ETV Bharat / state

મહેસાણામાં શિક્ષકની બદલીને લઈને વિવાદ છેડાયો, શિક્ષિકાએ લગાવ્યા ગંભીર આક્ષેપો

તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેશભાઈ ચૌધરીએ અગાઉ લાભ લીધા બાદ, હવે તેમના પત્નીને પણ આ જ લાભ આપી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

મહેસાણામાં શિક્ષકની બદલીને લઈને વિવાદ છેડાયો
મહેસાણામાં શિક્ષકની બદલીને લઈને વિવાદ છેડાયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 4, 2026 at 5:26 PM IST

2 Min Read
Choose ETV Bharat

મહેસાણા : જિલ્લામાં શિક્ષકોની આંતરિક બદલીનો મુદ્દો ગરમાયો છે. એક તરફ રાજ્ય સરકાર પારદર્શક વહીવટની વાતો કરે છે, તો બીજી તરફ મહેસાણા શિક્ષણ વિભાગમાં નિયમોનો ઉલાળિયો થતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આરોપ છે કે શિક્ષક દંપતી કેસમાં 'એક જ વાર લાભ' મળવાનો નિયમ હોવા છતાં, એક વગદાર હોદ્દેદારના કિસ્સામાં પતિ બાદ હવે પત્નીને પણ બદલીનો લાભ આપી દેવાયો છે. જેના કારણે વર્ષોથી રાહ જોઈને બેઠેલા સિનિયર શિક્ષકોને અન્યાય થયો છે.

શું છે સમગ્ર મામલો?

મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની બદલીના હુકમો હાલ વિવાદનું કેન્દ્ર બન્યા છે. ગોરાદ પ્રાથમિક શાળાના શિક્ષિકા ચારુલતાબેનની બદલી મહેસાણા ખાતે કરવામાં આવી છે, જેની સામે અન્ય સિનિયર શિક્ષિકા માયાબેન પટેલે બળપો ઠાલવ્યો છે. નિયમ મુજબ દંપતી કેસમાં પતિ કે પત્ની બેમાંથી એકને જ અને સમગ્ર નોકરી દરમિયાન એક જ વાર બદલીનો લાભ મળી શકે છે. પરંતુ આ કિસ્સામાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેશભાઈ ચૌધરીએ અગાઉ લાભ લીધા બાદ, હવે તેમના પત્નીને પણ આ જ લાભ આપી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

મહેસાણામાં શિક્ષકની બદલીને લઈને વિવાદ છેડાયો (ETV Bharat Gujarat)

શિક્ષિકા માયાબેન પટેલનું કહેવું છે કે, તેમની 27 વર્ષની નોકરી હોવા છતાં તેમનો નંબર નથી લાગ્યો, જ્યારે નિયમ વિરુદ્ધ જઈને લાગવગના જોરે અન્યની બદલી કરી દેવામાં આવી છે.

નવાઈની વાત એ છે કે, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જે અરજી નામંજૂર કરવા અભિપ્રાય આપ્યો હતો, તેને જિલ્લા કક્ષાએથી લીલીઝંડી આપી દેવામાં આવી છે.

મહેસાણામાં શિક્ષકની બદલીને લઈને વિવાદ છેડાયો
મહેસાણામાં શિક્ષકની બદલીને લઈને વિવાદ છેડાયો (ETV Bharat Gujarat)

બીજી તરફ, આ ગંભીર આક્ષેપો મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શરદ ત્રિવેદીને પૂછવામાં આવ્યું કે, નિયમ વિરુદ્ધ બે વાર લાભ કેમ અપાયો? ત્યારે તેમણે કહ્યું કે, સરકારના ઠરાવો અને જોગવાઈઓ મુજબ જ કામગીરી થઈ છે. તેમણે એમ પણ કહ્યું કે, વડી કચેરીના માર્ગદર્શન બાદ જ આ મંજૂરી અપાઈ છે.

જોકે, બદલીના આ આદેશમાં તાલુકા કક્ષાએથી થયેલી નામંજૂરી કેમ ધ્યાને ન લેવાઈ તે અંગે તેઓ કોઈ સ્પષ્ટ ખુલાસો કરી શક્યા ન હતા. તેમણે ફરિયાદીને રાજ્ય ફરિયાદ નિવારણ સમિતિમાં રજૂઆત કરવાનો રસ્તો બતાવ્યો હતો.

ડૉ. શરદ ત્રિવેદી - જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી)
ડૉ. શરદ ત્રિવેદી - જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (ETV Bharat Gujarat)

હાલ આ મામલે શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. વર્ષ 2012 અને 2023ના પરિપત્રો સ્પષ્ટ કહે છે, કે દંપતી કેસનો લાભ એક જ વાર મળે. ત્યારે સવાલ એ થાય છે કે શું શિક્ષણ વિભાગના નિયમો માત્ર સામાન્ય શિક્ષકો માટે જ છે? શું હોદ્દેદારો માટે નિયમો બદલાઈ જાય છે? જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો...

  1. સુરેન્દ્રનગર: શાળામાં શિક્ષા લેવા આવેલા બાળકોને હાથમાં સાવરણા પકડાવીને સફાઈ કરાવી! તપાસના આદેશ અપાયા
  2. ગુજરાત સરકારનો ફરી યુ-ટર્ન, નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ