મકરસંક્રાતિ 2026: ઉત્તરાયણ દરમિયાન ઇમરજન્સી કોલને પહોંચી વળવા 108એ તૈયાર કર્યો ખાસ પ્લાન
ઈમરજન્સી જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારી સાથે કાર્યરત છે. જાણો શું છે 108નું એક્શન પ્લાન?

Published : January 9, 2026 at 5:30 PM IST
અમદાવાદ : ગુજરાતનો લોકપ્રિય તહેવાર ઉતરાયણ જે આનંદ, ઉત્સાહ અને પરિવાર સાથ ઉજવવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ જોવા જઈેએ તો ઉતરાયણ દરમિયાન છત પરની ભીડ અને માર્ગ પર વધેલો ટ્રાફિક અને અસાવચેત વર્તનના કારણે ઈમરજન્સી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ (EMS) 14 અને 15 જાન્યુઆરી 2026ના રોજ વધતી ઈમરજન્સી જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારી સાથે કાર્યરત છે. જાણો શું છે 108નું એક્શન પ્લાન?
108ના COO જસવંત પ્રજાપતિએ આ અંગે જણાવ્યું હતું કે, 108 ઇમરજન્સી સેવાઓએ ઉત્તરાયણ તહેવાર માટે એક ખાસ કાર્ય યોજના તૈયાર કરી છે. સામાન્ય દિવસોમાં 4,400 ઇમરજન્સી કેસ નોંધાય છે, પરંતુ ઉત્તરાયણ પર આ સંખ્યા 35 ટકા વધી શકે છે. ઉત્તરાયણ પર ઇમરજન્સી કેસોની સંખ્યા 5,191 સુધી પહોંચી શકે છે, એવો અંદાજ છે.
નિષ્ણાતોના મતે, ઉત્તરાયણ પર 25 ટકાનો વધારો થઈને લગભગ 5000 કેસ થવાની ધારણા છે. વાહન દ્વારા થતી ઇજા અને વાહન વગરની ઇજાના કેસ વધવાની ધારણા છે. દરરોજ 400 થી 450 કેસ નોંધાય છે, જે ઉત્તરાયણ દરમિયાન 150 ટકા સુધી વધી શકે છે. મોટાભાગના અકસ્માતોમાં ગરદનમાં ઇજા, છત પરથી પડી જવા અને શારીરિક હુમલો થાય છે. આવા કિસ્સાઓ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં વધુ જોવા મળે છે.

108-EMS રાજ્યભરમાં કાર્યરત 1,481 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ સેવાના મજબૂત નેટવર્ક સાથે શહેરી, ગ્રામ્ય, દરિયાઈ તેમજ અતિદૂર વિસ્તારોમાં સમયસર અને અસરકારક તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરે છે.
ઈમરજન્સીમાં અપેક્ષિત વધારો
છેલ્લા 4-5 વર્ષના ટ્રેન્ડ અને વિશ્લેષણના આધારે, 14 જાન્યુઆરીએ આશરે 35.42% અને 15 જાન્યુઆરીએ 29.20% જેટલો ઈમરજન્સી ફોનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 4,424 ઈમરજન્સી ફોન નોંધાયા છે. જ્યારે ઉત્તરાયણના દિવસે 14 જાન્યુઆરીએ અંદાજે 5,991 અને 15 જાન્યુઆરીએ 5,716 ઈમરજન્સી ફોન આવવાની સંભાવના છે.

ગુજરાતભરમાં ઈમરજન્સી ફોનમાં વધારો નોંધાવાની શક્યતા છે, પરંતુ ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, વલસાડ, આણંદ અને બોટાદ જિલ્લાઓમાં 20%થી વધુ વધારો થવાની સંભાવના છે.
108 EMS તમામ નાગરિકોને વિનંતી કરે છે કે ઉત્તરાયણનો તહેવાર સુરક્ષિત અને જવાબદારીપૂર્વક ઉજવો. કોઈપણ માનવીય ઇમરજન્સી સર્જાય તો તરત 108 પર કોલ કરો અને પશુ અથવા પક્ષીની ઇમરજન્સી માટે 1962 પર સંપર્ક કરો.
આ પણ વાંચો...

