ઉત્તરાયણ માટે ખાસ લખનઉથી આવ્યા કારીગરો, કેવી રીતે તૈયાર થાય છે પ્રખ્યાત "બરેલી માંજો"
ખાડિયા વિસ્તારમાં લખનઉના કારીગરો ઉત્તરાયણ માટે દોરી રંગવાનું કામ કરે છે, વાંચો ETV Bharat નો આ ખાસ અહેવાલ...

Published : December 18, 2025 at 2:28 PM IST
|Updated : December 18, 2025 at 2:58 PM IST
અમદાવાદ : ગુજરાતની શાન ઉત્તરાયણના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી છે. પતંગરસિકોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદના રાયપુર ખાડિયા અને કોર્ટ વિસ્તારમાં માંજો રંગવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદમાં લખનઉથી કારીગરોએ દોરી રંગવાનું કામ કરવા આવી રહ્યા છે. જાણો પ્રખ્યાત બરેલી માંજો કેવી રીતે તૈયાર થયા છે.
ઉત્તરાયણ માટે દોરી રંગવાનું કામ પૂરજોશમાં...
ગુજરાતીઓના મુખ્ય તહેવારમાંથી એક એટલે "મકરસંક્રાંતિ". ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે. લોકોનો ઉત્સાહ એટલો બધો કે ઉત્તરાયણના એક મહિના પહેલાથી જ પતંગો ચગાવવા લાગે છે. અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરીને દોરી રંગવાનું કામ કરવામાં આવે છે. દિવાળી પૂરી થતાં જ આ કામ શરૂ થઈ ગયા છે. દોરીના રોલ પર હાથથી રંગ ઘસીને માંજો તૈયાર કરવામાં આવે છે. જેને બાદમાં ફીરકી તૈયાર કરી વેચવામાં આવે છે.
બરેલી માંજો તૈયાર કરવા લખનઉથી આવ્યા કારીગરો
આ અંગે માંઝા ઘસનાર લખનઉના કારીગર ઓમ પ્રકાશે કહ્યું કે, "અમે દર વર્ષે લખનઉથી અમદાવાદ આવીએ છીએ. અમે સામાન્ય રીતે પાંચમા દિવસે આવીએ છીએ, અને મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવા માટેની દોરી બનાવવાનું કામ કરીએ છીએ. અમારો 10-12 લોકોનો આખો પરિવાર અહીં આવે છે અને અમે વિવિધ સ્થળોએ દોરી બનાવવાનું કામ કરીએ છીએ. એક ફીરકીને કિંમત 80-90 રૂપિયાથી શરૂ થાય છે, આ ફીરકી દુકાનોમાં મોકલવામાં આવે છે.
"એક દિવસમાં 150 જેટલી ફિરકી બનાવવામાં આવે છે, અને અમે દરરોજ 400-500 રૂપિયા કમાઇએ છીએ. અમે બાળપણથી અહીં આવીએ છીએ. અમદાવાદમાં આવક સારી છે, તેથી અમે આટલા દૂરથી આવીએ છીએ અને ત્રણ મહિનાથી અહીં દોરી બનાવવાનું કામ કરીએ છીએ. અમે લખનઉમાં પણ એ જ કામ કરીએ છીએ." -- ઓમ પ્રકાશ (કારીગર, લખનઉ)
દોરી રંગવાની પરંપરાગત પદ્ધતિ : લખનઉના કારીગર હર્ષ નિષાદે કહ્યું, "હું બાળપણથી અમદાવાદ આવી રહ્યો છું અને મકરસંક્રાંતિ પર દોરી ઘસવાનું કામ કરું છું. દોરી ઘસવા માટે દાળ, સાબુ, કાચ, બોરેક્સ અને ચોખા ભેળવીને લોટ બનાવવામાં આવે છે. આ મિશ્રણ દોરી પર ઘસવામાં આવે છે, દોરી મજબૂત બને છે. અમને 5,000 વાર દોરી ઘસવા માટે અડધો કલાક લાગે છે. અમે દરરોજ 20 ફિરકી બનાવીએ છીએ અને દરરોજ 700 રૂપિયા કમાઇએ છીએ. અમારા 1000 વારની ફીરકી 250 રૂપિયામાં વેચાય છે."

રમેશભાઈ ડોરીવાળાએ કહ્યું, "અમે લખનૌથી અમદાવાદ આવ્યા અને 30 લોકોને દોરીનું કામ કરવા માટે લાવ્યો હતો. અમે છેલ્લા 50 વર્ષથી રાયપુર ખાડિયા વિસ્તારમાં દોરી ઘસવા માટે આવીએ છીએ. અહીં કોટનની દોરીનો ઉપયોગ થાય છે. એક ફિરકી બનાવવામાં 15 થી 20 મિનિટ લાગે છે. અમે રાયપુર દરવાજા પાસે દોરી ઘસવાનું કામ કરીએ છીએ. અહીં ખૂબ ભીડ છે, લોકો દૂર દૂરથી દોરી ઘસવા માટે ઓર્ડર આપવા આવે છે.

દોરી ઘસનારની મહેનત અને મહેનતાણું
અમે દરરોજ 300 ફિરકી બનાવીએ છીએ. સિઝન દરમિયાન, વ્યક્તિ ₹25,000 કમાણી કરે છે. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવાથી, અમે સરકારી માર્ગદર્શિકાનું પાલન કરીએ છીએ. ચાઇનીઝ દોરીનો ઉપયોગ સંપૂર્ણપણે ન હોવો જોઈએ; તેનાથી ઘણું નુકસાન થાય છે. અમે હાથથી કામ કરીએ છીએ. તેમાં ઘણી મહેનત કરવી પડે છે. હાથ પર ઘણીવાર કટ આવી જાય આવે છે અને દોરી આખા હાથને જખમી કરી શકે છે, છતાં કારીગરો કામ કરવાનું ચાલુ રાખે છે."

મોટા ચિલોડાથી રાયપુર દોરી ઘસાવવા માટે આવનાર ધર્મેન્દ્ર યાદવે કહ્યું, "હું દર વર્ષે અહીં દોરી ઘસાવવા માટે આવું છું. અહીં, કોટનની દોરી હાથથી ઘસવામાં આવે છે, અને આ લોકો માંજો ખૂબ સારી રીતે બનાવે છે. લોકો લખનૌથી અહીં આવે છે અને ઘરેથી દોરી બનાવે છે. અમે 5000 વારની 40 ફિરકીનો ઓર્ડર આપ્યો છે. આ લોકો ખૂબ જ સારું કામ કરે છે અને ખૂબ જ મહેનત કરે છે. મકરસંક્રાંતિ ગુજરાતનો પ્રિય તહેવાર છે, જે ખૂબ જ ધૂમથી મનાવવામાં આવે છે."
આ પણ વાંચો...

