મહેસાણામાં પ્રેમલગ્નમાં અપહરણનો કેસ: યુવતીની માતાએ ડૉ. સ્મિતના પરિવાર સામે નોંધાવી ફરિયાદ, કર્યા ગંભીર આક્ષેપ
ઘટનામાં યુવતી ચાંદનીની માતા નીતાબેન જીતેન્દ્રકુમાર પટેલે પણ વળતી ફરિયાદ નોંધાવી છે.

Published : August 22, 2026 at 7:30 PM IST
મહેસાણા: મહેસાણા શહેરમાં એક પ્રેમલગ્નનો મામલો હવે બે પરિવારો અને સમાજ વચ્ચે મોટા ઘર્ષણમાં પરિણમ્યો છે. આ ઘટનામાં યુવક અને યુવતીના પરિવારજનો દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક તરફ યુવકના પરિવારે યુવતીના અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ યુવતીની માતાએ પણ મારઝૂડ અને ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ગરમાયો છે.
યુવકના પરિવારનો આરોપ: "અમારી પુત્રવધૂનું અપહરણ થયું છે"
મહેસાણાના શિવ વાટીકા, ચામુંડા ચોકડી પાસે રહેતા ઉષાબેન અતુલકુમાર પરમાર દ્વારા એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમની ફરિયાદ મુજબ, તેમના પુત્ર સ્મિત પરમારે 23/04/2026ના રોજ પાલનપુરના સદરપુર ગામની ચાંદની નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ગત તા. 18/08/2026ના રોજ બપોરે ચાંદનીના પિતા જીતેન્દ્રભાઈ, માતા નીતાબેન, કાકા નરેશભાઈ અને અન્ય માણસો તેમના ઘરે આવ્યા હતા.
ફરિયાદમાં આક્ષેપ છે કે, આ લોકોએ ઘરમાં ઘૂસીને તેમની પુત્રવધૂ ચાંદનીને બળજબરીથી ખેંચીને ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. આ દરમિયાન ઝપાઝપીમાં ઉષાબેનની સોનાની ચેઈન પડી ગઈ હતી અને હુમલાખોરોએ જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી નાયબ પોલીસ અધિક્ષકને તપાસ સોંપી છે.
આ મામલે ડૉ. સ્મિતના કાકા પિયુષ પરમારે મીડિયાને જણાવ્યું હતું કે, ચાંદનીના પરિવારે અસામાજિક તત્વો સાથે મળીને અપહરણ કર્યું છે અને તેઓ હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ડૉ. સ્મિતે પણ પોતાની પત્નીની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, 24 કલાક વીતી જવા છતાં પોલીસ તરફથી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી અને તેમને પત્નીની હત્યાનો ડર સતાવી રહ્યો છે.
યુવતીના પરિવારનો પલટવાર: "માતાને ઘરમાં ગોંધીને માર માર્યો"
બીજી તરફ, આ જ ઘટનામાં યુવતી ચાંદનીની માતા નીતાબેન જીતેન્દ્રકુમાર પટેલે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તેઓ પોતાની દીકરીને સમજાવવા માટે સ્મિત પરમારના ઘરે ગયા હતા. તે સમયે દીકરી ચાંદની તેના ભાઈઓ સાથે જઈ રહી હતી, ત્યારે સ્મિત પરમારના ઘરના સભ્યોએ નીતાબેનને પકડી લીધા હતા. નીતાબેનનો આરોપ છે કે, તેમને બળજબરીથી ઘરમાં ખેંચી જઈ, તેમના કપડાં ફાડી નાખીને ઢોર માર મારવામાં આવ્યો હતો. પોલીસે આ અરજીના આધારે ગુનો રજીસ્ટર કરી તપાસ નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલને સોંપી છે.
આ ઘટના બાદ પાટીદાર સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાજિક આગેવાન સતીશભાઈ પટેલે જણાવ્યું કે, દીકરીની માતાને ઘરમાં ઘૂસાડીને લાકડીઓથી માર મારવામાં આવ્યો છે, તેમના હોઠ અને કપડાં ફાડી નાખવામાં આવ્યા છે. એસ.પી.જી. (SPG) ગુજરાત પ્રદેશ પ્રમુખ રિંકેશ પટેલે પોલીસ પર એકતરફી કાર્યવાહી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ યોગ્ય તપાસ કરી દીકરીની માતાની ફરિયાદ પર કડક કાર્યવાહી નહીં કરે, તો આગામી દિવસોમાં પાટીદાર સમાજ અને વિવિધ સંસ્થાઓ મહેસાણા એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર આંદોલન કરશે.
એક પ્રેમલગ્નથી શરૂ થયેલો આ પારિવારિક વિવાદ હવે સામાજિક પ્રતિષ્ઠા અને કાયદાકીય લડાઈનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. બંને પક્ષોએ એકબીજા પર ગંભીર આક્ષેપો કર્યા છે. હવે સમગ્ર ઘટનાનું સત્ય શું છે અને કોણ સાચું છે, તે પોલીસની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હાલ મહેસાણામાં આ ઘટનાને પગલે ભારે ચર્ચા અને તંગદિલીનો માહોલ છે.
આ પણ વાંચો:

