ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ અમદાવાદીઓને હજુ વરસાદની રાહ જોવી પડશે, ક્યારે ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Published : June 27, 2026 at 5:46 PM IST
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને ધીમે ધીમે તે આગળ વધી રહ્યું છે. જૂન મહિનાના અંતમાં ગુજરાત પહોંચેલા મેઘરાજાએ ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી દીધી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી આગળ વધતું ચોમાસું ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં વિસ્તરશે અને અમી છાંટણા પાડશે. જોકે અમદાવાદીઓને હજુ પણ આગામી મહિના સુધી વરસાદની રાહ જોવી પડશે.
હવામાન વિભાગ મુજબ, 27મી જૂને મધ્ય ગુજરાતના જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લા સિવાય તમામ જિલ્લામાં છૂટછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે.
28 અને 29 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી, સુરત, નર્મદા, છોટા ઉદેપુર તથા વડોદરા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે 30 જૂન રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે 1લી જુલાઈના રોજ આ જિલ્લા ઉપરાંત રાજકોટમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

2 અને 3 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે અને તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
ખાસ છે કે, હવામાન વિભાગ દ્વારા માછીમારોને 1લી જુલાઈએ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ છે કે, ગુજરાતમાં 15 જૂન સુધીમાં દર વર્ષે ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વખતે કેરળથી આગળ વધેલું ચોમાસું નબળું પડતા તેની ગતિ ધીમી થઈ ગઈ હતી અને મહારાષ્ટ્રમાં તે નિયમ સમયથી મોડું પહોંચ્યું હતું, જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી મોડી થઈ હતી. જેના કારણે ઘણા શહેરોમાં આ વખતે ગરમીનો પારો વધારે દિવસો સુધી 40 કે તેથી વધુ ડિગ્રી નોંધાયો હતો. પરંતુ ચોમાસાની એન્ટ્રીએ લોકો અને ખેડૂતોને મોટી રાહત આપી છે.

