મહેસાણા: 5 મિનિટમાં ગાડીની ચોરી કરતા હાઈટેક ચોર ઝડપાયા; 3 કાર સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત
ફિલ્મોમાં જોવા મળે તેવી હાઇટેક ચોરીનો મહેસાણા એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે.

Published : February 25, 2026 at 5:39 PM IST
મહેસાણા: મહેસાણા જિલ્લામાં ક્રાઈમની દુનિયાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફિલ્મોમાં જોવા મળે તેવી હાઇટેક ચોરીનો મહેસાણા એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ચોર કોઈ સામાન્ય સાધનોથી નહીં, પણ ડિજિટલ ટેબલેટ અને સોફ્ટવેરની મદદથી વાહનની સિસ્ટમ હેક કરીને માત્ર 5 જ મિનિટમાં કારની ચોરી કરતા હતા. ઓન-ડિમાન્ડ ચોક્કસ મોડેલ અને કલરની કાર ચોરીને દિલ્હીથી મુંબઈ વેચવા જતા આ ગઠિયાઓ પોલીસના હાથે કેવી રીતે ઝડપાયા અને શું છે તેમની મોડસ ઓપરેન્ડી?
મહેસાણા એલસીબી અને બી-ડિવિઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન નાગલપુર કોલેજ ત્રણ રસ્તા પાસેથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ સફેદ સ્વિફ્ટ ડીઝાયર ગાડીને રોકતા એક મોટા આંતરરાજ્ય વાહન ચોર નેટવર્કનો ભાંડો ફૂટ્યો હતો. ગાડીમાં બેઠેલા ઉત્તરાખંડના સલીમ નાનુ યામીન પઠાણ અને મુંબઈના સૈયદ ઇફાજુલ હસનની કડક પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપી સલીમ અગાઉ દિલ્હીમાં મારુતિ સુઝુકી કંપનીમાં કામ કરી ચૂક્યો હોવાથી કારની ટેકનિકલ સિસ્ટમનો એક્સપર્ટ છે. આરોપી કબૂલાત કરી રહ્યો છે કે તે કબાડીવાળાઓ પાસેથી ચોક્કસ મોડેલ અને કલરની કાર ચોરવાનો ઓર્ડર લેતો હતો. રાત્રિના સમયે પાર્ક કરેલી કારનો કાચ તોડી, અંદર ઘૂસીને ઓટેલ (Autel) કંપનીના મેક્સી મોડલના ટેબલેટ મારફતે કારના સોફ્ટવેરને હેક કરી લેતો. જૂની ચાવીનો ડેટા ડિલીટ કરી, પોતાની પાસે રહેલી નવી ચાવી તેમાં પ્રોગ્રામ કરી માત્ર પાંચ જ મિનિટમાં ગાડી ચોરી લેતો. આ હાઇટેક ચોર એક ગાડી 50 થી 60 હજાર રૂપિયામાં વેચી મારતા હતા.
આ હાઇટેક ચોરી અંગે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ શખ્સો પાસેથી એક સ્વિફ્ટ ડીઝાયર અને બે બલેનો કાર મળી કુલ ત્રણ ફોરવ્હીલર જપ્ત કરવામાં આવ્યા છે. સાથે જ 4 મોબાઈલ ફોન, ગાડીઓની અલગ અલગ 10 ચાવીઓ, વાઈફાઈ રાઉટર, અને કાર હેક કરવા માટે વપરાતું 5000 રૂપિયાની કિંમતનું ટેબલેટ મળી કુલ 15,43,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આ વાહનો દિલ્હી અને ગાઝિયાબાદથી ચોરાયેલા છે અને આરોપીઓ તેને મહારાષ્ટ્રના મુંબઈ ખાતે વેચવા જઈ રહ્યા હતા. આ અગાઉ પણ તેઓ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાંથી 10 થી વધુ કારની ચોરી કરી ચૂક્યા છે. આ આખી સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર દિલ્હીનો રહેવાસી સરફરાજ છે, જે હાલ વોન્ટેડ છે.
ટેક્નોલોજીનો વિકાસ આમ તો માણસની સુવિધા માટે થયો છે, પરંતુ જ્યારે આવા ભેજાબાજ ગુનેગારો આ જ ટેક્નોલોજીનો હથિયાર તરીકે ઉપયોગ કરવા લાગે ત્યારે પોલીસ માટે પણ મોટો પડકાર ઊભો થાય છે. જોકે, મહેસાણા પોલીસની સતર્કતાને કારણે લાખો રૂપિયાની કારને ડિજિટલી હેક કરી ચોરતી આ આંતરરાજ્ય ટોળકી આજે જેલના સળિયા પાછળ છે. હવે જોવું એ રહેશે કે વોન્ટેડ આરોપી સરફરાજ ક્યારે પોલીસના સકંજામાં આવે છે અને આ માસ્ટરમાઇન્ડ ગેંગના તાર અન્ય કયા રાજ્યો સાથે જોડાયેલા છે, તે તો પોલીસ તપાસમાં જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:

