કડીના મણિપુર વિસ્તારમાં મોબાઈલ ટાવર સામે સ્થાનિકોનો ભારે વિરોધ, નગરપાલિકાને આવેદનપત્ર સોંપાયું
મહેસાણા જિલ્લાના કડી શહેરના મણિપુર મહોલ્લા (લાવાવાડ)માં ખાનગી કંપની દ્વારા રહેણાંક મકાનના ધાબા પર NOC કે મંજૂરી વિના જ ટાવર સ્થાપવાની કામગીરી શરૂ કરાઈ.

Published : June 30, 2026 at 1:51 PM IST
મહેસાણા : કડી શહેરમાં આવેલા મણિપુર મહોલ્લા (લાવાવાડ) વિસ્તારમાં એક ખાનગી કંપની દ્વારા રહેણાંક વિસ્તારની વચ્ચે મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ મામલે મણિપુર વિસ્તારના મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો એકઠા થઈને કડી નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી ટાવરની કામગીરી તાત્કાલિક અસરથી અટકાવવા માંગ કરી છે.
રહેણાંક વિસ્તારમાં ટાવરથી સ્વાસ્થ્ય સામે જોખમ
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મણિપુર વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે શિક્ષક એવા ઘનશ્યામભાઈ મફતલાલ પટેલના મકાનના ધાબા ઉપર કોઈપણ જાતની કાયદેસરની મંજૂરી કે આસપાસના રહીશોની સંમતિ (NOC) લીધા વિના જ ખાનગી કંપની દ્વારા મોબાઈલ ટાવર સ્થાપવાની કામગીરી રાતોરાત શરૂ કરી દેવામાં આવી છે. આ ગેરકાયદેસર કામગીરીને કારણે આસપાસના સેંકડો પરિવારોના જનજીવન અને સ્વાથ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે.
સ્થાનિકોએ આવેદનપત્રમાં રજૂઆત કરી છે કે, રહેણાંક વિસ્તારની એકદમ નજીક ટાવર સ્થાપવામાં આવી રહ્યો હોવાથી ભવિષ્યમાં કોઈ કુદરતી આપત્તિ, વાવાઝોડું કે અકસ્માત સર્જાય તો જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ટાવરમાંથી નીકળતા હાનિકારક રેડિયેશનને કારણે બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોના સ્વાથ્ય પર ગંભીર અસરો પડવાની ભીતિ સેવાઈ રહી છે.
જૂના ટાવરના કારણે કેન્સરના કેસ વધ્યાનો દાવો
નગરપાલિકા સમક્ષ રજૂઆત કરતા સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, આ પંથકમાં અગાઉ પણ એક ટાવર નાખવામાં આવેલું છે. તે ટાવરની આસપાસના ૧૦૦ મીટરના ઘેરાવમાં છેલ્લા કેટલાક સમયમાં કેન્સરના અંદાજે ૫ જેટલા કેસ સામે આવી ચૂક્યા છે. એટલું જ નહીં, મોબાઈલ ટાવરોના હાનિકારક રેડિયેશનના કારણે ચકલીઓ અને અન્ય નાના પક્ષીઓ પણ આ વિસ્તારમાંથી સાવ લુપ્ત થઈ ગયા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના સંશોધનોનો હવાલો આપીને રહીશોએ જણાવ્યું કે ટેલિકોમ કંપનીઓના ટાવર માનવ વસવાટની વચ્ચે હોવા અત્યંત નુકસાનકારક છે.
રહીશોની નગરપાલિકા સમક્ષ મુખ્ય માંગણીઓ
- મણિપુર મહોલ્લા ખાતે ચાલી રહેલી મોબાઈલ ટાવર સ્થાપવાની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે.
- આ ટાવર માટે નગરપાલિકા દ્વારા કોઈ મંજૂરી કે NOC આપવામાં આવી છે કે નહીં તેની તટસ્થ તપાસ થાય.
- જ્યાં સુધી આ બાબતની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની આગળની મંજૂરી આપવામાં ન આવે.
- આ ટાવરને રહેણાંક વિસ્તારમાંથી હટાવીને કોઈ બિન-વસવાટ વાળી જગ્યાએ ખસેડવામાં આવે.
ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
નગરપાલિકા પરિસરમાં જ રહીશોએ 'ભારત માતા કી જય'ના નારા લગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો નગરપાલિકા પ્રશાસન કે સ્થાનિક તંત્ર દ્વારા આ ગેરકાયદેસર ટાવર હટાવવા માટે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં મણિપુર વિસ્તારના તમામ રહીશો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બનશે અને જરૂર પડ્યે નગરપાલિકાની બહાર જ ઉપવાસ (અનશન) પર ઉતરશે.
આ પણ વાંચો...

