનો ભાગ છે.

‘બાળકોને જે ભાવે એ બનાવું, મહેનત થાય તો પણ પરંપરા તો નિભાવવી જ પડે’ — બિંદુબેન
બિંદુબેને જણાવ્યું હતું કે તેઓ રાંધણ છઠના દિવસે વહેલી સવારે રસોઈ બનાવવાનું શરૂ કરે છે અને રાત્રે 12 વાગ્યા સુધીમાં ચૂલો ઠંડો કરી દે છે. તેમના બાળકોને પૂરી, ખીર, પાત્રા અને ભજીયા જેવી વાનગીઓ ખૂબ ભાવે છે, તેથી તેઓ બાળકોની પસંદગી પ્રમાણે વાનગીઓ બનાવે છે. તેમણે કહ્યું હતું કે, “ભલે થોડી ઘણી મહેનત તો થાય, પણ મહેનત તો કરવી જ પડશે.” પકોડી જેવી વાનગી છેલ્લે બનાવવામાં આવે છે, કારણ કે બીજા દિવસે ખાવાની હોય છે. શીતળા સાતમના દિવસે તેઓ ઘરે ગેસ પણ સળગાવતા નથી. તેમના સસરાના ઘરેથી ચા આવે છે અને પરિવાર ત્યાંથી જ ચા પીવે છે.
‘રાત્રે જ ચૂલો સાફ, સવારે પૂજા... શીતળા મા આવે છે એવી અમારી માન્યતા’ — જશોદાબેન મેવાડા
જશોદાબેન મેવાડાએ જણાવ્યું હતું કે રાંધણ છઠના દિવસે તેઓ શીતળા સાતમ માટે વિવિધ વાનગીઓ બનાવે છે. તેમણે ઢેબરા, બાજરીના વડા, સુખડી અને પાંદડા બનાવવાની વાત કરી હતી. શીતળા સાતમના દિવસે સવારે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. સાથે જ ચૂલો, સગડી અને ગેસની પણ પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ આખો દિવસ ઠંડું ભોજન જ આરોગવામાં આવે છે.
રાત્રે રસોઈ બનાવ્યા બાદ ચૂલો સાફ કરી દેવામાં આવે છે અને સવારે તેની પૂજા કરવામાં આવે છે. તેમની માન્યતા મુજબ રાત્રે શીતળા મા ઘરમાં આવે છે અને 12 વાગ્યા બાદ જો કોઈના ઘરે ચૂલો ચાલુ હોય તો તે માન્યતા વિરુદ્ધ ગણાય છે. તેમણે જણાવ્યું હતું કે અગાઉ માટીના ચૂલા હતા, હવે સગડી અને ગેસનો ઉપયોગ થાય છે, પરંતુ પરંપરાની ભાવના આજે પણ એ જ છે.
‘અમારા પિયરમાં પણ શીતળા માની માન્યતા, માનતા રાખ્યા બાદ બાળક સાજો થયો’ — જશોદાબેનની લોકઆસ્થા
જશોદાબેને પોતાના પિયરની એક માન્યતા પણ સંભળાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના પિતાના ઘરે શીતળા સાતમના દિવસે કેટલીક ખાસ વાનગીઓ બનાવવાની પરંપરા છે અને તળેલી વાનગીઓ ન બનાવવાની માન્યતા છે. તેમણે એક જૂનો પ્રસંગ યાદ કરતાં જણાવ્યું હતું કે એક વખત પરિવારની એક સભ્યે આ પરંપરા પ્રમાણે ન કરતા બીજા દિવસે તેમના ભત્રીજાની તબિયત ખરાબ થઈ હતી.
પરિવારજનોએ તેને શીતળા માતાની માન્યતા સાથે જોડ્યું હતું અને ત્યારબાદ શીતળા માતાની બાધા રાખી હતી. બાળકને સાત દિવસ સુધી પડદામાં રાખવામાં આવ્યો હતો અને આ સમગ્ર પ્રસંગને તેઓ શીતળા માતાની શ્રદ્ધા સાથે જોડે છે.
‘અમારા સાસુ-સસરાની પેઢીથી પરંપરા, હવે આવનારી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી’ — લક્ષ્મીબેન પરમાર
લક્ષ્મીબેન પરમારે જણાવ્યું હતું કે તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે અને તેમના પરિવાર માટે શીતળા સાતમનું વિશેષ મહત્વ છે. પરિવાર મોટો હોવાથી દીકરાની વહુઓ અને અન્ય પરિવારજનો સાથે મળીને વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે અને પછી આખો પરિવાર સાથે મળીને જમે છે.
તેમના સાસુ-સસરાની પેઢીથી આ પરંપરા ચાલતી આવી છે અને તેઓ આજે પણ તેને સાચવી રહ્યા છે. આવનારી પેઢી પણ આ પરંપરાને જાળવી રાખશે તેવી તેમની આશા છે. રાંધણ છઠના દિવસે બનાવેલું ભોજન બીજા દિવસે શીતળા સાતમના દિવસે બે સમય ઠંડું જમવામાં આવે છે. પરિવારનો કોઈ સભ્ય ગરમ ભોજન લેતો નથી.
સાતમે રસોઈ જ નહીં, અનેક કામ પર પણ ‘વિરામ’
લક્ષ્મીબેને જણાવ્યું હતું કે શીતળા સાતમના દિવસે તેમના પરિવારમાં માત્ર ચૂલો જ બંધ રાખવામાં આવતો નથી, પરંતુ કેટલીક અન્ય પરંપરાઓનું પણ પાલન કરવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ આ દિવસે સાબુથી માથું ધોવામાં આવતું નથી, સોય-દોરાથી કપડાં સીવવામાં આવતા નથી, ઘરમાં લીંપણ કરવામાં આવતું નથી અને ધોકાથી કપડાં ધોવામાં આવે તો ધોકા મારવામાં આવતા નથી.
બાળકની તબિયતથી લઈને ‘માતાજી પધાર્યા’ સુધી... શીતળા માતાની લોકમાન્યતા
શીતળા માતા સાથે જોડાયેલી માન્યતાઓ અંગે લક્ષ્મીબેને જણાવ્યું હતું કે અગાઉ બાળકને ઓરી-અછબડા જેવી બીમારી થાય ત્યારે પરિવારજનો શીતળા માતાની બાધા અને માનતા રાખતા હતા. કોઈ ઘીનો દીવો કરતા, કોઈ મંદિરે પગે લાગવા જતા, તો કોઈ પોતાની શ્રદ્ધા પ્રમાણે અલગ-અલગ માનતા રાખતા હોવાની તેમણે વાત કરી હતી. ગામડાઓમાં આજે પણ એવી લોકમાન્યતા જોવા મળે છે કે બાળકને આવી તકલીફ પડે ત્યારે ‘માતાજી પધાર્યા’ એમ કહેવામાં આવે છે.
‘પાંચ-સાત ઘરથી ઠંડું ભોજન માંગવાની પરંપરા આજે પણ જીવંત’
બાળક બીમાર પડે ત્યારે કેટલીક મહિલાઓ શીતળા માતાની માનતા રાખીને પાંચ-સાત ઘરેથી ઠંડું ભોજન માગીને લાવતી. કોઈના ઘરે વડા બનાવ્યા હોય, કોઈના ઘરે ભાખરી કે સુખડી બની હોય તો તેમાંથી થોડું ભોજન આપવામાં આવતું. કોઈ વ્યક્તિ બારણે આવીને ઊભી રહે તો તેને માનતા માટે ભોજન લેવા આવી હોવાનું માનીને પરિવાર પોતાની ક્ષમતા પ્રમાણે પૂરી, વડા કે અન્ય વાનગી આપે છે. આ પરંપરા આજે પણ કેટલીક જગ્યાએ જોવા મળે છે.
રસોડું ઠંડું પડે છે, પણ શ્રદ્ધાની જ્યોત વધુ પ્રગટે છે. રાંધણ છઠે રાંધાતી વાનગીઓ માત્ર સ્વાદ માટે નથી, પરંતુ પરિવારને એકસાથે જોડતી પરંપરાનો ભાગ છે. શીતળા સાતમે બંધ થતો ચૂલો માત્ર રસોડાની જ્યોતને વિરામ આપતો નથી, પરંતુ પેઢીઓથી ચાલી આવતી શ્રદ્ધાને યાદ કરાવે છે.
કોઈ માટે આ માતાજીની ભક્તિ છે, કોઈ માટે દાદી-નાની પાસેથી મળેલો વારસો છે અને કોઈ માટે પરિવારને સાથે બેસાડી જમાડતી પરંપરા છે. રાંધણ છઠે રસોડામાં વાનગીઓ રંધાય છે અને શીતળા સાતમે એ જ વાનગીઓમાં ભક્તિનો સ્વાદ ભળે છે. સમય બદલાયો, ચૂલાની જગ્યાએ ગેસ આવ્યો, સગડી બદલાઈ ગઈ... પરંતુ શીતળા માતા પ્રત્યેની શ્રદ્ધા અને આ પેઢીઓ જૂની પરંપરા આજે પણ અનેક ઘરોમાં એટલી જ જીવંત છે.
આ પણ વાંચો...

