રાજસ્થાનમાંથી અફીણ મંગાવી નવસારી જિલ્લામાં છૂટક વેચાણ કરતો નશાનો સોદાગર ઝડપાયો, લાખોનું અફીણ જપ્ત
પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસેથી 154.26 ગ્રામ અફીણ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે રૂ. 77,130 જેટલી થાય છે.

Published : May 31, 2026 at 8:10 AM IST
નવસારી: જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર સામે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે ચીખલી નહેર સામેથી પોલીસે અફીણના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ નવસારી SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક વ્યક્તિ અફીણનો જથ્થો લઈને વેચાણ માટે ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી દરોડાની કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન ચીખલી તાલુકાના સમરોલી ગામે રહેતા બહાદુરલાલ અંબાલાલ ગુર્જરને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસેથી 154.26 ગ્રામ અફીણ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે રૂ. 77,130 જેટલી થાય છે. ઉપરાંત બે મોબાઇલ ફોન કિંમત રૂ. 35,000 અને રોકડ રૂ. 10,400 સહિત કુલ રૂ. 1,22,530નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાજસ્થાનમાંથી અફીણ મંગાવી નવસારી જિલ્લામાં છૂટક વેચાણ કરતો હતો. આ સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આ ગુનામાં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રહેવાસી રાજુ ગરાડિયા નામના અન્ય એક શખ્સની સંડોવણી પણ સામે આવી છે. તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ માટે અલગ-અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
નાયબ પોલીસ અધિક્ષક હરીશ ચાંદુ એ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીના સંપર્કો, સપ્લાય ચેઇન અને નશીલા પદાર્થોના વેપાર સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે વધુ તપાસ શરૂ કરી છે.

