ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત: સૌરાષ્ટ્રથી લઈને સાઉથ ગુજરાત સુધી અનેલ જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
રાજ્યમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ થઈ રહ્યો છે.

Published : July 1, 2026 at 4:54 PM IST
|Updated : July 1, 2026 at 6:52 PM IST
અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ થઈ રહ્યો છે. અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જ્યારે વાપી અને કીમ જેવા શહેરી વિસ્તારોમાં પ્રથમ વરસાદે જ પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જી છે.
અમરેલી જિલ્લામાં તોફાની વરસાદ
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. જાફરાબાદ તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા નદી-નાળાઓ છલકાઈ ઉઠ્યા છે.
જાફરાબાદ તાલુકાના પાટી માણસા, મોટા માણસા, લોર, જામકા સહિતના અનેક ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ગામોના રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાંભા ગીર વિસ્તારના ગામોમાં પણ બીજા દિવસે ધોધમાર વરસાદ ચાલુ રહેતા લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.
ખાંભાના મોટા બારમણ, જામકા, ધૂંધવાણા, ખડાધાર, ત્રાકુડા, તાલડા સહિતના ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે. વરસાદ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા સાથે ગાજવીજનો માહોલ સર્જાયો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વાવણી લાયક વરસાદ પડતા સુક્કાભઠ્ઠ બનેલા ખેતરો વરસાદી પાણીથી તરબોળ બન્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોમાં ખુશીની લહેર
ગીર સોમનાથ જિલ્લામાં લાંબી રાહ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં જિલ્લાભરના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. કોડીનાર, સુત્રાપાડા, ગીર ગઢડા તેમજ અન્ય તાલુકાઓના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને વરસાદથી મોટી રાહત મળી છે. વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ નવી આશા જાગી છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે ખેતીની તૈયારીઓમાં લાગી ગયા છે.
ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યત્વે મગફળી, કપાસ, તલ, સોયાબીન, બાજરી, જુવાર અને વિવિધ પ્રકારની કઠોળની ખેતી કરવામાં આવે છે. જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધતાં હવે ખરીફ પાકની વાવણીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જુનાગઢ જિલ્લામાં મેઘરાજાની પધરામણી
અંતે જુનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. ગઈકાલ રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને રાત્રિ દરમિયાન જુનાગઢ સહિત વંથલી, માણાવદર, મેંદરડા, માળીયા અને કેશોદ તાલુકામાં ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો.
આજે બપોરના 2:00 વાગ્યા બાદ અચાનક ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો અને જુનાગઢ સહિત ભેસાણ, કેશોદ, માળીયા, વંથલી, મેંદરડા સહિતના તાલુકામાં ધીમી ધારે અને હળવો વરસાદ પડી રહ્યો છે.
આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની પૂરી શક્યતાઓ આજના પ્રથમ વરસાદથી ઊભી થઈ છે. આજે મોટાભાગના વિસ્તારમાં અડધા ઇંચથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જેમાં માળીયા હાટીના તાલુકામાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે કેશોદ શહેર અને તાલુકામાં પણ એક ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે.
વાપીમાં પ્રથમ વરસાદે જળબંબાકાર
બીજી તરફ, વાપીમાં મોન્સૂનની પ્રથમ ધોધમાર વરસાદે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા સામે લાવી દીધી છે. માત્ર થોડા કલાકો સુધી પડેલા ભારે વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.

ઈસ્ટ અને વેસ્ટ વિસ્તારને જોડતા સૌથી મહત્વપૂર્ણ માર્ગો પૈકીના મોટા ગલનાળા, નાના ગલનાળા અને નવા ગલનાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. રોડ ઉપર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો. સવારે વરસાદના કારણે સ્કૂલ જતાં વિદ્યાર્થીઓને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈને શાળાએ પહોંચવું પડ્યું હતું.
વલસાડ જિલ્લામાં આજે સવારે છેલ્લા બે કલાક દરમિયાન સરેરાશ 37 મિ.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાપી તાલુકામાં 121 મિ.મી. નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારબાદ ઉમરગામમાં 54 મિ.મી., પારડીમાં 43 મિ.મી., વલસાડમાં 37 મિ.મી., નાનાપોંઢામાં 3 મિ.મી. અને કપરાડામાં 1 મિ.મી. વરસાદ નોંધાયો છે.
કીમમાં ગટર વ્યવસ્થા નિષ્ફળ
ઓલપાડ તાલુકાના કીમ ગામમાં પ્રથમ વરસાદે જ તંત્રની ગટર વ્યવસ્થાની નિષ્ફળતા સામે આવી છે. વરસાદના બીજા દિવસે પણ કીમની ટ્રસ્ટ સંચાલિત સાધના હોસ્પિટલ અને અમૃતનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
હોસ્પિટલ કેમ્પસમાં પાણી ભરાઈ રહેતા દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશ ઉમાબેન પટેલે જણાવ્યું હતું કે, તેઓ ગટરના નિકાલ માટે છેલ્લા 15 દિવસમાં 15 વખત સરપંચને મળ્યા છે, પરંતુ ખોટા આશ્વાસન સિવાય કોઈ ઉકેલ મળ્યો નથી. એક દિવસના વરસાદમાં જ તેમના ઘરના બંને બારણાં સુધી પાણી ભરાઈ ગયા છે.

ખેડૂતોમાં આશાનું કિરણ
સમગ્ર રાજ્યમાં થઈ રહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સમયસર વરસાદ મળતા હવે ખેતીની કામગીરીને ગતિ મળશે અને આવનારી સીઝન માટે આશાનું કિરણ દેખાયું છે. હવામાનમાં ઠંડક પ્રસરી જતાં સામાન્ય જનજીવનમાં પણ રાહતનો અનુભવ થયો છે.
જો કે, શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ તંત્રની તૈયારીઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે. લોકોએ વરસાદી પાણીના નિકાલ માટે લાંબા ગાળાનું આયોજન કરવાની માંગ ઉઠાવી છે. હવે જોવાનું એ રહેશે કે આ પ્રથમ વરસાદે ઉભા કરેલા પ્રશ્નોનો તંત્ર શું જવાબ આપે છે.
આ પણ વાંચો...

