3 ઇંચ વરસાદમાં જ નવસારી પાણી-પાણી, 6 રસ્તા બંધ થતા વાહન ચાલક અટવાયા
નવસારીમાં જિલ્લામાં મોડી રાતથી વરસી રહેલા ધીમી ધારના વાવણી લાયક વરસાદને પહલે ડાંગરની ખેતી કરતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

Published : July 2, 2026 at 2:50 PM IST
નવસારી: નવસારી જિલ્લામાં ધીમી ધારનો અવિરત વરસાદ ક્યાંક રાહત તો ક્યાંક મુશ્કેલી લઇને આવ્યો છે. જિલ્લામાં મોડી રાતથી વરસી રહેલા ધીમી ધારના વાવણી લાયક વરસાદને પહલે ડાંગરની ખેતી કરતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લા પંચાયત હસ્તકના 6 જેટલા ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને વ્યાપક અસર પહોંચી છે જેને કારણે સ્થાનિકો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
નવસારીમાં પાણી ભરાતા 6 રસ્તા બંધ
નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ગણદેવીમાં સૌથી વધુ 77 મિમી (3.20 ઈંચ), નવસારીમાં 74 મિમી (3.08 ઈંચ), ખેરગામમાં 73 મિમી (3.04 ઈંચ), વાંસદામાં 67 મિમી (2.79 ઈંચ), જલાલપોરમાં 66 મિમી (2.75 ઈંચ) અને ચીખલીમાં 56 મિમી (2.33 ઈંચ) વરસાદ નોંધાયો છે.
જોકે, સતત વરસાદના કારણે જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે પંચાયત હસ્તકના 6 રસ્તાઓ પર પાણીનું ઓવરટોપિંગ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. સરોણા–સદલપુર રોડ, ખડસુપા–ઉન રોડ, પારડી–સદલાવ રોડ તેમજ સુપા–પેરા–કુચેદ રોડ સહિતના માર્ગો પર કોઝવે અને સ્લેબ ડ્રેઈન ઉપર પાણી ફરી વળતાં રસ્તાઓને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને રસ્તાઓ બંધ થતાં સ્થાનિકો તથા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રશાસને લોકોને સાવચેતી રાખવા અને બંધ રસ્તાઓ પર અવરજવર ન કરવાની અપીલ કરી છે.

સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
નવસારીમાં વાવણીલાયક વરસાદે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઇ છે જ્યારે ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં નવી આશા જગાવી છે. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ખેતરો લીલાછમ બન્યા છે અને ખેડૂતો ફરીથી ધરૂની રોપણીના કામમાં જોતરાઈ ગયા છે.

નવસારી તાલુકાના સદલાવ ગામના ખેડૂત પિનાકીન પટેલે જણાવ્યું કે લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી થયેલો સારો વરસાદ ખેતી માટે ખૂબ જ અનુકૂળ રહ્યો છે. આ વરસાદને કારણે હવે ખેડૂતો ડાંગરની ફેર રોપણીમાં વ્યસ્ત બન્યા છે અને જો આગામી દિવસોમાં પણ આવો જ માફકસર વરસાદ રહેશે તો આ વર્ષ ખેડૂતો માટે લાભદાયક નીવડવાની આશા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો:

