ETV Bharat / state

બંધ સિઝનમાં ગેરકાયદે માછીમારી પર મરીન પોલીસનો સખત પ્રહાર: ત્રણ બોટ ઝડપાઈ, ત્રણ માછીમારો સામે ગુનો નોંધાયો

મરીન પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે પ્રતિબંધિત સમયગાળા દરમિયાન ગેરકાયદે માછીમારી કરનારાઓ સામે આગળ પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

બંધ સિઝનમાં ગેરકાયદે માછીમારી પર મરીન પોલીસનો સખત પ્રહાર: ત્રણ બોટ ઝડપાઈ, ત્રણ માછીમારો સામે ગુનો નોંધાયો
બંધ સિઝનમાં ગેરકાયદે માછીમારી પર મરીન પોલીસનો સખત પ્રહાર: ત્રણ બોટ ઝડપાઈ, ત્રણ માછીમારો સામે ગુનો નોંધાયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 5, 2026 at 9:11 PM IST

1 Min Read
Choose ETV Bharat

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં દરિયાઈ જીવસંપત્તિના સંરક્ષણ માટે જાહેર કરાયેલા ફિશિંગ પ્રતિબંધ દરમિયાન ગેરકાયદે માછીમારી કરનારાઓ સામે સોમનાથ મરીન પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. કદવાર-હિરાકોટ બંદર ફિશ લેન્ડિંગ પોઇન્ટ નજીક દરિયામાં પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા નીકળેલી ત્રણ બોટ ઝડપાઈ હતી. પોલીસે ત્રણેય બોટના સંચાલકો સામે ગુજરાત મત્સ્યઉદ્યોગ નિયમો-2003 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ગીર સોમનાથ પોલીસ દ્વારા અનધિકૃત માછીમારી અટકાવવા વિશેષ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે. તે અંતર્ગત પોલીસની આગેવાનીમાં પેટ્રોલિંગ દરમિયાન આ સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મત્સ્યઉદ્યોગ કમિશ્નર, ગાંધીનગરના તા. 12 મે, 2026ના પરિપત્ર મુજબ દર વર્ષે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી દરિયામાં માછીમારી તેમજ માછલીના વેચાણ પર પ્રતિબંધ અમલમાં રહે છે, જેથી માછલીઓના પ્રજનનને સુરક્ષા મળી રહે. તેમ છતાં નિયમોની અવગણના કરીને ગેરકાયદે માછીમારી કરવામાં આવી રહી હોવાનું સામે આવતાં પોલીસે તાત્કાલિક દરોડો પાડી કાર્યવાહી કરી હતી.

આ કેસમાં સોયબભાઈ જાફરભાઈ ખારીયા (ઉ.વ. 24), દાઉદભાઈ ઓશમાણભાઈ મોવાણા (ઉ.વ. 48) અને અંજલભાઈ સલીમભાઈ ખરાઈ (ઉ.વ. 20) ત્રણેય રહેવાસી કદવાર-હિરાકોટ બંદર, તાલુકો સુત્રાપાડાને ઝડપી ગુજરાત મત્સ્યઉદ્યોગ નિયમો-2003ના નિયમ 6/1(ટ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

મરીન પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે પ્રતિબંધિત સમયગાળા દરમિયાન ગેરકાયદે માછીમારી કરનારાઓ સામે આગળ પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.