મેઘરજના ડામોરઢુંઢામાં હજારો માછલીઓના રહસ્યમય મોત, દેડકા પણ મૃત હાલતમાં મળતા ચકચાર
મેઘરજના ડામોરઢુંઢા ગામમાં આવેલા સિંચાઇ તળાવમાં હજારો માછલીઓના રહસ્યમયી મોત થતા ચકચાર મચી ગઇ છે

Published : June 2, 2026 at 7:04 PM IST
મોડાસા: મેઘરજના ડામોરઢુંઢા ગામમાં આવેલા સિંચાઇ તળાવમાં હજારો માછલીઓના રહસ્યમયી મોત થતા ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ થતા જ સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હજારો માછલીઓને કિનારા પર મૃત હાલતમાં જોઇ સંબંધિત અધિકારીઓને ઘટનાસ્થળની મુલાકાત લઇ યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી.
માછલીઓના રહસ્યમય મોત
મેઘરજના ડામોરઢુંઢા ગામમાં ગ્રામજનો તળાવ તરફ પહોંચતા તેમણે કિનારા પર અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં જોવા મળી હતી. કેટલીક જગ્યાએ પાણીમાં મૃત માછલીઓ તરતી જોવા મળતી હતી. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. તળાવમાં એક સાથે અસંખ્ય માછલીઓના અચાનક મોત થતાં અનેક પ્રકારની ચર્ચાઓ ઉઠવા પામી છે.
મેઘરજના ડામોરઢુંઢા ગામમાં અંદાજે 60થી 70 વિઘા જેટલા વિસ્તારમાં સિંચાઇ તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓનો ઉછેર કરવામાં આવ્યો હતો. ગત રોજ વિસ્તારમાં આવેલા ભારે પવન અને વાવાઝોડા બાદ સવારે તળાવના કિનારે હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં જોવા મળતા ગામમાં ચકચાર મચી ગઇ છે. તળાવના કિનારે માછલીઓની સાથે સાથે કેટલાક દેડકાઓ પણ મૃત હાલતમાં જોવા મળ્યા હતા. જોકે, હાલ માછલી અને દેડકાઓના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
સ્થાનિક ભરતભાઇએ જણાવ્યા અનુસાર આ તળાવ ગામના ખેડૂતો તેમજ પર્યાવરણ માટે મહત્વનું જળાશય છે. તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ હોવાને કારણે સ્થાનિક જળચર જીવસૃષ્ટિનું સંતુલન પણ જળવાઈ રહેતું હતું. આવી સ્થિતિમાં એકસાથે હજારો માછલીઓના મોતથી પર્યાવરણ પર પણ ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અંગે ડામોરઢુંઢા ગામના સરપંચ અમરાભાઈ ડામોરે જણાવ્યું હતું કે, ગ્રામજનો દ્વારા તેમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. તેઓ તાત્કાલિક તળાવ પર પહોંચ્યા હતા જ્યાં હજારો માછલીઓ મૃત હાલતમાં જોવા મળી હતી. સાથે સાથે કેટલાક દેડકાઓ પણ મરેલા જોવા મળ્યા હતા. સરપંચે જણાવ્યું હતું કે આ ઘટના અત્યંત ગંભીર છે અને તેના પાછળના કારણોની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.
સરપંચ અમરાભાઈ ડામોરે વધુમાં જણાવ્યું હતું કે, માછલીઓના મોત પાછળ કોઈ કુદરતી પરિબળ જવાબદાર છે કે પછી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ છે તે અંગે હાલ કંઈ સ્પષ્ટ કહી શકાય તેમ નથી. પરંતુ આ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી છે અને સમગ્ર મામલે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ઘટનાની જાણ તાત્કાલિક ધોરણે સિંચાઈ વિભાગ તેમજ મેઘરજ પોલીસ મથકને કરવામાં આવી છે. સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈ પાણીના નમૂનાઓ સહિત જરૂરી તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો:

