મહેસાણા: પુનાસણ ગામના ખેતરમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગે એલર્ટ જાહેર કર્યું
આ ઘટનાની જાણ વાયુવેગે આખા ગામમાં અને આસપાસના વિસ્તારોમાં પ્રસરતા ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે.

Published : February 24, 2026 at 2:49 PM IST
મહેસાણા: મહેસાણા મહેસાણા તાલુકાના પુનાસણ ગામમાં ખેતરમાં અચાનક દીપડો દેખાતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ખેતરમાં રોજિંદુ કામ કરી રહેલા એક ખેડૂતે અચાનક આ હિંસક વન્ય પ્રાણીને જોતાં સમયસૂચકતા વાપરીને પોતાના મોબાઈલમાં તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ ઘટનાની જાણ વાયુવેગે આખા ગામમાં અને આસપાસના વિસ્તારોમાં પ્રસરતા ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે.
વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
ગામના ખેતરમાં દીપડો હોવાની માહિતી મળતાં જ સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને મહેસાણાના આર.એફ.ઓ. (RFO), ફોરેસ્ટર સહિત વન વિભાગનો સ્ટાફ તાબડતોબ પુનાસણ ગામ ખાતે દોડી આવ્યો હતો. વન વિભાગની ટીમે ખેતર અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. પદ્ચિહ્નો અને પ્રાથમિક તપાસ બાદ વન વિભાગ દ્વારા એવી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે કે ખેતરમાં જોવા મળેલું પ્રાણી દીપડાનું બચ્ચું છે.
માનવ-પ્રાણી ઘર્ષણ અટકાવવા વન વિભાગની અપીલ
દીપડાની હાજરીને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને માનવ તેમજ દીપડા વચ્ચેનું ઘર્ષણ અટકાવી શકાય તે હેતુથી મહેસાણા વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી એક 'જાહેર સૂચના' બહાર પાડવામાં આવી છે. વન વિભાગે પુનાસણ તેમજ આજુબાજુના ગામના લોકોને સાવચેત રહેવા કડક સૂચના આપી છે અને જાનમાલના રક્ષણ માટે નીચે મુજબની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે:
રાત્રિના સમયે સાવચેતી: ગ્રામજનોએ રાત્રે ખુલ્લામાં સૂવું નહીં અને શૌચક્રિયા માટે ખુલ્લામાં જવાનું ટાળવું. રાત્રિ દરમિયાન ઘરની આસપાસ પૂરતો પ્રકાશ રહે તેવી વ્યવસ્થા કરવી અથવા સતત તાપણું સળગતું રાખવું.
બાળકો અને પશુઓની સુરક્ષા: વહેલી પરોઢે કે રાત્રિના સમયે ઘરની બહાર જવાનું ટાળવું. આ સમયે નાના બાળકોને ક્યારેય એકલા ન મૂકવા. ઢોર ચરાવવા માટે બાળકોને એકલા ન મોકલવા તેમજ રાત્રે જ્યાં ઢોર-ઢાંખર બાંધ્યા હોય ત્યાં સાથે સૂવું નહીં.
ખેતરમાં જતી વખતે ધ્યાન રાખવાની બાબતો: જો રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળવા કે અન્ય કામ માટે જવાનું થાય, તો એકલા જવાને બદલે એકથી વધુ લોકોના સમૂહમાં જવું. હાથમાં લાકડી, ટોર્ચ કે ફાનસ અચૂક રાખવું અને રસ્તામાં મોટેથી વાતો કરતા જવું.
સ્વચ્છતા અને સાવચેતી: ઘરની આસપાસ સાફ-સફાઈ રાખવી. માંસાહારનો ઉપયોગ કર્યા બાદ તેનો એંઠવાડ ઘરથી દૂર જમીનમાં ખાડો કરીને દાટી દેવો. ઘરમાં કોઈ બાકોરું કે ખાલી જગ્યા હોય તો તેને પૂરી દેવી જેથી દીપડો ઘરમાં ઘૂસી ન શકે.
વન વિભાગનો સંપર્ક કરવા તાકીદ
વન વિભાગે ગ્રામજનોને સ્પષ્ટ સૂચના આપી છે કે, જો વન્યપ્રાણી દીપડાની ઘર કે ખેતરની આસપાસ હાજરી જણાય, તો કોઈએ પણ તેની પાસે જવાનો પ્રયાસ કરવો નહીં. તરત જ સલામત અંતરે જતા રહેવું અને તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો. દીપડાને પકડવા આવતા વન વિભાગના સ્ટાફને પૂરતો સહકાર આપવા પણ જણાવાયું છે.
સંપર્ક સૂત્ર:
- આર.એફ.ઓ., મહેસાણા: ૯૮૯૮૧૧૨૦૭૭
- રાઉન્ડ ફોરેસ્ટર, આંબલિયાસણ: ૯૪૨૭૪૫૩૯૬
- વનરક્ષક, આંબલિયાસણ: ૯૭૨૫૯૦૬૨૪૬
આ પણ વાંચો:

