21મી સદીમાં આસ્થાની પરાકાષ્ઠા: વિસનગરના વાળીનાથ ધામમાં પિતાએ 5 વર્ષના પુત્રનું મંદિરમાં કર્યું દાન
માનતા હતી કે દીકરાનો જન્મ થશે તો એક દીકરો વાળીનાથના ચરણોમાં અર્પણ કરશે, સમાજના વડીલોની હાજરીમાં તિલક કરી ભગવા વસ્ત્ર પહેરાવી મહંતને સોંપ્યો.

Published : August 31, 2026 at 9:51 PM IST
મહેસાણા: 21મી સદીના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં જ્યાં લોકો સંતાન સુખ માટે લાખો રૂપિયા ખર્ચે છે, ત્યારે મહેસાણા જિલ્લામાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. વિસનગર તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ તરભ વાળીનાથ મહાદેવ મંદિરમાં એક પરિવારે પોતાના પાંચ વર્ષના જીવતા પુત્રનું મંદિરમાં દાન કરી દીધું છે.
માતા-પિતાએ પોતાની માનતા પૂર્ણ થતાં કાળજાના કટકા સમાન માસૂમ બાળકને ભગવાન વાળીનાથના ચરણોમાં અર્પણ કરી દેતાં સમગ્ર પંથકમાં આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે.
માનતા પૂરી થતાં 5 વર્ષના પુત્રને સોંપી દીધો મંદિરને
મળતી માહિતી મુજબ, રબારી સમાજના મંગલભાઈ રબારી પોતાના પરિવાર સાથે પવિત્ર શ્રાવણ માસના સોમવારના દિવસે તરભ વાળીનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. મંગલભાઈને સંતાનમાં ત્રણ દીકરાઓ છે. તેમણે વાળીનાથ દાદા સમક્ષ આસ્થાપૂર્વક ટેક રાખી હતી કે જો તેમના ઘરે દીકરાનો જન્મ થશે અને સુખ-શાંતિ રહેશે, તો તેઓ પોતાના એક દીકરાને વાળીનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરશે.
માનતા પૂર્ણ થતાં અને પુત્ર 5 વર્ષનો થતાં, પિતા મંગલભાઈ રબારીએ પોતાના ત્રણ દીકરાઓમાંથી સૌથી નાના દીકરાને ભગવા વસ્ત્રો પહેરાવીને વિધિવત રીતે વાળીનાથ મંદિરમાં મહંતશ્રીને સોંપી દીધો હતો. બાળકના હાથમાં દક્ષિણા અને કપાળે તિલક લગાવી સમાજના વડીલોની હાજરીમાં આ દાન કરવામાં આવ્યું હતું.
સનાતન ધર્મ અને વાળીનાથ પરંપરામાં દીકરાનું દાન
આ પ્રથા સંદર્ભે વાળીનાથ ધામના મહંત જયરામગીરી બાપુએ જણાવ્યું હતું કે, વાળીનાથ પરંપરા અને આપણી સનાતન સંસ્કૃતિમાં આ પ્રથા વર્ષો પુરાણી છે. ખાસ કરીને રબારી સમાજ અને ભક્તોમાં વર્ષોથી એવી આસ્થા રહી છે કે ભગવાન બે કે ત્રણ દીકરા આપે ત્યારે એક દીકરાને ધર્મની રક્ષા અને સનાતન સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે મંદિરમાં અર્પણ કરવો.
મહંત જયરામગીરી બાપુના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચેક વર્ષના સમયગાળામાં જ વાળીનાથ પરંપરા અંતર્ગત લગભગ પાંચ જેટલા બાળકો પરિવારો દ્વારા મંદિરમાં અર્પણ કરવામાં આવ્યા છે. આ પરંપરા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મની રક્ષા કરવાનો, ધર્મનો પ્રચાર કરવો અને ભવિષ્યમાં સાધુ-સંત બની સમાજના કલ્યાણ માટે માર્ગદર્શન આપવાનો છે.
"જ્યારે કોઈ બાળકને મંદિરમાં ચઢાવવામાં આવે છે, ત્યારે તેમને તરત જ તપસ્વી બનાવવામાં આવતા નથી. મંદિર બાળકના શિક્ષણ, ઉછેર અને મૂલ્યોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લે છે. બાળક તેમનું શિક્ષણ પૂર્ણ કરે છે અને પુખ્તાવસ્થામાં પહોંચ્યા પછી તેમને સ્વતંત્ર રીતે પૂછવામાં આવે છે કે તેઓ જીવનમાં કયો માર્ગ અપનાવવા માંગે છે. જો તેઓ સ્વેચ્છાએ સંતના જીવનને સ્વીકારવાનું પસંદ કરે તો જ તેમને તપસ્વી પરંપરામાં સામેલ કરવામાં આવે છે. જો તેઓ સાંસારિક જીવન જીવવા માંગતા હોય તો કોઈ દબાણ નથી અને તેઓ બહારની દુનિયામાં પાછા ફરવા માટે સ્વતંત્ર છે." - જયરામગીરી બાપુ, મહંત, વાળીનાથ ધામ
અંધશ્રદ્ધા કે અતૂટ આસ્થા?
આજના આધુનિક વિજ્ઞાન અને કાયદાના યુગમાં પોતાના સગીર બાળકને આ રીતે ધાર્મિક સ્થળે અર્પણ કરી દેવાની ઘટના સામાન્ય નાગરિકો માટે ચોક્કસપણે સ્તબ્ધ કરી દે તેવી છે. જ્યાં બાળ અધિકારો અને આધુનિક શિક્ષણની વાતો થતી હોય, ત્યાં આવી સદીઓ પુરાણી પરંપરાઓ આજે પણ જીવંત હોવી એ સમાજ માટે એક વિચારણીય અને આશ્ચર્યજનક વિષય બની રહે છે. જોકે, શ્રદ્ધાળુ પરિવારો માટે આ ત્યાગ અને સમર્પણની સર્વોચ્ચ પરાકાષ્ઠા માનવામાં આવે છે.
આ પણ વાંચો...
- PM Modi In Mahesana: તરભ વાળીનાથ ધામમાં PM મોદીએ કરી પૂજા, 13 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
- PM Modi In Mahesana: તરભ વાળીનાથ ધામમાં PM મોદીએ કરી પૂજા, કહ્યું - 'દેવ સેવા અને દેશ સેવા એકસાથે થઇ રહી છે'
- Valinath Dham : તરભ શિવમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું, પીએમ મોદી કરશે પૂર્ણાહુતિ

