પૈસાદાર, જમીનદાર, GST-ઇન્કમટેક્સ ભરતા રેશન કાર્ડ ધારકોને નહીં મળે રાશન; વેરિફિકેશનમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા
અંદાજે 1.65 લાખ જેટલા લોકોના રેશનકાર્ડ NFSA (સસ્તા અનાજ) ની યાદી નીકળી છે. હવે આ કાર્ડધારકોને સરકારી અનાજ નહીં મળે.

Published : December 31, 2025 at 4:54 PM IST
મહેસાણા: મહેસાણા જિલ્લામાં ગરીબોના હકનું અનાજ ખાઈ જતા ધનવાનો પર પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે. સરકારની વિવિધ એજન્સીઓના ડેટાના આધારે કરાયેલા વેરિફિકેશનમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જિલ્લામાં ઈન્કમટેક્સ ભરતા હોય, કંપનીના ડિરેક્ટર હોય કે પછી મોટી જમીન ધરાવતા હોય તેવા અંદાજે 1.65 લાખ જેટલા લોકોના રેશનકાર્ડ NFSA (સસ્તા અનાજ) ની યાદી નીકળી છે. હવે આ કાર્ડધારકોને સરકારી અનાજ નહીં મળે.
મહેસાણા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (NFSA) હેઠળ સસ્તું અનાજ મેળવતા લાભાર્થીઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ભારત સરકારના વિવિધ પોર્ટલ પરથી મળેલા ડેટાના આધારે 2 લાખ 33 હજાર જેટલા શંકાસ્પદ લાભાર્થીઓનું લિસ્ટ તૈયાર કરાયું હતું. આ તમામની ચકાસણી કરતા અંદાજે 1.65 લાખ જેટલા લોકો અયોગ્ય રીતે અનાજ મેળવતા હોવાનું સામે આવ્યું છે. આ એવા લોકો છે જેઓ આર્થિક રીતે સધ્ધર હોવા છતાં ગરીબો માટેની યોજનાનો ગેરલાભ લઈ રહ્યા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે જિલ્લામાં 16,357 લોકો એવા હતા જેઓ વાર્ષિક લાખો રૂપિયાની આવક ધરાવે છે અને ઈન્કમટેક્સ ભરે છે. આ ઉપરાંત 308 લોકો એવા હતા જેમનું GST ટર્નઓવર 25 લાખથી વધુ હતું. એટલું જ નહીં, વિવિધ પેઢીઓમાં ડિરેક્ટર પદ ધરાવતા 1071 લોકો અને પીએમ કિસાન યોજના મુજબ 5 એકરથી વધુ જમીન ધરાવતા દોઢ લાખથી વધુ જમીનદારો પણ મફત અથવા સસ્તું અનાજ લેતા આંકડા બહાર આવ્યા છે.
આંકડાકીય વિગતો જોઈએ તો,
- 233804 રેશનકાર્ડ ધારકોની તપાસ કરાઈ
- 233756 રેશનકાર્ડનું વેરીફીકેશન થયું
- 99.98 ટકા વેરીફીકેશન થયું
- 12 કેટેગરી મુજબ તપાસ કરાઈ
- 25 લાખથી વધુ ટર્ન ઓવર ધરાવતા કાર્ડ ધારકોની તપાસ કરાઈ
- 6 લાખથી વધુ ઈનકમ ધરાવતા હોય તેવા કાર્ડ ધારકોની તપાસ કરાઈ
- મંડળીના ડિરેક્ટર હોય તેવા કાર્ડ ધારકોની તપાસ કરાઈ
- જમીન ધારણ કરેલ હોય તેવા કાર્ડ ધારકોની તપાસ કરાઈ
- સાયલેન્ટ રેશન કાર્ડ પણ શોધી કાઢવામાં આવ્યા
- 308 કાર્ડ - 25 લાખથી વધુ GST ટર્ન ઓવરવાળા મળ્યા
- 16357 કાર્ડ - 6 લાખથી વધુ આવક વાળા મળ્યા
- 1071 કાર્ડ - મંડળીના ડિરેક્ટર હોય તેવા મળ્યા
- 165532 Pm કિસાન ડેટા મુજબ જમીન 2.47 એકરથી વધુ ધરાવતા હોય એવા મળ્યા
- 44523 સાયલેન્ટ રેશનકાર્ડ મળ્યા
જિલ્લા પુરવઠા અધિકારી બીરેન પટેલના જણાવ્યા અનુસાર, મહેસાણાના તમામ 10 તાલુકામાં વેરિફિકેશન પ્રક્રિયા 100 ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે. શંકાસ્પદ જણાતા લોકોને નોટિસ પાઠવી ખુલાસો પૂછવામાં આવ્યો. જેઓ યોગ્ય પુરાવા રજૂ નથી કરી શક્યા અથવા માપદંડમાં આવતા નથી, તેમના રેશનકાર્ડને 'નોન-એનએફએસએ' (Non-NFSA) કેટેગરીમાં ફેરવી દેવામાં આવ્યા છે. હવે આ કાર્ડ માત્ર ઓળખના પુરાવા તરીકે જ ચાલશે, તેના પર અનાજ મળશે નહીં.
આ પણ વાંચો:

