ETV Bharat / state

મહેસાણાના 10 ગામોમાં સ્ત્રી જન્મદર 800થી ઓછો, જન્મદર સુધારવા હવે સરપંચોને સોંપાઈ ખાસ જવાબદારી

મહેસાણા જિલ્લામાં 1000 પુરુષોની સામે સ્ત્રીઓના જન્મદરમાં જોવા મળતો મોટો તફાવત તંત્ર માટે પડકારરૂપ બન્યો છે.

મહેસાણાના 10 ગામોમાં સ્ત્રી જન્મદર 800થી પણ ઓછો
મહેસાણાના 10 ગામોમાં સ્ત્રી જન્મદર 800થી પણ ઓછો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 6, 2026 at 8:19 PM IST

2 Min Read
Choose ETV Bharat

મહેસાણા: મહેસાણા જિલ્લામાં સતત ચિંતાનો વિષય બનેલા સ્ત્રી જન્મદરને સુધારવા માટે તંત્રએ હવે એક નવતર પહેલ કરી છે. અત્યાર સુધી ગાયનેક તબીબો પર બાજ નજર રાખતું આરોગ્ય તંત્ર હવે સામાજિક બદલાવ લાવવા માટે સરપંચોના શરણે પહોંચ્યું છે. જિલ્લાના એવા 10 ગામો પસંદ કરવામાં આવ્યા છે, જ્યાં દીકરીઓનો જન્મદર ચિંતાજનક રીતે ઓછો છે. હવે આ ગામના સરપંચો દીકરાનો મોહ રાખતા પરિવારો અને ખાસ કરીને માતાઓ અને સાસુઓને સમજાવવાની જવાબદારી નિભાવશે. શું છે તંત્રનો આ નવો એક્શન પ્લાન? જોઈએ આ રિપોર્ટમાં.

મહેસાણા જિલ્લામાં 1000 પુરુષોની સામે સ્ત્રીઓના જન્મદરમાં જોવા મળતો મોટો તફાવત તંત્ર માટે પડકારરૂપ બન્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર શૈલેશભાઈ પ્રજાપતિ અને જિલ્લા આરોગ્ય અધિકારી ભરતભાઈ સોલંકીએ એક મહત્વની બેઠક યોજી હતી. તંત્રના ધ્યાને આવ્યું છે કે, જિલ્લાના કેટલાક ગામોમાં સેક્સ રેશિયો 800થી પણ ઓછો છે. આ પરિસ્થિતિને સુધારવા માટે તંત્રએ હવે જે-તે ગામના લોક પ્રતિનિધિ એટલે કે સરપંચોને સાથે રાખીને કામગીરી કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત ઓછા સ્ત્રી જન્મદર વાળા દરેક તાલુકામાંથી એક કે બે ગામના સરપંચોને બોલાવીને તેમને સ્ત્રી જન્મદર સુધારવા માટેની બાંહેધરી લેવામાં આવી છે.

મહેસાણાના 10 ગામોમાં સ્ત્રી જન્મદર 800થી પણ ઓછો (ETV Bharat Gujarat)

આ 10 ગામોને રેડ ઝોન તરીકે તારવ્યા

આરોગ્ય વિભાગે ડેટાના આધારે જિલ્લાના આવા 10 ગામોને રેડ ઝોન તરીકે તારવ્યા છે. જેમાં મહેસાણા તાલુકાના હરદેસણ અને પીલુદરા, વિજાપુરનું બામણવા, વિસનગરનું કડા, બહુચરાજીનું ડોડીવાડા અને ખેરાલુના ચાણસોલ ગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઊંઝાના ભવાનીપુરા અને જાસ્કા, જોટાણાનું કટોસણ, કડીનું માથાસુર અને સતલાસણાના સુદાસણા ગામમાં પણ રેશિયો ઓછો નોંધાયો છે. આ તમામ ગામોમાં હવે સરપંચો ધાર્મિક સંસ્થાઓના વડાઓ અને સામાજિક આગેવાનોનો સહયોગ લેશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ ટીમ ગામમાં દીકરાનો મોહ રાખતી સાસુઓને કે માતાઓ શોધીને તેમને સમજાવવાનું અને કાઉન્સેલિંગનું કામ કરશે, જેથી સમાજમાં મૂળથી જ બદલાવ લાવી શકાય.

જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીએ જણાવ્યું કે, મહેસાણા જિલ્લામાં સેક્સ રેશિયો વધારવા સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે કામગીરી કરતા હોઈએ છીએ. અમે ગામ મુજબ સેક્સ રેશિયો કાઢેલો છે અને એ રીતે અમે ટ્રેકિંગ કરીએ છીએ. જે ગામમાં સેક્સ રેશિયો ઓછો હતો તેમના સરપંચને અમે મીટિંગમાં બોલાવ્યા હતા અને આ માટેના સામાન્ય પરિબળો હોય છે. તેના અનુસંધાને સરપંચોને બોલાવ્યા હતા અને જનજાગૃતિના અભિયાન અંતર્ગત બોલાવ્યા હતા. તેમણે આપેલા સૂચનો પણ અમે અમલ કરીએ છીએ. તે લોકો પણ પોતાના ગામમાં આ રીતે રેશિયો વધારવા માટે કામગીરી કરે, લોકોને જાગૃત કરે, સામાજિક રીત રિવાજો એ રીતે તે પ્રયત્નો કરે. 10 જેટલા ગામ એવા હતા કે જેનો રેશિયો 800 આસપાસ હતો.

આ નવતર પ્રયોગ અંગે જે ગામોમાં દીકરાની સાપેક્ષમાં દીકરીનો જન્મદર ઓછો છે ત્યાં પહેલીવાર આ પ્રકારે સરપંચો સક્રિય થશે. સરપંચ દ્વારા ગામની ગ્રામ પંચાયત અને જાહેર સ્થળોએ દીકરીનું મહત્વ સમજાવતા અને દીકરા-દીકરી એક સમાનના સંદેશ આપતા ભીંતસૂત્રો લખાવવામાં આવશે. આગામી દિવસોમાં સરપંચ, ધાર્મિક આગેવાનો અને રાજકીય નેતાઓ સાથે મળીને મિટિંગો યોજશે અને ગામમાં સ્ત્રી ભ્રૂણહત્યા અટકાવવા તેમજ દીકરીઓના જન્મને વધાવવા માટેનું આયોજન અમલમાં મૂકશે.

આ પણ વાંચો:

  1. ગોધરા: ગોવિંદી ગામે ફુડ વિભાગ અને SOG પોલીસની સંયુક્ત રેડ, 150 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો
  2. ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાની સ્થિતિને CMએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક, સંબંધીત અધિકારીઓને આપી સૂચના