મહેસાણામાં 9 મહિનામાં 341 સગીર ગર્ભાવસ્થા, સમાજને હચમચાવી નાખતા આંકડાઓ
મહેસાણા જિલ્લામાં સગીર વયે ગર્ભધારણના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.

Published : December 11, 2025 at 1:20 PM IST
મહેસાણા : જિલ્લામાં તાજેતરમાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓએ સમગ્ર સમાજ અને તંત્રને હચમચાવી દીધું છે. "બેટી બચાવો, બેટી પઢાવો"ના નારાઓ વચ્ચે મહેસાણા જિલ્લામાં સગીર વયે ગર્ભધારણના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.
એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025 સુધીના માત્ર 9 મહિનાના ટૂંકા ગાળામાં જિલ્લામાં કુલ 341 જેટલી સગીર કિશોરીઓ ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. આ આંકડા માત્ર સંખ્યા નથી, પરંતુ સમાજ માટે એક મોટી લાલબત્તી સમાન છે.
આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર,
13 થી 17 વર્ષની વયની કિશોરીઓમાં ગર્ભધારણનું પ્રમાણ આઘાતજનક છે. આ 341 કેસોનું વિશ્લેષણ કરીએ તો, 14 વર્ષની 2 કિશોરીઓ, 15 વર્ષની 34 કિશોરીઓ, 16 વર્ષની 76 કિશોરીઓ અને 17 વર્ષની સૌથી વધુ 229 કિશોરીઓ ગર્ભવતી બની છે. આ તમામ કિશોરીઓ શારીરિક અને માનસિક રીતે માતૃત્વ ધારણ કરવા માટે સક્ષમ હોતી નથી, છતાં બાળલગ્ન કે અન્ય સામાજિક કારણોસર તેમને આ સ્થિતિમાં મુકાવું પડ્યું છે. તાલુકાવાર જોઈએ તો, સૌથી વધુ કડી તાલુકામાં 88 અને મહેસાણા તાલુકામાં 80 સગીરાઓ ગર્ભવતી હોવાનું નોંધાયું છે.
12 વર્ષની બાળકી ગર્ભવતી: સમાજ માટે શરમજનક કિસ્સો
આ આંકડાઓની વચ્ચે મહેસાણામાં એક અત્યંત સંવેદનશીલ અને હૃદયદ્રાવક કિસ્સો પણ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગના સર્વે દરમિયાન એક માત્ર 12 વર્ષની કિશોરી સગર્ભા હોવાનું ખૂલતા ચકચાર મચી ગઈ હતી. 12 વર્ષની ઉંમર કે જે રમવા-કૂદવાની અને ભણવાની હોય છે, તે ઉંમરે બાળકી પર ગર્ભધારણની જવાબદારી આવી પડી હતી.
આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. આરોગ્ય અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકીના પરિવારનું સઘન કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. બાળકીની શારીરિક નાજુક સ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને પરિવારની સહમતિ બાદ ગત 4 ડિસેમ્બરના રોજ તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.

બાળલગ્ન અને કાયદાકીય કાર્યવાહિ
આ 12 વર્ષની બાળકીના કિસ્સામાં બાળલગ્ન જવાબદાર હોવાનું પ્રાથમિક તારણ છે. જાણવા મળતી વિગતો મુજબ, બાળકીના સાસરિયા પક્ષમાં તેના સસરાનું અવસાન થઈ ચૂક્યું છે, તેથી બાળલગ્ન કરાવવા બદલ બાળકીના પિતા સામે કાયદાકીય કાર્યવાહી અને પોલીસ ફરિયાદ થઈ શકે છે. આ ઉપરાંત, આ પીડિત કિશોરી નિરક્ષર હોવાનું પણ સામે આવ્યું છે. તેથી હવે બાળ સુરક્ષા એકમ દ્વારા આ કિશોરીને શિક્ષણ પૂરું પાડવા અને તેનું પુનર્વસન કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બાળલગ્નના પુરાવા એકત્રિત કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
આરોગ્ય વિભાગની સતર્કતા
આ ગંભીર આંકડાઓ સામે આવ્યા બાદ જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે. આરોગ્ય વિભાગ દ્વારા ગર્ભવતી બનેલી તમામ 341સગીરાઓના સ્વાસ્થ્યની વિશેષ ચકાસણી કરવામાં આવી રહી છે. નાની ઉંમરે ગર્ભધારણ કરવાથી એનિમિયા, કુપોષણ અને પ્રસૂતિ સમયે મૃત્યુનું જોખમ રહેલું હોય છે, તેથી આ કિશોરીઓની સતત તબીબી દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટનાક્રમ સમાજમાં પ્રવર્તતા બાળલગ્નના દૂષણ અને દીકરીઓના શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા તરફ અંગુલિનિર્દેશ કરે છે. તંત્ર પોતાની કામગીરી કરી રહ્યું છે, પરંતુ સમાજે પણ જાગૃત થઈને દીકરીઓને "મા" નહીં પણ "શિક્ષિત નાગરિક" બનાવવા તરફ ધ્યાન આપવું અત્યંત આવશ્યક છે.
આ પણ વાંચો...

