નવસારીમાં અંબિકા નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહેતા બીલીમોરામાં પાણી પ્રવેશ્યા, પૂર્ણા નદી ઓવરફ્લો થવાની નજીક
સુરત જિલ્લામાં પણ આવતીકાલ સુધી વરસાદનું રેડ એલર્ટ અપાતા વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે.

Published : July 3, 2026 at 10:46 PM IST
નવસારી: દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે હવે નવસારી જિલ્લામાં ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. ડાંગ અને ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદની સીધી અસર નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે. જિલ્લાની અંબિકા અને પૂર્ણા નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ વાંસદા તાલુકાના પ્રસિદ્ધ ઉનાઈ યાત્રાધામમાં પાણી ભરાતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. બીજી તરફ સુરત જિલ્લામાં પણ 4 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
નવસારીની પૂર્ણા અને અંબિકા નદીની સપાટીમાં વધારો
નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો છે. પૂર્ણા નદીની સપાટી 19 ફૂટ નજીક પહોંચી છે જ્યારે નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે. આમ પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર ચાર ફૂટ દૂર છે. એવામાં શહેરના નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને મહાનગરપાલિકા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. તો બીજી તરફ નવસારીની અંબિકા નદીએ પણ ભયજનક સપાટી વટાવી છે. નદી 29 ફૂટની ભયજનક સપાટી ધરાવતી અંબિકા નદીનું જળસ્તર 32 ફૂટ પર પહોંચી ગયું છે. ભયજનક સપાટીથી ચાર ફૂટ ઉપર રહેતી અંબિકા નદીના જળ બીલીમોરા શહેરના બંદર રોડ વિસ્તારમાં પ્રવેશ્યા છે. તો ધોબી તળાવ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને ગાડી ફેરવી લોકોને સુરક્ષિત સ્થળે જવા તેમજ સાવચેતી રાખવા માટે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે.
નવસારી વહીવટી તંત્ર એલર્ટ પર
નવસારી જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ સંપૂર્ણ હાઈ એલર્ટ પર આવી ગયા છે અને સંભવિત આપત્તિને પહોંચી વળવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. વાંસદા તાલુકાના પ્રસિદ્ધ ઉનાઈ યાત્રાધામમાં ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. ઉનાઈના મુખ્ય બજારમાં આવેલી અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. વાપી-શામળાજી હાઈવે પર ઉનાઈ વિસ્તાર પાસે પાણી ભરાવાને કારણે લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ વિભાગ તેમજ સ્થાનિક યુવાનો રસ્તા પર ઉતરી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહનચાલકોને સલામત રીતે પસાર કરાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા.

ગણદેવી તાલુકાના 10 ગામો એલર્ટ પર
બીલીમોરા શહેર નજીકથી પસાર થતી અંબિકા નદીમાં પણ પાણીની આવક વધતાં શહેરમાં ચિંતા વધી છે. બીલીમોરા સહિત ગણદેવી તાલુકાના દસ જેટલા ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બીલીમોરા નગરપાલિકા દ્વારા જાહેર સૂચના વાહન ફેરવી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને બંદર રોડ, શિપ યાર્ડ અને ઓરિયા-મોરિયા વિસ્તાર જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક સૂચના આપી છે. તલાટી, મામલતદાર સહિત તમામ વિભાગોના અધિકારીઓને પોતાની ફરજના સ્થળે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. તમામ નદીઓના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સંભવિત પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી બચાવ વ્યવસ્થા તૈયાર રાખવામાં આવી છે.

નવસારીમાં ભારે વરસાદના કારણે બંધ રસ્તાઓ
(૧)કાળાઆંબા વાટી રોડ
(૨)પાલગભણ ગામીત ફળીયા રોડ
(૩)મહુવાસ સરા કેવડી રોડ
(૪)કુરેલીયા તાડ ફળિયા મેઈન રોડથી ભીનાર ગામ ખડકલા ફળિયા ટુ જોઈનીંગ વાંસદા ઉનાઈ રોડ
(૫)વાંદરવેલા દોણજા રોડ
(૬)અંકલાછ ચોંઢા રોડ
(૭)ખાંભલા નવતાડ રોડ
(૮)કેવડી ઉપલા ફળિયા રોડ
(૯)ભીનાર નાનીવાલઝર મોટીવાલઝર રોડ
(૧૦)લાખાવાડી મીંઢોળફળીયાથી ચાપલધરા રોડ
(૧૧)સીંગાડ જાગૃતિફળીયાથી આંગલધરા રોડ
(૧૨)સીંગાડ પેલાડ ફળિયા રોડ
(૧૩)રાજપુર અપ્રોચ રોડ
(૧૪)બારતાડ જીવનબારી રોડ
(૧૫)ચારણવાડા એપ્રોચ રોડ
(૧૬)ઉનાઈ ચરવી પટેલ રોડ
(૧૭)NH 56 થી પાલગભાણ ગામીત ફળીયા રોડ
(૧૮)મોટીભમતી હોલીપાડા રોડ
(૧૯)કુરેલીયા બારતાડ રોડ
(૨૦)મહુવાસ જનાર્દન ફળીયા રોડ
(૨૧)રાણીફળિયા ઉપસલ રોડ
(૨૨)સિણધઈ મોટા ફળીયા રોડ
(૨૩)ભીનાર બારતાડ(ઉ) રોડ
(૨૪)કૂકડા કુરેલિયા રોડ
સુરતમાં વરસાદનું રેડ એલર્ટ
બીજી તરફ ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં તા.4 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાથી રેડ એલર્ટ જાહેર કરાયું છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર તેજસ પરમારે જિલ્લામાં અત્યાર સુધી વરસેલા વરસાદની અસર તેમજ આગામી રેડ અલર્ટને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, જિલ્લામાં સરેરાશ 17.92 મિ.મી વરસાદ નોંધાયો છે. અને ચાલુ સિઝનમાં જિલ્લાનો સરેરાશ વરસાદ 228 મિ.મી નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં 389 મિ.મી, પલસાણામાં 362 મિ.મી, મહુવામાં 352 મિ.મી, બારડોલીમાં 309 મિ.મી તેમજ ઉમરપાડામાં 298 મિ.મી નોંધાયો છે.
કલેક્ટરએ જણાવ્યું કે, સુરત જિલ્લાની તમામ નદીઓ, ડેમો, જળાશયો હાલ ભયજનક સપાટીથી નીચે છે અને પૂર જેવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ નથી. છતાં તમામ જળાશયો અને નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમજ વરસાદના કારણે કેટલાક નીચાણવાળાં વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ સંબંધિત વિભાગો દ્વારા સમયસર કામગીરી કરીને મોટાભાગના સ્થળોએ પાણીનો નિકાલ કરાયો છે. હાલ જિલ્લામાં કોઈ જાનહાનિ કે વ્યાપક નુકસાન થયું નથી.
જિલ્લાના રસતાઓની સ્થિતિ વર્ણવતા તેમણે જણાવ્યું કે, હાલની સ્થિતિએ સુરત જિલ્લામાં મહુવા તાલુકામાં બે ગ્રામ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર અસ્થાયી રીતે બંધ કરી વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે.

જિલ્લામાં વરસાદની સ્થિતિને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ વિશે તેમણે કહ્યું કે, જિલ્લામાં ઇમરરજન્સી ઓપરેશન સેન્ટર અને તમામ તાલુકા કંટ્રોલ રૂમ 24*7 કાર્યરત કરાયા છે. ઓલપાડ ખાતે NDRFની અને માંગરોળ ખાતે SDRFની એક-એક ટીમ તૈનાત કરાઈ છે. પાલિકાના ફાયર વિભાગ, કામરેજ ERC સેન્ટર તથા તમામ નગરપાલિકાઓના ફાયર વિભાગો બચાવ અને રાહત કામગીરી માટે સંપૂર્ણ સજ્જ છે. તેમજ તમામ લાઈન વિભાગો વચ્ચે સંકલન સ્થાપી જરૂરિયાત મુજબ તાત્કાલિક પ્રતિસાદ માટે અધિકારીઓને સંપર્ક ડિરેક્ટરી તૈયાર રખાઈ છે.
આ પણ વાંચો:

