ETV Bharat / state

સુરત નાસીરનગર ડિમોલિશન મામલે હાઇકોર્ટ લાલઘુમ, રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ

સુરતના ચકચારી નાસીરનગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઇ હતી.

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 29, 2026 at 1:56 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: સુરતના ચકચારી નાસીરનગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ડિમાર્કેશનની કામગીરી માટે આટલો મોટો પોલીસ કાફલો ખડકવા અને વીજ પુરવઠો કાપી નાખવા અંગે સરકારની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે એક મહિના પછી પણ સંપૂર્ણ સોગંદનામું રજૂ ન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને સરકારને આગામી 2 જુલાઇ સુધીમાં વિગતવાર જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

નાસીરનગર ડિમોલિશન મામલે હાઇકોર્ટ લાલઘુમ

રાજ્ય સરકાર અને સુરત પોલીસ કમિશનર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું, કે જે થયું તે બનવું જોઇતું નહોતું અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને અનેક ગંભીર સવાલો પૂછ્યા હતા. કોર્ટે પૂછ્યું કે જો માત્ર ડિમાર્કેશન માટે અધિકારીઓ સ્થળ પર ગયા હતા તો આટલી મોટી સંખ્યામાં પોલીસ શા માટે હાજર હતી? ઉચ્ચ અધિકારીઓ કોના આદેશથી સ્થળ પર પહોંચ્યા હતા?રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું કે ડિમાર્કેશન માટે પોલીસને અગાઉથી લેખિત જાણ કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસની મદદ લેવામાં આવી હતી.

હાઇકોર્ટે સરકારને વધુ એક સવાલ કરતાં પૂછ્યું કે એક મહિનો વીતી ગયો છતાં હજુ સુધી સંપૂર્ણ સોગંદનામું કેમ રજૂ કરવામાં આવ્યું નથી? આ સમય દરમિયાન સરકારે શું કાર્યવાહી કરી તે અંગે પણ સ્પષ્ટતા માગી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વીજ પુરવઠો કાપવાના મુદ્દે પણ સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે પૂછ્યું કે વીજળી કાપવાનો નિર્ણય કોના કહેવાથી લેવામાં આવ્યો હતો? અસરગ્રસ્ત પરિવારોના હિત માટે શું પગલાં લેવામાં આવ્યા છે?

ટોરેન્ટ પાવરે કોર્ટમાં જણાવ્યું હતું કે, જ્યારે તેમની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ડિમોલિશનની કામગીરી પહેલાથી જ શરૂ થઈ ચૂકી હતી. તેમને માત્ર ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને તેઓ પહોંચ્યા ત્યાં સુધીમાં વીજ મીટરો તૂટી ચૂક્યા હતા. કંપનીએ દાવો કર્યો કે વીજ પુરવઠો બંધ ન કરવામાં આવ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.

અરજદારો તરફથી એડવોકેટ ધવલ રાણાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે સમગ્ર કાર્યવાહી દરમિયાન અસરગ્રસ્ત પરિવારોના અધિકારોનું ઉલ્લંઘન થયું છે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને અસરગ્રસ્તોને યોગ્ય ન્યાય તથા રાહત આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. હવે આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને વધુ વિગતવાર જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. હવે કેસની આગામી સુનાવણી 2 જુલાઈએ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: