ETV Bharat / state

વડોદરામાં સરકારી જમીન મામલે યુસુફ પઠાણે હાઈકોર્ટમાં કરેલી અપીલ પરત ખેંચી, સરકારના જવાબની રાહ જોતાં લીધો નિર્ણય

વડોદરા મહાનગર પાલિકા દ્વારા જમીન ફાળવવાના વિવાદમાં સાંસદ યુસુફ પઠાણે ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ તેમણે ડિવિઝન બેન્ચ સમક્ષ કરેલી અપીલ પરત ખેંચી લીધી છે.

યુસુફ પઠાણ
યુસુફ પઠાણ (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 1, 2026 at 7:01 AM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: વડોદરા મહાનગર પાલિકા દ્વારા જમીન ફાળવવાના વિવાદમાં પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણે ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ તેમણે ડિવિઝન બેન્ચ સમક્ષ કરેલી અપીલ બિનશરતી પરત ખેંચી લીધી છે. સરકારી જમીન પર દબાણના આક્ષેપો સાથે જોડાયેલા આ કેસમાં સોમવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

પ્રસ્તુત કેસ વડોદરા શહેરની 978 ચોરસ મીટર સરકારી જમીન સાથે સંકળાયેલો છે. આ જમીન યુસુફ પઠાણને 99 વર્ષની લીઝ પર આપવાની વડોદરા મહાનગરપાલિકાની દરખાસ્ત રાજ્ય સરકાર દ્વારા અગાઉ ફગાવી દેવામાં આવી હતી. યુસુફ પઠાણે અન્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને જમીન ફાળવવાની નીતિનો હવાલો આપીને પોતાનો કેસ સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. જોકે, સરકાર તરફથી આ રજૂઆત અંગે કોઈ પ્રતિસાદ ન મળ્યો હોવાનું હાઈકોર્ટમાં તેમના વકીલ તરફથી જણાવવામાં આવ્યું હતું.

અગાઉ ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા વર્ષ 2025માં આપવામાં આવેલા ચુકાદામાં યુસુફ પઠાણને સરકારી જમીન પર ‘દબાણકર્તા’ ગણાવવામાં આવ્યા હતા. આ ચુકાદા સામે પઠાણ દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.

31 ઓગસ્ટ, સોમવારના રોજ થયેલી સુનાવણી દરમિયાન પઠાણના વકીલ વિધિ ભટ્ટે કોર્ટને જણાવ્યું કે, સરકાર સમક્ષ રજૂઆત કર્યા બાદ પણ કોઈ પ્રતિસાદ મળ્યો નથી અને હાલ સરકાર તરફથી નિર્ણયની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જેના પગલે અપીલ પાછી ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અરજદાર તરફથી હાજર રહેલા વકીલ વિધિ ભટ્ટે કોર્ટ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સરકાર તરફથી કોઈ પ્રતિસાદ ન મળવાના કારણે હાલ અપીલ પર આગળની કાર્યવાહી ન કરવા અને તેને પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે હવે યુસુફ પઠાણની રજૂઆત પર સરકાર શું નિર્ણય લે છે તે બાદ આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો

  1. યુસુફ પઠાણને હાઇકોર્ટની ટકોર: જેટલો વિલંબ કરશો, એટલો દંડ વધશે, 2014થી જમીન પર અનધિકૃત કબ્જાનો મુદ્દો ગરમાયો
  2. સરકારી જમીન કેસમાં યૂસુફ પઠાણે ગુજરાત હાઇકોર્ટમાં ડિવિઝન બેન્ચમાં અપીલ કરી