મહેસાણા ભાજપમાં મોટો ભડકો: પક્ષ વિરોધી કામગીરી કરનારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત 6 નેતાઓ સસ્પેન્ડ
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬માં મહેસાણા જિલ્લામાં પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને બળવો કરનાર નેતાઓ સામે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

Published : April 16, 2026 at 6:32 PM IST
મહેસાણા: ભારતીય જનતા પાર્ટી (BJP) શિસ્તબદ્ધ પાર્ટી હોવાનો હંમેશા દાવો કરે છે અને જ્યારે કોઈ નેતા કે કાર્યકર પાર્ટીની લાઇનથી બહાર જઈને કામ કરે છે, ત્યારે પાર્ટી દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬માં મહેસાણા જિલ્લામાં પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને બળવો કરનાર નેતાઓ સામે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ આર. રાજગોર દ્વારા સત્તાવાર આદેશ જારી કરીને પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર 6 જેટલા સક્રિય સભ્યો અને પૂર્વ હોદ્દેદારોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
કયા નેતાઓ પર થઈ કાર્યવાહી?
મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા તારીખ 16/4/2026 ના રોજ અલગ-અલગ 6 સસ્પેન્શન ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. જેમાં વડનગર, કડી, વિજાપુર અને વિસનગર તાલુકાના નેતાઓનો સમાવેશ થાય છે. જે નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના નામ અને હોદ્દા નીચે મુજબ છે:
- ૧. જયંતીભાઈ એલ. પટેલ (પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયત - મુ. સુંઢીયા, તા. વડનગર): તેઓએ પોતાના દીકરાને અપક્ષમાં ઉમેદવારી કરાવીને પાર્ટીને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિ કરી હતી અને દીકરાને મદદ કરી હતી.
- ૨. ચિન્કલભાઈ જે. પટેલ (સક્રિય સભ્ય - મુ. સુંઢીયા, તા. વડનગર): તેઓએ અપક્ષમાં ઉમેદવારી કરીને પાર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું.
- ૩. અવિનાશભાઈ બીપીનભાઈ ચાવડા (સક્રિય સભ્ય - મુ. આદરજ, તા. કડી): તેઓએ ભાજપ વિરુદ્ધ જઈને સીધી રીતે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવીને ગેરશિસ્ત આચરી હતી.
- ૪. કિરણજી ચેલાજી ઠાકોર (શક્તિકેન્દ્ર સંયોજક - મુ. સુલીપુર, તા. વડનગર): તેઓએ પણ પાર્ટીના આદેશની અવગણના કરી અપક્ષ ઉમેદવારી કરી હતી.
- ૫. વિજયભાઈ ગોવિંદભાઈ પટેલ (સક્રિય સભ્ય - મુ. ટીટોદણ, તા. વિજાપુર): સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
- ૬. દર્શનભાઈ ભીખુભાઈ પરમાર (પૂર્વ કોર્પોરેટર - મુ. વિસનગર, તા. વિસનગર): તેઓએ પણ પાર્ટી વિરુદ્ધ જઈને અપક્ષ ઉમેદવારી કરીને ગેરશિસ્ત વર્તન કર્યું હતું.
પાર્ટીએ પત્રમાં શું કહ્યું?
જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જારી કરાયેલા પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, "તાજેતરની સ્થાનિક સ્વરાજ ચૂંટણી-2026માં આપના દ્વારા અપક્ષમાં/કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારી કરીને પાર્ટીને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિ કરેલ છે. આપ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક તેમજ સક્રિય સભ્ય છો. છતાં પણ પાર્ટી વિરુદ્ધમાં જઈને તમે ઉમેદવારી કરી ગેર શિસ્ત કરેલ છે." પત્રમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે આપના આ ગેરશિસ્ત વર્તનની પાર્ટીએ ગંભીર નોંધ લીધી છે અને પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ ગણીને તમામ હોદ્દા તેમજ પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.
અન્ય કાર્યકરો માટે લાલબત્તી સમાન કાર્યવાહી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ટિકિટ વહેંચણી વખતે ઘણીવાર અસંતોષ જોવા મળતો હોય છે. જે કાર્યકરોને ટિકિટ નથી મળતી તેઓ ક્યારેક રોષે ભરાઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી દેતા હોય છે અથવા તો સામે પક્ષેથી ચૂંટણી લડતા હોય છે. જેના કારણે પાર્ટીના સત્તાવાર ઉમેદવારના મતોનું વિભાજન થાય છે અને પાર્ટીને સીધું નુકસાન ભોગવવાનો વારો આવે છે. મહેસાણા જિલ્લો ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યારે સંગઠનને મજબૂત રાખવા અને પાર્ટીમાં શિસ્ત જાળવી રાખવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે.
ખાસ કરીને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેવા મોટા ગજાના નેતા સામે પણ કોઈ શેહશરમ રાખ્યા વિના સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવતા, જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ કાર્યવાહી દ્વારા ભાજપના પ્રદેશ અને જિલ્લા નેતૃત્વએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે પાર્ટી કોઈ એક વ્યક્તિથી મોટી છે અને ગમે તેવો મોટો નેતા કેમ ન હોય, જો તે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરશે તો તેને કોઈ પણ કાળે સાંખી લેવામાં આવશે નહીં. આ સસ્પેન્શન ઓર્ડરની નકલો જે તે તાલુકા અને શહેર ભાજપ પ્રમુખોને પણ જાણ સારું મોકલી દેવામાં આવી છે. 6 વર્ષના લાંબા સમયગાળા માટે કરાયેલા આ સસ્પેન્શનને પગલે બળવાખોર નેતાઓનું રાજકીય ભવિષ્ય હાલ પૂરતું અંધકારમય બની ગયું છે.
આ પણ વાંચો:

