ETV Bharat / state

મહેસાણા: ભાવેશ ઝીલીયા પર ફાયરિંગ અને જીવલેણ હુમલાનો પર્દાફાશ: 6 શાતિર આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર હજુ ફરાર

નાગલપુર ચાર રસ્તા પાસે ભાવેશ ઝીલીયા પર કારની ટક્કર મારી ફાયરિંગ કરનારા છ આરોપીઓ પકડાયા

નાગલપુર ચાર રસ્તા પાસે ભાવેશ ઝીલીયા પર કારની ટક્કર મારી ફાયરિંગ કરનારા છ આરોપીઓ પકડાયા
નાગલપુર ચાર રસ્તા પાસે ભાવેશ ઝીલીયા પર કારની ટક્કર મારી ફાયરિંગ કરનારા છ આરોપીઓ પકડાયા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 2, 2026 at 9:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

મહેસાણા: શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા નાગલપુર ચાર રસ્તા પાસે તાજેતરમાં જ ભાવેશ ઝીલીયા નામના યુવક પર ફિલ્મી ઢબે કાર વડે ટક્કર મારીને ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ચકચારી ઘટનામાં પોલીસે સઘન તપાસ હાથ ધરીને ગુનામાં સંડોવાયેલા દસથી અગિયાર શખ્સો પૈકીના છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મહેસાણાના ડીવાયએસપી મિલાપ પટેલે પત્રકાર પરિષદ યોજીને આ સમગ્ર ઘટનાક્રમ, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અને પોલીસની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ હુમલો કોઈ સામાન્ય ઘટના ન હતી, પરંતુ એક સંપૂર્ણ સુનિયોજિત કાવતરું હતું.

ડીવાયએસપી મિલાપ પટેલના જણાવ્યા અનુસાર, આરોપીઓએ આ હુમલાને અંજામ આપવા માટે અગાઉથી જ ઝીણવટભર્યું પ્લાનિંગ કર્યું હતું અને ત્રણ અલગ-અલગ ગાડીઓનો ઉપયોગ કર્યો હતો. જેમાં એક બલેનો કાર, એક કાળા કલરની સ્કોર્પિયો અને એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી સામેલ હતી. હુમલો કરતા પહેલા બલેનો ગાડીનો ઉપયોગ કરીને વિસ્તારની રેકી કરવામાં આવી હતી. ત્યારબાદ, ટાર્ગેટ નક્કી થતાં જ કાળા કલરની સ્કોર્પિયો કાર વડે જોરદાર ટક્કર મારવામાં આવી હતી અને ત્યારબાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કાળા કલરની સ્કોર્પિયોથી હુમલો નિષ્ફળ જાય અથવા કોઈ અડચણ આવે તો બેકઅપ પ્લાન તરીકે સફેદ કલરની સ્કોર્પિયો પણ રિઝર્વમાં સાથે જ રાખવામાં આવી હતી. મહેસાણા પોલીસે આ ત્રણેય ગાડીઓ જપ્ત કરી લીધી છે. હુમલાખોરોએ મહેસાણા શહેરમાં પ્રવેશવા માટે એવા અંતરિયાળ રસ્તાઓનો ઉપયોગ કર્યો હતો જ્યાં સીસીટીવી કેમેરા ન હોય, જેથી તેઓ પોલીસની નજરથી બચી શકે.

નાગલપુર ચાર રસ્તા પાસે ભાવેશ ઝીલીયા પર કારની ટક્કર મારી ફાયરિંગ કરનારા છ આરોપીઓ પકડાયા (ETV Bharat Gujarat)

આ કેસમાં પોલીસે જે છ આરોપીઓની ધરપકડ કરી છે, તેઓ તમામ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. ઝડપાયેલા આરોપીઓમાં યુવરાજસિંહ ઉર્ફે કંટ્રોલ (રહે. દરબારગઢ, માંડલ, અમદાવાદ) છે જેના પર અગાઉ બે ગુના નોંધાયેલા છે. બીજો આરોપી શક્તિસિંહ ઉર્ફે લાલો (રહે. વીરસુડા, જોટાણા) છે જેના પર એક ગુનો નોંધાયેલો છે. ત્રીજો આરોપી આર્યન ઉર્ફે આર્યન પટેલ (રહે. મહેસાણા, મૂળ રહે. પીંપળ, ચાણસ્મા, પાટણ) છે. ચોથો આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દીકુભા (રહે. મગુના, મહેસાણા) છે, જેના પર અગાઉ ચાર જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પાંચમો આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે દેગુભા ઝાલા (રહે. તેજપુરા, જોટાણા, મહેસાણા) છે, તેના પર પણ અગાઉ ચાર ગુના દાખલ થયેલા છે. જ્યારે છઠ્ઠો આરોપી યુવરાજસિંહ ઉર્ફે ગગુભા વિનુભા ઝાલા (રહે. મગુના) છે, જેની સામે અગાઉ બે ગુના નોંધાયેલા છે. આમ, ઝડપાયેલા તમામ શખ્સો રીઢા ગુનેગારો છે.

આ સમગ્ર જીવલેણ હુમલાનું કાવતરું રચનાર અને મુખ્ય સૂત્રધાર કટોસણનો રહેવાસી જોરાવરસિંહ ઉર્ફે ભાણુભા છે. જોરાવરસિંહ સામે ભૂતકાળમાં સાત જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં આ મુખ્ય આરોપી પોલીસ પકડથી બહાર છે અને ફરાર થઈ ગયો છે. આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો હતો અને તેની પાછળનું મુખ્ય હેતુ શું હતો, તે મુખ્ય આરોપી જોરાવરસિંહની ધરપકડ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

સોશિયલ મીડિયા પર આ ઘટનાને ગેંગ વોર કે બે સમાજ વચ્ચેની લડાઈ તરીકે દર્શાવવામાં આવી રહી હતી, પરંતુ ડીવાયએસપી મિલાપ પટેલે આ વાતનું સખત ખંડન કર્યું હતું. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ કોઈ ગેંગ વોર કે બે સમાજ વચ્ચેની અથડામણ નથી. આ માત્ર ને માત્ર અમુક લુખ્ખા તત્વો અને અસામાજિક ટોળકીઓનું કૃત્ય છે. આવા તત્વો ક્યારેય કોઈ સભ્ય સમાજનો હિસ્સો હોઈ શકે નહીં.

વધુમાં, ડીવાયએસપી પટેલે સમાજ અને ખાસ કરીને યુવાનોને એક કડક સંદેશ આપતા જણાવ્યું હતું કે, આવા અસામાજિક તત્વો સોશિયલ મીડિયાનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. તેઓ પોતાના હથિયારો સાથેના અથવા ગુનાહિત પ્રવૃત્તિઓના વિડીયો સોશિયલ મીડિયા પર મૂકીને પોતાનું ગ્લોરિફિકેશન (મહિમામંડન) કરવાનો પ્રયાસ કરે છે. યુવાનોએ આવા વિડીયો જોઈને તેમને લાઈક કે શેર કરવાથી બચવું જોઈએ. આવા તત્વોને મળતી લાઈક્સ અને વ્યુઝ તેમના ગુનાહિત મનોબળને વધારે છે. સભ્ય સમાજના નાગરિકોએ આવા અસામાજિક તત્વોની સોશિયલ મીડિયા પોસ્ટને તરત જ રિપોર્ટ કરી તેમને બ્લેકલિસ્ટ કરાવવા જોઈએ, જેથી સમાજમાં શાંતિ જળવાઈ રહે.

હાલમાં મહેસાણા પોલીસે પકડાયેલા તમામ છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. મુખ્ય આરોપી જોરાવરસિંહને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે.

આ પણ વાંચો: