મહેસાણામાં પંચાલ સમાજે "હમ દો હમારે દો"નો નારો આપ્યો, બીજા સંતાન પર માતાને 25,000નું ઈનામ આપશે
મહેસાણામાં પંચાલ સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને સંયુક્ત પરિવારમાં રહેતી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Published : January 11, 2026 at 8:56 PM IST
મહેસાણા: વર્તમાન સમયમાં મોંઘવારી અને કરિયરની દોડધામમાં મોટાભાગના દંપતીઓ માત્ર એક જ સંતાન સુધી સીમિત રહેવાનું પસંદ કરતા હોય છે, ત્યારે મહેસાણામાં પાટણવાડા અને બાવીસી પંચાલ સમાજે એક અનોખી અને ક્રાંતિકારી પહેલ કરી છે. સમાજમાં ઘટતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને, શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન (VNF) દ્વારા દંપતીઓને બીજું સંતાન લાવવા માટે પ્રોત્સાહિત કરવા આર્થિક પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે.
ઘટતી વસ્તી: સમાજ માટે લાલબત્તી સમાન
રવિવારે મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા અવસર પાર્ટી પ્લોટ ખાતે શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા એક ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય પંચાલ સમાજના અસ્તિત્વને ટકાવી રાખવાનો અને ઘટતી જતી વસ્તી સામે લડવાનો હતો. ફાઉન્ડેશનના પ્રમુખ અને ટ્રસ્ટી સંજય પંચાલના જણાવ્યા અનુસાર, સમાજના ડેટા અને પુસ્તકોના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે લગભગ 50% દંપતીઓ એક જ સંતાન ધરાવે છે.
સંજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, "ઘણા દંપતીઓ પોતાના કેરિયર, મોજશોખ અથવા ખર્ચના કારણે એક બાળકથી આગળ વધતા નથી. પરંતુ ભવિષ્યમાં આ એકલવાયા બાળક માટે જીવન મુશ્કેલ બની શકે છે. બાળકને કોઈ ભાઈ-બહેન હોતા નથી, જેથી ભવિષ્યમાં તેને ટેકો આપનારું કોઈ હોતું નથી. માતા-પિતા અને પ્રથમ બાળકની સુરક્ષા અને ભવિષ્યના સપોર્ટ માટે અમે બીજા સંતાન પર ભાર મૂકી રહ્યા છીએ."
બીજા સંતાન પર 25,000 રૂપિયાનું પ્રોત્સાહન
સમાજમાં જાગૃતિ લાવવા માટે સંસ્થાએ માત્ર વાતો કરવાને બદલે નક્કર પગલાં લીધાં છે. ફાઉન્ડેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પંચાલ દંપતી જો બીજું સંતાન લાવે છે, તો સંસ્થા દ્વારા માતાના નામે 25,000 રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવશે. આ યોજનાનો હેતુ દંપતીઓને આર્થિક રીતે થોડી રાહત આપવાનો અને તેમને વંશવૃદ્ધિ માટે પ્રોત્સાહિત કરવાનો છે. રવિવારના કાર્યક્રમમાં 'દ્વિતીય સંતાન પુરસ્કાર'નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કુશળ કારીગરોની અછતનો ભય
વસ્તી ઘટાડાની સમસ્યાને સામાજિક ઉપરાંત આર્થિક દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવી રહી છે. પંચાલ સમાજ મુખ્યત્વે એન્જિનિયરિંગ અને કારીગરી સાથે સંકળાયેલો સમાજ છે. સંજય પંચાલે ચિંતા વ્યક્ત કરી હતી કે, "અમારા લોહી અને ડીએનએમાં કારીગરી છે. જો વસ્તી ઘટશે તો ભવિષ્યમાં કુશળ કારીગરોની મોટી અછત સર્જાશે. દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં કુશળ પંચાલ કારીગરોનું યોગદાન મહત્વનું છે, તેથી વસ્તીનું સંતુલન જાળવવું જરૂરી છે."
સંયુક્ત પરિવાર અને સંસ્કારોનું જતન
આ મહાસંમેલનમાં માત્ર વસ્તી વધારવાની જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સંયુક્ત પરિવારની પ્રથાને જીવંત રાખવાની પણ વાત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ખાસ કરીને સંયુક્ત પરિવારમાં રહેતી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, "સંયુક્ત કુટુંબ પ્રથા તૂટતી જાય છે ત્યારે જે બહેનો સંયુક્ત પરિવારમાં રહીને સંસ્કૃતિ જાળવી રહી છે, તેમને નવાજવી એ અમારો ધર્મ છે."
સમગ્ર ગુજરાતમાંથી સમાજના આગેવાનો ઉમટ્યા
જોકે આ આયોજન મુખ્યત્વે પાટણવાડા અને બાવીસી પંચાલ સમાજ (મૂળ મહેસાણા જિલ્લો) દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પંચાલ સમાજના આગેવાનો, મંત્રીઓ અને પ્રમુખોએ હાજરી આપી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય એક વરિષ્ઠ આગેવાનોએ જુસ્સાભેર જણાવ્યું હતું કે, "આપણે આપણી લીટી મોટી કરવાની છે. માત્ર સંખ્યા વધારવી એ જ લક્ષ્ય નથી, પરંતુ સંખ્યાની સાથે શૌર્ય, સંસ્કાર અને સ્વાભિમાન પણ વધવું જોઈએ. ક્વોન્ટિટીની સાથે ક્વોલિટી પણ એટલી જ મહત્વની છે."
આ મહાસંમેલનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, યુવક-યુવતી પરિચય મેળો અને લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભવિષ્યમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે 'એક બાળક'ની માનસિકતા છોડવી પડશે અને સમાજને મજબૂત બનાવવા દરેક દંપતીએ ઓછામાં ઓછા બે સંતાનો ઉછેરવા પડશે.
આ પણ વાંચો:

