મોરબી મહાનગરપાલિકા: ઉત્તમભાઈ સુરાણી મેયર, ચિરાગભાઈ રાણપરા ડેપ્યુટી મેયર તરીકે વરણી, જુના જોગીઓના નામ ઉપર કાતર
મહાપાલિકાની નવી બિલ્ડિંગના બીજા માળે આવેલા હોલમાં ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષ સ્થાને આ પ્રથમ બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Published : May 26, 2026 at 9:50 PM IST
મોરબી: મોરબી મહાપાલિકાની તમામ ૫૨ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી થયા છે. જેના કારણે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં વિપક્ષનો કોઈ પ્રભાવ રહેવાનો નથી.
છેલ્લા ઘણા દિવસોથી ભાજપની આંતરિક ખેંચતાણને કારણે મેયર પદ માટે કોણ ચૂંટાશે તેની ચર્ચા ચાલતી હતી. આજે મોરબી મહાપાલિકાના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બોર્ડ બેઠક યોજાઈ હતી, જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પરિપૂર્ણ થઈ. આ ચૂંટણીમાં ઉત્તમભાઈ સુરાણીને મેયર અને ચિરાગભાઈ રાણપરાને ડેપ્યુટી મેયર પદે ચૂંટવામાં આવ્યા છે.
મહાપાલિકાની નવી બિલ્ડિંગના બીજા માળે આવેલા હોલમાં ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષ સ્થાને આ પ્રથમ બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ભાજપના તમામ ૫૨ ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા.
બેઠકમાં અઢી વર્ષ માટે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી નિયમાનુસાર કરવામાં આવી. છેલ્લી ઘડીએ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ તરફથી મેયર અને ડેપ્યુટી મેયર માટે મેન્ડેટ આપવામાં આવ્યા હતા. ચૂંટણી પહેલાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી નિર્મલભાઈ જારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાની ચૂંટણી પૂરી થયા પછી મેયર પદ માટે ભાવેશભાઈ કંઝારીયા, ભૂપતભાઈ જારીયા અને ગણેશભાઈ ડાભીના નામની ચર્ચા હતી. પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા દરમિયાન બે નેતાઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મેયર પદ માટે ભારે ખેંચતાણ જોવા મળી હતી, કારણ કે મેયરની ભલામણ ધારાસભ્યની ટિકિટ માટે મહત્વની બની રહે છે. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં ભાજપ સરપ્રાઈઝ આપે છે, અને આ વખતે પણ એવું જ જોવા મળ્યું.
મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર તરીકે ઉત્તમભાઈ સુરાણી, પ્રથમ ડેપ્યુટી મેયર તરીકે ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતીભાઈ પડસુંભિયા, શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબેન જાડેજા અને દંડક તરીકે જયેશભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.

