જૂનાગઢના વૈજ્ઞાનિકોને મોટી સફળતા, મગફળીના ફોતરામાંથી ઉગાડ્યું મશરૂમ
વેસ્ટમાંથી વેલ્થના મંત્રને સાકાર કરતાં જૂનાગઢના રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ મગફળીના ફોતરા પર ઓઇસ્ટર મશરૂમનું સફળતાપૂર્વક ઉત્પાદન કર્યું છે.

Published : October 12, 2026 at 10:56 AM IST
|Updated : October 12, 2026 at 11:14 AM IST
મનીષ ડોડિયા, જૂનાગઢ: વેસ્ટમાંથી વેલ્થના મંત્રને સાકાર કરતાં જૂનાગઢના રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ મગફળીના ફોતરા પર ઓઇસ્ટર મશરૂમનું સફળતાપૂર્વક ઉત્પાદન કર્યું છે. છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા સંશોધનને વર્ષ 2026માં સફળતા મ ળતાં હવે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખેતીના કચરામાંથી વધારાની આવકનો નવો માર્ગ ખુલ્યો છે.
મગફળીના ફોતરા પર સફળતા પૂર્વક મશરૂમનું ઉત્પાદન
રાષ્ટ્રીય સંસ્થાન મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢના રિસર્ચ વૈજ્ઞાનિકો દ્વારા મગફળીના ફોતરા પર મશરૂમનું ઉત્પાદન કરવામાં સફળતા મળી છે. રાષ્ટ્રીય મગફળી સંસ્થાન દ્વારા સંશોધન કેન્દ્રના શ્રેયા આચાર્ય, શ્વેતા દેવાણી, ઊર્જા ભીમાણી, ચિરાગ ભાલીયા, પ્રશાંતા એસ.ટી.નટરાજા, એમ.વી અને ડાયરેક્ટર એસ.કે.બેરાની છેલ્લા પાંચ વર્ષની મહેનત રંગ લાવી છે.
ભારતમાં અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ હવામાન હોવાને કારણે મશરૂમની ખેતી ખૂબ સારી રીતે થઇ શકે તેમાં પણ ઓઇસ્ટર મશરૂમની ખેતી એકદમ સરળ અને ઓછી ખર્ચાળ તેમજ ખેડૂતો માટે કૃષિ પાકોની સાથે વધારાની આવકનો સ્ત્રોત બની શકે છે. મશરૂમમાં પ્રોટીન, વિટામીન, ખનીજ તત્વો અને અન્ય આવશ્યક પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોવાથી મશરૂમને પૌષ્ટિક ખોરાક તરીકે સ્વીકારવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં મગફળીની ખેતી
સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં મગફળીની ખેતી થાય છે. એક અંદાજ મુજબ ભારતમાં વર્ષે 2025/26 દરમિયાન 130.74 લાખ ટન અંદાજિત મગફળીનું ઉત્પાદન થઈ શકે છે. મગફળીમાંથી મોટા પ્રમાણમાં ફોતરા અને અન્ય કૃષિ અવશેષો મળતા હોય છે. મગફળીના ડોડવામાં આશરે 21થી 29 ટકાનો ભાગ ફોતરાનો હોવાથી વર્ષ દરમિયાન અંદાજિત 27થી 37 લાખ ટન ફોતરા ઉપલબ્ધ બનવાની શક્યતાઓ છે.

મગફળીના ફોતરા અને અન્ય સૂકા અવશેષો ઓઇસ્ટર મશરૂમની ખેતી માટે આધાર સામગ્રી તરીકે ભારતીય મગફળી સંશોધન સંસ્થા દ્વારા લેવામાં આવ્યા છે, જેના થકી આજે મગફળી સંશોધન સંસ્થાન જૂનાગઢ દ્વારા બે દિવસે 05 થી 10 કિલો મશરૂમ માત્ર પ્રાયોગિક ધોરણે કરવામાં આવેલા પ્રયોગ પરથી મેળવવામા આવી રહ્યું છે. મગફળીના ફોતરા પર પ્લ્યુરોટસ સેજોર-કાજુ પ્લ્યુરોટસ ફ્લોરિડા પ્લ્યુરોટસ ઇઓયુસ અને પ્લ્યુરોટસ ફ્લેબેલાટમ જેવી ઓઇસ્ટર મશરૂમની જાતોનું મગફળીના ફોતરા પર સફળતા પૂર્વક ઉત્પાદન મેળવી શકાય છે.
સૌરાષ્ટ્ર માટે સૌથી ઉત્તમ
મગફળીના ફોતરા અને મગફળીમાંથી મળતા અન્ય સૂકા અવશેષો પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થતા હોય છે. પ્લ્યુરોટસ સેજોર-કાજુ અને પ્લ્યુરોટસ ઇઓયુસ જેવી જાતો માટે સૌરાષ્ટ્રનું તાપમાન 20થી 25 ડિગ્રી અનુકૂળ હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે જેને કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓઇસ્ટર મશરૂમની ખેતી ખૂબ સફળતાપૂર્વક થઈ શકે છે. રાષ્ટ્રીય મગફળી સંશોધન સંસ્થા જૂનાગઢ દ્વારા પ્રાયોગિક ધોરણે ઉત્પાદન લેવામાં આવ્યું છે જેમાં પ્લ્યુરોટસ સેજોર-કાજુ ની ખેતી માટે આધુનિક ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે. યોગ્ય પરિસ્થિતિમાં 20થી 22 ડિગ્રી ટેમ્પરેચર અને 70થી 80 ટકા ભેજનું વ્યવસ્થાપન કરીને મશરૂમનું ઉત્પાદન મેળવવામાં આવી રહ્યું છે.

ઓઇસ્ટર મશરૂમની ખેતી પદ્ધતિ
- ઓઇસ્ટર મશરૂમની ખેતી કરતા પૂર્વે તેની ખેતી પદ્ધતિમાં મગફળીના ફોતરા અને સૂકા છોડના અવશેષને ત્રણથી પાંચ સેમી નાના કદમાં સમાન રીતે કાપવામાં આવે છે.
- તે બાદ કાપેલા ફોતરાને સ્વચ્છ પાણીમાં 37% ફોર્માલ્ડીહાઈડ અને કાર્બબેન્ડાઝિમ 50 WP ભેળવીને 8થી 12 કલાક પલાળી રાખવામાં આવે છે.
- પાણીમાં પલળેલા મગફળીના ફોતરામાંથી સંપૂર્ણ પાણી નિતારી લીધા બાદ તેને તાજા અને સ્વચ્છ પાણીથી ધોવામાં આવે છે.
- છાંયડામાં ફોતરાને સૂકા કરવામાં આવે છે જ્યાં સુધી મગફળીના ફોતરામાં ભેજનું પ્રમાણ 60થી 65 ટકા ન રહે ત્યાર પછી મગફળીના ફોતરાને સબસ્ટ્રેટને રૂમ તાપમાન સુધી ઠંડુ કરવામાં આવે છે.
- તૈયાર થયેલા સબસ્ટ્રેટના ત્રણથી ચાર કિલો વજનના 16 × 24 ઇંચ ની છિદ્ર વાળી પ્લાસ્ટિકની બેગમાં ભરવામાં આવે છે.
- આ બેગમાં સબસ્ટ્રેટ અને ઓઇસ્ટરના બીજના એક પછી એક સ્તર બનાવવામાં આવે છે દરેક બેગમાં 180થી 200 ગ્રામ સારી જાતનું મશરૂમનું બીજ ઉમેરવામાં આવે છે.
- બીજ ઘઉં, બાજરી, જુવાર જેવા અનાજ પર તૈયાર કરેલું હોવું જોઈએ.
- દરેક બેગમાં 10 થી 15 ગ્રામ caco3 ઉમેરી અને તેને સબસ્ટ્રેટમાં સમાન રીતે ફેલાવવામાં આવે છે.
- તૈયાર થયેલી બેગને 20થી 22 ડિગ્રી તાપમાન વાળા ડાર્ક રૂમમાં આશરે 10 દિવસ સુધી રાખવામાં આવે છે જ્યાં સુધી ફૂગની કવકજાળ સમગ્ર સબસ્ટ્રેટમાં સંપૂર્ણ રીતે ફેલાઈ ન જાય.
- ફૂગની કવકજાળથી સંપૂર્ણ પણે ભરાયેલી બેગને 20થી 25 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન અને 70થી 80 ટકા ભેજ ધરાવતા સંપૂર્ણ પ્રકાશ વાળા રૂમમાં ખસેડવામાં આવે છે. સામાન્ય રીતે ત્રણથી સાત દિવસમાં નાના મશરૂમના અંકુરો તેમાંથી ફુટતા જોવા મળે છે.
- સંપૂર્ણ વિકસેલા તાજા મશરૂમની કાપણી કરી અને તેને છિદ્રોવાળી પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને વેચાણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે.
મશરૂમમાં જોવા મળતા પોષક તત્વો અને તેના આરોગ્ય પર થતા લાભો
ઓઇસ્ટર મશરૂમમાં ઊંચ ગુણવત્તાવાળું પ્રોટીન ખાવા માટે સારા અને પાચન માટે ઉત્તમ એવા ફાઇબરના રેસા જરૂરી એવા વિટામિન્સ મહત્ત્વપૂર્ણ ખનીજો અને ખૂબ જ સક્રિય એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં હોય છે. કોઈ પણ વ્યક્તિ તેના આહારમાં ઓઇસ્ટર મશરૂમનો નિયમિત સમાવેશ કરે તો સામાન્ય આરોગ્ય અને શરીરની તંદુરસ્તી જાળવવા માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. મશરૂમમાં 90% ભેજ, 2.5% પ્રોટીન, 0.2 % ચરબી, 5.2 % કાર્બોહાઈડ્રેટ, 1.3 % ફાઇબર, 0.3 % ખનીજ તત્વો અને 35% જેટલી ઊર્જા પ્રાપ્ત થતી હોય છે.

મશરૂમથી થતા આરોગ્ય લક્ષી ફાયદાઓ
કોઈ પણ વ્યક્તિ મશરૂમનું નિયમિત સેવન કરે તો તે વ્યક્તિના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે અને શરીર કુદરતી રીતે બીમારીઓ સામે લડવામાં સક્ષમ બનતુ હોય છે. ઓઇસ્ટર મશરૂમમાં વધુ પ્રમાણમાં ફાઇબર હોવાને કારણે આંતરડાના સ્વાસ્થ્ય અને ખાધેલા ખોરાકના પાચનમાં મદદરૂપ બને છે. કોલેસ્ટ્રોલ રહિત ખૂબ જ ઓછી ચરબી હોવાને કારણે ઓઈસ્ટર મશરૂમ હૃદયને માટે અનુકૂળ આહાર પણ બની શકે છે. કુદરતી એન્ટી ઓક્સિડન્ટ સેલેનિયમ અને ઝીંક જેવા મહત્ત્વપૂર્ણ પોષક તત્વો પણ મશરૂમમાં ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જેથી આવા ખનીજો શરીરને મશરૂમ મારફતે મળતા હોય છે. સંતુલિત અને નિયંત્રિત આહાર તરીકે પણ આજે મશરૂમને વિશ્વના લોકો સ્વીકારી રહ્યા છે. મશરૂમ ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે પણ ઉપયોગી બની શકે છે.
મશરૂમની ખેતીથી થતી આવક અને ખર્ચ
મગફળીના ફોતરાનો ઉપયોગ કરીને ઓઇસ્ટર મશરૂમની ખેતી કરવાથી ખૂબ સારો આર્થિક લાભ મળી શકે છે. સામાન્ય રીતે મશરૂમના એક ચક્રનું ઉત્પાદન 30થી 45 દિવસનુ હોય છે, જેમાં એક ટન તાજા ઓઈસ્ટર મશરૂમના ઉત્પાદન માટે અંદાજિત 8,000નો ખર્ચ, બિજ માટે 1200થી 1500 કિલો મગફળીના ફોતરા માટે, 3000 રૂપિયા હજાર છીદ્રોવાળી પ્લાસ્ટિકની બેગ માટે, 3000 રૂપિયા સબસ્ટ્રેટની તૈયારી અને બેગ ભરવાની સાથે મશરૂમની કાપણી માટે, લાગતો મજૂરી ખર્ચ 8,000, ભેજ અને પાણીનું નિયંત્રણ થઈ શકે તે માટે વીજળી અને પાણી માટે 3000 રૂપિયા, જંતુનાશક રસાયણો અને સ્પ્રેયર જેમાં ફોર્માલ્ડીહાઇડ કાર્બેન્ડાઝિમ અને કેલ્શિયમ કાર્બોનેટ વગેરે માટે 3000 રૂપિયા મળીને કુલ ઉત્પાદન ખર્ચ એક ટન મશરૂમ પાછળ અંદાજે 28 હજાર આસપાસનો ખર્ચ થાય છે.

ઓઇસ્ટર મશરૂમના ઉત્પાદનથી થતી આવક
એક હજાર કિલોગ્રામ તાજા મશરૂમના ઉત્પાદન પાછળ અંદાજિત 28 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. બજારમાં એક કિલો મશરૂમની સરેરાશ કિંમત 120થી 200 રૂપિયા સુધીની જોવા મળે છે. એક ટન મશરૂમનું વેચાણ થાય તો ખેડૂતોને અથવા તો મશરૂમનું ઉત્પાદન કરનાર ઉત્પાદક ને 1,50,000ની આસપાસ આવક થતી હોય છે જેમાંથી 28 હજારનો અંદાજિત ઉત્પાદન ખર્ચ દૂર કરવામાં આવે તો ખેડૂતને માત્ર 30થી 45 દિવસમાં 01 લાખ 22 હજારની આસપાસ ચોખ્ખો નફો થતો હોય છે. આ સિવાય મશરૂમના અન્ય મુલ્ય વર્ધન ઉપયોગ જેવા કે સૂકા મશરૂમ, મશરૂમનું અથાણું અને કટલેસ, મશરૂમનો પાવડર બનાવીને પણ તેમાંથી વધારાની આવક મેળવી શકાય છે.
મશરૂમની કાપણી પછી બચેલા સબસ્ટ્રેટનો ઉપયોગ કુદરતી રીતે ઉચ્ચ ગુણવત્તા વાળા જૈવિક ખાતર તરીકે પણ કરી શકાય છે. જૈવિક ખાતર પણ ખૂબ મોટા ખર્ચે તૈયાર થતું હોય છે, જેથી આ ખાતર ખેડૂતને અથવા તો મશરૂમનું ઉત્પાદન કરતા કોઈ પણ વ્યક્તિને વિના મૂલ્યે મળી જાય છે. આ સિવાય મશરૂમનું નાના પાયે ઉત્પાદન કરવાથી ગામડામાં રોજગારીની શક્યતાઓ પણ ઉભી થાય છે અને ખૂબ સરળતાથી આ પ્રકારની ખેતી પદ્ધતિમાં મહિલાઓને જોડીને તેમને પણ આર્થિક રીતે મજબૂત કરી શકવામાં મશરૂમની ખેતી મદદરૂપ બની શકે છે.
આ પણ વાંચો:

