જુનાગઢના નવાબે કરેલા કામોની ઝરમર ઝાંખી, જુનાગઢના મુક્તિ દિવસ પર જાણો રસપ્રદ ઈતિહાસ
આજે 9મી નવેમ્બર, એટલે કે જૂનાગઢના મુક્તિ દિવસ પર જૂનાગઢના નવાબ સાથે જોડાયેલા કેટલાક પ્રસંગોની ઝરમર ઝાંખી જોઈએ

Published : November 9, 2025 at 8:12 AM IST
જુનાગઢ: જુનાગઢમાં 1947 પૂર્વે 20 વર્ષ કરતાં વધુ સમય સુધી નવાબી શાસન રહ્યું હતું. નવાબી શાસનમાં રાજ્ય સત્તાને લઈને અનેક પ્રસંગો આજે પણ જુનાગઢના ઇતિહાસ સાથે જોડાયેલા છે.
જુનાગઢના નવાબે કેટલાક કામો જૂનાગઢને સર્વોચ્ચ સન્માન મળે તે માટે કર્યા પરંતુ અંતિમ દિવસે જુનાગઢને પાકિસ્તાનનો હિસ્સો બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. આવા અનેક પ્રસંગો જૂનાગઢના નવાબો સાથે જોડાયેલા છે. આજે 9મી નવેમ્બરે જૂનાગઢના મુક્તિ દિવસ પર જૂનાગઢના નવાબ સાથે જોડાયેલા કેટલાક પ્રસંગોની ઝરમર ઝાંખી જોઈએ અને જાણીએ.
જુનાગઢમાં એક સમયે હતું નવાબી શાસન
9મી નવેમ્બરે જુનાગઢના મુક્તિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. 1947માં ભારત આઝાદ થયું, ભારતની સાથે પાકિસ્તાન અલગ દેશ તરીકે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો દેશ બન્યો. ત્યારે જૂનાગઢના નવાબે જૂનાગઢ રાજ્યનું જોડાણ અખંડ ભારત સાથે નહીં કરીને જુનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો સૌથી મોટો નિર્ણય કર્યો હતો.

પાકિસ્તાને ન સ્વીકાર્યો જુનાગઢ નવાબનો પ્રસ્તાવ
સદનસીબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાના પ્રસ્તાવને પાકિસ્તાન સરકાર તરફથી સ્વીકારવામાં આવ્યો ન હતો, એટલું જ નહીં પરંતુ જ્યારે નવમી નવેમ્બરે જુનાગઢ સ્વતંત્ર ભારતનો હિસ્સો બન્યો, ત્યાં સુધી જુનાગઢમાં પાકિસ્તાન સરકારની કોઈ ઉપસ્થિતિ પણ જોવા મળતી ન હતી.

એક ભૂલ અને નવાબના શાસનને લાગી કાળી ટીલી
સીધી ભાષામાં કહીએ તો જૂનાગઢનું જોડાણ નવાબે પાકિસ્તાન સાથે કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તે જૂનાગઢને પાકિસ્તાનનો હિસ્સો ન બનાવી શક્યા. તેઓ સ્વયં તેમના પરિવાર સાથે પાકિસ્તાન પહોંચી ગયા. આજે પણ નવાબનો પરિવાર પાકિસ્તાનમાં રહે છે, પરંતુ જુનાગઢ આઝાદ થયા બાદ સ્વતંત્ર ભારતના હિસ્સા તરીકે જોડાયું. નવાબનો આ એક નિર્ણય તેમના 20 વર્ષ કરતાં વધુ શાસનને કાળી ટીલી લગાડી ગયું.

નવાબે કરેલા જૂનાગઢના કામો
જુનાગઢના નવાબે તેમના શાસનકાળ દરમિયાન જૂનાગઢને અનેક વ્યવસ્થાઓ ભેટમાં આપી, જેમાં વિશ્વપ્રસિદ્ધ ગીરના સિંહોના શિકાર પર પ્રતિબંધ, ગિરનાર પર્વત પર યાત્રિકોને જવા માટે સીડીઓનું નિર્માણ, જુનાગઢ રાજ્યના લોકોને પાણી અને દુષ્કાળની સ્થિતિમાં અનાજ મળી રહે તે માટેની વિશેષ વ્યવસ્થાઓ, મનોરંજન માટેની નાટ્ય શાળાઓ, ધર્મસ્થાનોમાં નવાબ દ્વારા આપવામાં આવતું આર્થિક અનુદાન જેવા અનેક કામો જુનાગઢ રાજ્યના નવાબ તરીકે કર્યા હતા.

મુલાકાતીઓ માટે ધર્મને અનુરૂપ ભોજનની વિશેષ વ્યવસ્થા
નવાબને મળવા આવતા તમામ લોકો માટે ભોજનની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવતી હતી. નવાબ પોતે માનતા હતા કે કોઈ પણ વ્યક્તિ તેના ધર્મને અનુરૂપ ભોજન કરે તે માટે ખાસ જેતે ધર્મના રસોઈયાઓ પણ સામાન્ય લોકો માટે નવાબે રાખ્યા હતા, તેની પાછળનું કારણ પણ નવાબ પોતે વ્યક્ત કરતા હતા કે, જે વ્યક્તિ પોતાના ધર્મને અનુરૂપ ખોરાક ગ્રહણ ન કરે તે વ્યક્તિ કેટલો વિશ્વાસુ હોઈ શકે તેને લઈને પણ તેઓ ખૂબ જ સજાગ જોવા મળતા હતા.
આવા અનેક પ્રજાલક્ષી કામો નવાબના શાસનમાં થયા હતા, પરંતુ ભારત આઝાદ થયું ત્યારે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરીને નવાબે સૌથી મોટી ભૂલ કરી જેનું પરિણામ આજે પણ તેમનો પરિવાર પાકિસ્તાનમાં જોઈ રહ્યો છે.
આ પણ વાંચો

