₹4 કરોડનો રનિંગ ટ્રેક પ્રથમ વરસાદમાં જ તૂટી ગયો, લોકાર્પણ પહેલા આવી હાલત થતાં કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
નવસારીમાં લુંસીકુઈ મેદાનમાં અંદાજે ₹4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો આધુનિક સિન્થેટિક રનિંગ ટ્રેક લોકાર્પણ પહેલાં જ ધસી પડતા કોંગ્રેસ કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા છે.

Published : July 7, 2026 at 1:29 PM IST
નવસારી: નવસારી મહાનગરપાલિકાના વિકાસના દાવાઓ પર ચોમાસાના પ્રથમ વરસાદે જ પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. શહેરના ઐતિહાસિક લુંસીકુઈ મેદાનમાં રમતવીરો અને યુવાનો માટે અંદાજે ₹4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો આધુનિક સિન્થેટિક રનિંગ ટ્રેક લોકાર્પણ પહેલાં જ ધસી પડ્યો છે.
સામાન્ય વરસાદમાં જ નવા બનેલા રનિંગ ટ્રેકનો એક ભાગ દોઢ ફૂટ જેટલો બેસી જતાં કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
રમતવીરોને આધુનિક સુવિધા મળે તે હેતુથી બનાવાયેલા આ ટ્રેકનું કામ કન્સલ્ટિંગ એજન્સીની દેખરેખ હેઠળ થયું હોવાનું પાલિકાનો દાવો છે. પરંતુ પ્રથમ વરસાદમાં જ પડેલા ગાબડાએ સ્થાનિકો અને રમતવીરોમાં ભારે અસંતોષ ફેલાવ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચ છતાં ટ્રેકની હાલત જોઈ લોકોમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના કામની ચર્ચા તેજ બની છે.

મેયર આ ઘટનાને સામાન્ય માટી બેસવાની પ્રક્રિયા ગણાવી રહ્યા છે અને ટ્રેકનું સમારકામ ઝડપથી પૂર્ણ થઈ જશે એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. જોકે વિપક્ષ આ દલીલ સ્વીકારવા તૈયાર નથી.

કોંગ્રેસે આ સમગ્ર મામલાને ભ્રષ્ટાચાર સાથે જોડીને સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા છે. પારસી પરિવારો દ્વારા રમતગમત માટે દાનમાં અપાયેલા ઐતિહાસિક મેદાનમાં કરોડો રૂપિયાના ખર્ચ પાછળ કમિશનખોરી થઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે લોકાર્પણ પહેલાં જ ધસી પડેલા આ ₹4 કરોડના પ્રોજેક્ટ માટે જવાબદાર કોણ? શું કોન્ટ્રાક્ટર અને સંબંધિત એજન્સી સામે કડક કાર્યવાહી થશે કે પછી સમારકામના નામે સમગ્ર મામલો દબાવી દેવામાં આવશે?

પ્રથમ વરસાદમાં જ શહેરના રસ્તાઓ સાથે રનિંગ ટ્રેકની હાલત બગડતાં વિકાસના દાવાઓ પર જનતાએ પણ સવાલો ઉઠાવ્યા છે.

