જૂનાગઢમાં SIRના વિશેષ કેમ્પમાં 10 હજાર કરતા વધુ ફોર્મ ભરાયા, નામ સુધારા-વધારા માટે અંતિમ સમયે લોકોએ લાઇનો લગાવી
જૂનાગઢમાં 3 અને 4 જાન્યુઆરીએ SIRના વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

Published : January 5, 2026 at 12:03 PM IST
જૂનાગઢ: જૂનાગઢમાં શનિવાર અને રવિવારે SIRના વિશેષ કેમ્પમાં 10263 ફોર્મ ભરાયા હતા. સંશોધિત મતદાર યાદી (SIR)માં 19 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ જૂનાગઢમાં ડ્રાફ્ટ યાદીમાં નામ રહી ગયું હોય, સુધારા-વધારા, નવું નામ ઉમેરવા તેમજ નામમાં ભૂલ હોય તે માટે 3 અને 4 જાન્યુઆરીના રોજ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં બે દિવસમાં 10 હજાર 263 જેટલા ફોર્મ ભરાયા હતા.
જૂનાગઢમાં 10 હજાર કરતા વધારે ફોર્મ ભરાયા
સંશોધિત મતદાર યાદીની કામગીરી હવે ધીમે ધીમે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. જૂનાગઢ લોકસભા બેઠક પર આવેલા તમામ મતદાન મથકો પર 3 અને 4 જાન્યુઆરીના રોજ બી.એલ.ઓની વિશેષ ઉપસ્થિતિમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાર યાદીમાં નામ અને સરનામા સુધારા વધારા સાથેનો એક વિશેષ કેમ્પમાં કુલ 10263 જેટલા મતદારોએ આવેદનપત્ર આપીને બી.એલ.ઓને રજૂ કર્યું છે. આગામી દિવસોમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મળેલા આવેદનપત્ર ચકાસી અંતિમ નિર્ણય લેવાશે.
વિશેષ કેમ્પમાં બે દિવસ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં 536 જેટલા મતદારોએ ફોર્મ 06 (નામ નોંધાવવા) રજૂ કર્યું છે તો 2 મતદારોએ ફોર્મ 06 A રજૂ કર્યું છે. 462 જેટલા મતદારોએ ફોર્મ 07 (નામ કાઢવા માટે) રજૂ કર્યું હતું તો સૌથી વધારે 4438 જેટલા મતદારોએ ફોર્મ નંબર 08 (સ્થળાંતર) રજૂ કર્યું હતું.
જૂનાગઢમાં 11 લાખ કરતા વધુ મતદારો નોંધાયા
જૂનાગઢ જિલ્લામાં સંશોધિત મતદાર યાદીનું કામ પૂર્ણ થયા બાદ નવા મતદારોની યાદી જાહેર કરવામાં આવી હતી નવી ડ્રાફ્ટ મતદાર યાદી અનુસાર કૂલ 11 લાખ 49 હજાર 395 જેટલા મતદાર નોંધાયા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા આ યાદી જાહેર કરાઇ છે જેમાં 22 ઓક્ટોબર 2025ની સ્થિતિએ 13,00,344 જેટલા મતદારો જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયા હતા જેમાંથી 1,50,949 જેટલા મતદારોના મામ ડ્રાફ્ટ યાદીમાં સામેલ નહતા. જૂનાગઢમાં ડ્રાફ્ટ યાદીમાં 11 લાખ 49 હજાર 395 જેટલા મતદારો નોંધાયા હતા.

આ પણ વાંચો:

